પટનાઃ મુખ્યપ્રધાન નીતિશ કુમારની નવી કેબિનેટની આજે પ્રથમ બેઠક યોજાઈ રહી છે. મુખ્યપ્રધાન નીતીશ કુમારની અધ્યક્ષતામાં બંને નાયબ મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહા સહિત તમામ 8 મંત્રીઓ હાજર રહેશે. આજની બેઠકમાં બિહાર વિધાનસભાનું સત્ર બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે.
નીતિશની સાથે 8 મંત્રીઓએ લીધા શપથ: રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે રવિવારે સાંજે 5 વાગ્યે રાજભવન ખાતે નીતીશ કુમારને મુખ્યપ્રધાન તરીકેના શપથ લેવડાવ્યા હતા. નીતિશ નવમી વખત બિહારના મુખ્યપ્રધાન બન્યા છે. તેમની સાથે સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિન્હાને ભાજપના ક્વોટામાંથી ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે, જ્યારે પ્રેમ કુમારને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.
હમ અને અપક્ષ ધારાસભ્યો પણ મંત્રી બન્યા: જ્યારે વિજય કુમાર ચૌધરી, બિજેન્દ્ર પ્રસાદ યાદવ અને શ્રવણ કુમાર JDU ક્વોટામાંથી મંત્રી બન્યા છે. આ સિવાય જીતનરામ માંઝીના પુત્ર અને હમ પાર્ટીના અધ્યક્ષ સંતોષ કુમાર સુમન મંત્રી પરિષદમાં પરત ફર્યા છે, જ્યારે અપક્ષ ધારાસભ્ય સુમિત કુમાર સિંહ પણ મંત્રી બન્યા છે. જો કે હજુ સુધી મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરવામાં આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે આ મંત્રીઓને આજે ખાતાની ફાળવણી કરવામાં આવશે.
5 થી 29 ફેબ્રુઆરી સુધી વિધાનસભા સત્રઃ મુખ્યમંત્રી નીતિશ કુમારે શપથ લીધા બાદ રવિવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે અમે ટૂંક સમયમાં કેબિનેટનું વિસ્તરણ કરીશું. વિધાનસભાનું સત્ર 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન બિહારનું બજેટ પણ 6 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે.