ગાંધીનગરઃ ગુજરાતમાં કોંગ્રેસે 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ગુજરાતની સૌથી હાઇપ્રોફાઇલ બેઠક પૈકીની એક ગાંધીનગર બેઠક પર ભાજપ તરફથી ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકરીતા મંત્રી અમિત શાહ મેદાનમાં છે. તેમની સામે કોંગ્રેસે મહિલા ઉમેદવાર સોનલ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ગાંધીનગરમાં સોનલબેન પટેલ અને અમિત શાહ વચ્ચે સીધો મુકાબલો થશે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગાંધીનગરથી સી.જે. ચાવડાને મદાનાં ઉતાર્યા હતા. સી.જે ચાવડાનો ચૂંટણી જંગમાં ઘોર પરાસ્ત થયો હતો. આ વખતના કોંગી ઉમેદવાર સોનલ પટેલ પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. ઇટીવી ભારતે સોનલ પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી.
ઈટીવી ભારતઃ કોંગ્રેસે લાંબા મંથન પછી આપને ટિકિટ આપી છે. સીટ હાઇપ્રોફાઇલ છે. તમારી શુ પ્રતિક્રિયા છે.
સોનલ પટેલઃ તમારી વાત સાચી છે આ સીટ હાઇપ્રોફાઇલ છે. ભૂતકાળમાં આ સીટ પરથી લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી જીતી ચુક્યા છે. હાલમાં ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે. આ ચૂંટણી પડકાર જનક છે. મલ્લીકાર્જુન ખડગે, સોનીયા ગાંધી, રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહીલ, ઇન્ચાર્જ મુકુલ વાસનીકે મને ચૂંટણી લડવા મેદાનમાં ઉતારી છે. મે પણ ચુંટણી મેદાનમાં ઉતરવાની સહમતી આપી છે. આ વિસ્તરામાં પ્રથમવાર મહિલા ઉમેદવાર તરીકે મારૂ નામ જાહેર થયુ છે. મારો બહુ વર્ષોનો સંગઠનનો અનુભવ છે. હુ આ વિસ્તારમાં વર્ષ 1990 થી વોર્ડ લેવલે કામ કરૂ છુ. અમિત શાહ પણ વોર્ડ લેવલે કામ કરતા હતા. અમે બન્ને જમીનથી જોડાયેલા નેતા છીએ. હુ મહિલા કોંગ્રેસ પ્રમુખ રહી છુ. એઆઇસીસીની સેક્રેટરી છુ. આ વિસ્તારમાં લોકો સાથે મારો જૂનો સબંધ છે. ઘણા વર્ષોથી ચુંટાતા ઉમેદવારો સામે એન્ટીઇન્કમબન્સી છે. મોંઘવારી અને બેરોજગારીના મુદ્દાને લઇને અમે જનતા વચ્ચે જઇશુ.
ઇટીવી ભારતઃ ગત ચૂંટણીમાં ગાંધીનગરથી ભાજપ 5 લાખ કરતા વધુ વોટથી જીત્યુ હતુ. હવે આગામી ચૂંટણીમાં આપની શુ સ્ટ્રેટેજી છે ?
સોનલ પટેલઃ અમારી રણનીતિ વધુને વધુ લોકો સુધી પહોંચવની છે. વધુને વધુ લોકો સાથે સંપર્ક, તેમના સુધી અમારી વાત પહોંચાડવી, રાહુલ ગાંઘીની ન્યાય યાત્રા સહિતની વાતો અમે લોકો સુધી પહોંચાડીશુ.
ઇટીવી ભારતઃ ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ક્લીનસ્વીપ કરી, કોંગ્રેસને ક્યાંયથી સફળતા મળી નથી, ગ્રામીણ અને શહેરી વિસ્તાર વચ્ચે તાલમેલ કેવી રીતે કરશો ?
સોનલ પટેલઃ હું પણ માનુ છુ કે, ગંધીનગર લોકસભામાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર આવે છે. પણ લોકોને મત કોંગ્રેસને આપવા હોય તો તે ચોક્કસ મત આપે છે. ભૂતકાળમાં મનમોહન સિંહની સરકારને મુંબઇ અને દિલ્હીના મતદારોએ મત આપ્યા હતાં. લોકો કોઇ એક પક્ષ તરફ મત આપવાનું મન બનાવે તો તેમા કોઇ મોટો ફરક રહેતો નથી. સંગઠનની વાત કરવામાં આવે તો ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસની પકડ મજબુત છે. પરંતુ શહેર અને ગ્રામીણ વિસ્તારમાં મતદાન અંગે કોઇ વધુ ફરક નથી.
