પટણાઃ લેન્ડ ફોર જોબ કૌભાંડમાં આજે ઈડી ઓફિસમાં લાલુ પ્રસાદ પુછપરછ માટે હાજર થયા હતા. પૂર્વ રેલવે પ્રધાન લાલુ પ્રસાદ પટના સ્થિત ઈડીની ઓફિસમાં પુત્રી મીસા ભારતી સાથે આવ્યા હતા. ઈડી ઓફિસ અને લાલુ પ્રસાદના ઘરની બહાર મોટી સંખ્યામાં સમર્થકોની ભીડ જોવા મળી હતી.
છેલ્લા કેટલાક દિવસો અગાઉ લાલુ પ્રસાદ અને તેમના પુત્ર તેજસ્વી યાદવ વિરુદ્ધ ઈડીએ સમન્સ જાહેર કર્યા હતા. જો કે તે બંને ઈડી સમક્ષ હાજર થયા નહતા. આજે લાલુ પ્રસાદ યાદવ ઈડી સમક્ષ ઉપસ્થિત થયા હતા. જો કે આજે પણ તેજસ્વી યાદવ તો ઈડી સમક્ષ હાજર થવાના નથી તેવી માહિતી સામે આવી છે.
લાલુ યાદવની પુત્રી મીસા ભારતી જણાવે છે કે, આમાં કોઈ નવી વાત નથી, જ્યારે તેમને લાગે કે લાલુજીને સમન્સ મોકલવું છે ત્યારે તેઓ મોકલી દે છે. જેટલા લોકો વિપક્ષમાં છે, જે તેમની સાથે નથી તેમને આ ગ્રીટિંગ કાર્ડ મોકલવામાં આવે છે. જ્યારે કોઈ એજન્સી અમારા પરિવારને બોલાવે છે ત્યારે અમે ત્યાં જઈએ છીએ, તેમનો સહયોગ કરીએ છીએ. તેમના પ્રશ્નોના ઉત્તર પણ આપીએ છીએ.
આરજેડી નેતા રણવિજય સાહુએ કહ્યું કે, દેશભરમાં એવા તમામ નેતાઓને હેરાન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેઓ યોદ્ધા અને સામાજિક ન્યાયના મસીહા છે. દેશ ગુસ્સે છે, તેનો જવાબ ચૂંટણી દ્વારા મળશે.
લાલુ પ્રસાદ યાદવને EDના સમન પર બિહારના ડેપ્યૂટી સીએમ સમ્રાટ ચૌધરીએ કહ્યું કે, જ્યારે તેઓ મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે ચારા કૌભાંડ કર્યુ હતું. દેશની જનતા જાણે છે કે આ ભ્રષ્ટાચારીઓ છે. ભ્રષ્ટાચાર તેમના માટે પૈસા કમાવાનું સાધન છે. હું નાના ભાઈ તેજસ્વી યાદવને કહેવા માંગુ છું કે બિહારના યુવાનોને દોઢ વર્ષમાં કરોડપતિ કેવી રીતે બની શકાય તે સિસ્ટમ જણાવે.
હકીકતમાં, 2004 થી 2009 વચ્ચે, આરજેડી પ્રમુખ લાલુ યાદવ મનમોહન સિંહની સરકારમાં રેલવે પ્રધાન હતા. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં ઉમેદવારોને નોકરીના બદલામાં પોતાના પરિવારના નામે જમીન અને ફ્લેટ અપાવવાનો આરોપ લાલુ યાદવ પર છે. લાલુ ઉપરાંત રાબડી દેવી, તેજસ્વી યાદવ અને મીસા ભારતી સહિત અનેક લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે.
EDની ચાર્જશીટ મુજબ, 2004-2009 વચ્ચે લાલુ યાદવે રેલવેના અલગ-અલગ ઝોનમાં ગ્રુપ Dના પદો પર ખોટી રીતે નિમણૂંકો કરી હતી. નોકરીના બદલામાં લાલુ યાદવે જમીન તેના પરિવારના સભ્યો અને એ કે ઈન્ફોસિસ્ટમ પ્રાઈવેટ લિમિટેડને ટ્રાન્સફર કરી હતી.