ઇટીવી ભારતઃ ભાજપના દાવા અનુસાર તેમણે ગાંધીનગરના તમામ લોકલ મુદ્દા હલ કર્યા છે, રસ્તા, પાણી, વીજળીથી ઉપર સ્માર્ટ સીટી અને સ્માર્ટ ગામની તેઓ વાત કરે છે. એવા કયા કામો હજી બાકી છે ?
સોનલ પટેલઃ શહેરી વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબતે ગુજરાત પહેલાથી વીક્સીત છે. કોંગ્રેસ અને ભાજપ બન્નેના શાસનકાળમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. ટાઉન પ્લાનીગ સ્કીમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસનો પાયો કોંગ્રેસના શાસન દરમિયાન નખાયો છે. બાદમાં આવેલી સરકારોએ તેનો વિકાસ કર્યો છે. પરંતુ, મોંઘવારી, બેરોજગારી, મોંઘુ શિક્ષણ, પેપર લીક આ બધા મુદ્દાને લઇને અમે લોકો સમક્ષ જઇશુ.
ઇટીવી ભારતઃ આ સીટ પરથી સુપરસ્ટાર રાજેશ ખન્ના અને ટી.એન. સેશાનને સફળના નથી મળી. તમારા માટે ક્યા પડકારો છે ?
સોનલ પટેલઃ સામાન્ય રીતે આ વિસ્તાર બહારના ઉમદેવારોને શરૂઆતથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમને વિસ્તારનુ જ્ઞાન નથી હોતું. કાર્યકરો સાથે ઓળખાણ નથી હોતી. જ્યા સુધી આ બધી જાણકારી મળે ત્યા સુધીમાં ચૂંટણી પૂર્ણ થઇ જાય છે. તેથી, આ વખતે કોંગ્રેસે ગુજરાતમાંથી સ્થાનિક ઉમેદવારોને તક આપી છે.
ઇટીવી ભારતઃ દેશ પર 60 વર્ષ રાજ કરનાર કોંગ્રેસને નેતાઓ કેમ છોડે છે? અનેક દિગ્ગજ નેતા પાર્ટી છોડીને જતા રહ્યા છે. કોંગ્રેસમાં કઇ ખોટ તેના કારણે નેતાઓ પાર્ટી છોડે છે. હાઇકમાન નેતાઓ સાથે સંવાદ નથી કરતો ? કોંગ્રેસ શુ કામ નબળી થતી જાય છે ?
સોનલ પટેલઃ કોંગ્રેસના નેતાને ઇડી અને બીજી એજન્સીના ડરને કારણે પાર્ટી છોડીને જાય છે. કેટલાક નેતાઓએ એજન્સીના ડરને સ્વીકાર્યો છે. કોંગ્રેસની કોઇ ભૂલ નથી. ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે આખો દેશ જાણે છે કોને ફાયદો થયો છે. લોકોને ડરાવવામાં આવે છે. કેટલાક નેતા લડે છે કેટલાક નેતા નબળા હોવાથી પાર્ટી છોડીને જાય છે. બહુ ઓછા લોકો કમ્યુનિકેશન ગેપને કારણે પાર્ટી છોડીને ગયા છે. આ એક ખોટી અવધારણા છે. પાર્ટીએ સામાન્ય કાર્યકરને મોટા નેતા બનાવ્યા છે. લાલચ અને રાજકીય મહત્વકાક્ષાને કારણે નેતાઓ કોંગ્રેસ છોડે છે.
ઇટીવી ભારતઃ ભાજપના આક્ષેપ છે કે, કોંગ્રેસે ભ્રષ્ટાચાર કર્યો છે. કોંગ્રેસ નેતાઓએ કશુ ખોટુ નથી કર્યુ છે તો એજન્સીથી ગભરાવાનુ કેમ ?
સોનલ પટેલઃ ભાજપ લોન્ડ્રી મશીન થઈ ગયુ છે. તેમા જે આવે તે ધોવાઇને સાફ થઇ જાય છે. માહારાષ્ટ્રમાં અજીત પવાર પર ભ્રષ્ટાચારના અનેક આરોપ લાગ્યા છે. જેવા તે ભાજપ સાથે ગયા કે ક્લીનચીટ મળી ગઇ છે. આવા અનેક કેસમાં ભાજપમાં જનાર નેતાને કલીનચીટ મળી છે. ભ્રષ્ટાચારી ભાજપમાં જશે તો ક્લીન થઇ જશે.
ઇટીવી ભારતઃ ગાંધીનગરમાં સી.જે ચાવડા, અલ્પેશ ઠાકોર, શંકરસિંહ વાઘેલા શુ કામ કોંગ્રેસ છોડી ગયા. પાર્ટીમાં શુ કમી છે ?
સોનલ પટેલઃ જે નામ તમે આપો છોતે નેતાઓ અલગ-અલગ કારણે પાર્ટીમાંથી ગયા છે. અલ્પેશ ઠાકોરને ધારાસભ્યની ટિકિટ આપવામાં આવી હતી. રાહુલ ગાંધી સાથે તેમનુ સારૂ ટ્યુનીંગ હતું. તેમના કહેવાથી ઘણી ટિકિટ આપવામાં આવી હતી. મોટાભાગના ઉમેદવારો હારી ગયા હતા. અલ્પેશ ઠાકોરની ભલામણવાળા નેતા હારી જતા 2017 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સત્તાની નજીક પહોંચી હતી. પરંતુ, સત્તા મળી ન હતી. અલ્પેશની ભાજપ સાથે સાંઠગાંઠ હતી. શંકરસિંહ વાઘેલાએ મહત્વકાક્ષાને કારણે પાર્ટી છોડી છે.
ઇટીવી ભારતઃ જો જનતા તમને તક આપશે તો એવા કયા કામો છે જે ભાજપ નથી કરી શક્યુ અને તમે કરશો ?
સોનલ પટેલઃ દરેક લોકસભા વિસ્તારમાં બે પ્રકારના કામો હોય છે. રાષ્ટ્રીય મુદ્દા અને સ્થાનિક મુદ્દા. રાષ્ટ્રીય મુદ્દાઓ પર લોકોએ જોયુ છે કે. મનમોહનસિંહના સમયમાં કેટલા કામો થયા છે. મનમોહન સિંહના કાર્યકાળમાં આર્થિક નીતિઓ બદલવામાં આવી હતી. તેનો ફાયદો દેશને મળ્યો છે. લોકલ લેવલની સમસ્યાનુ પણ અમે યોગ્ય સમાધાન કરીશુ.
ઇટીવી ભારતઃ ગાંધીનગર લોકસભા ચૂંટણી ભાજપ પાંચ લાખથી વધુ મતે જીતી છે. તમને કેન્દ્રીય નેતૃત્વથી શુ અપેક્ષા, ચુંટણી પ્રયાર કેવી રીતે કરશો?
સોનલ પટેલઃ કેન્દ્રીય નેતૃત્વ પ્રચારમાં સહયોગ કરશે. કેન્દ્રીય નેતૃત્વ ચૂંટણી પ્રચારમાં આવશે. જ્યા મદદની જરૂર હશે ત્યાં તેઓ પ્રચારમાં પણ આવશે. અમને જરૂર પડે ત્યા કેન્દ્રીય નેતૃત્વ મદદ કરશે. ભાજપને 400 સીટ જીતવી છે. ભાજપને ગુજરાતમાં કોંગ્રેસને એકપણ સીટ જીતવા નથી દેવી તેવો પ્રચારક કરે છે. ભાજપ ચૂંટણી જૂમલા ફેલાવે છે. ભાજપ નેતાઓએ સ્વીકાર્યુ છે કે ચૂંટણીમાં અમે જૂમલાબાજી કરીએ છીએ.
ઇટીવી ભારતઃ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરાઇ છે. કોંગ્રેસ - આપ કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. કોંગ્રેસનો આરોપ ચૂંટણી પહેલા વિપક્ષને ટાર્ગેટ કરાય છે, ભાજપનો આરોપ લીકર પોલીસીમાં આપે મલાઇ ખાધી, કોણ સાચુ, કોણ ખોટુ ?
સોનલ પટેલઃ ચુંટણીના અંતિમ સમયે દિલ્હીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલની ધરપકડ શુ દર્શાવે છે. જો તેમની ધરપકડ કરવી હોય તો પહેલા કેમ ન કરી? સરકાર લોકોને દબાવે છે. કેજરીવાલ દિલ્હી ઉપરાંત અનેક રાજ્યમાં લોકપ્રિય છે. તેથી, તેમને દબાવામાં આવે છે. કોંગ્રેસના પી.ચીદમ્બરમને જેલમાં પુરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી અને સોનીયા ગાંધીને પણ ઇડીના માધ્યમથી પરેશાન કરવામાં આવ્યા હતાં. આ કોઇ નવી વાત નથી.
ઇટીવી ભારતઃ કોંગ્રેસના બેંક ખાતા સીલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ પાસે સંસાધનોની તંગી છે. ચુંટણી લડવા માટે પૈસા નથી. કોંગ્રેસ લોકસભા ચૂંટણી કેવી રીતે લડશે?
સોનલ પટેલઃ તમારી સાચી વાત છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં બેંક ખાતા સીલ થવાને કારણે ઉભી થયેલી સમસ્યા જણાવી હતી. આવી સ્થિતિમાં કોંગ્રેસ કાર્યકરોએ વધુને વધુ સક્રિય થવુ પડશે. ચૂંટણીમાં પૈસા અને સંસાધનનો મહત્વનો ફાળો છે. લોકો જાગૃત થશે અને બીન રાજકીય લોકો અમને મદદ કરશે તો અમારા માટે મુશ્કેલી ઓછી થશે.