દમણ: લોકસભા ચૂંટણી 2024 માટે કોંગ્રેસે દમણ-દિવ લોકસભા બેઠક માટે કેતન પટેલના નામની જાહેરાત કરી છે. કેતન પટેલ દમણ-દિવના પૂર્વ કોંગ્રેસી સાંસદ સ્વર્ગીય ડાહ્યાભાઈ પટેલના પુત્ર છે. જેઓ આ પહેલા 2014 અને 2019ની ચૂંટણી પણ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ સામે લડી ચુક્યા છે. જે બન્ને ચૂંટણીમાં તેમણે હારનો સામનો કર્યો છે.
આગામી કેવી રહેશે કેતન પટેેલની રણનીતિ: કેતન પટેલે આ લોકસભા ચૂંટણીમાં દમણ દિવના યુવાનોને રોજગારી આપવા સાથે તેમની વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દમણ દિવનો સર્વાંગી વિકાસ કોંગ્રેસના સમયમાં જ થયો હોવાનું જણાવી તેમને ભાજપ પર અને હાલના શાસન પર આકરા પ્રહાર કર્યા હતા કે, ભાજપના સીટીંગ સાંસદ અને હાલના ઉમેદવાર લાલુભાઈ જે વાયદા કર્યા છે તે ફળીભૂત થયા નથી. ગત વર્ષે દમણ દિવ બેઠક પર ત્રિપાંખીયો જંગ હતો. આ વખતે તેઓ અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલને સમજાવશે અને તેમની સાથે રહી ભાજપને હરાવવામાં મદદરૂપ થાય તેવો પ્રયાસ કરશે. દમણ દિવ પર કોંગ્રેસને વિજય અપાવી દમણ દિવનો સર્વાંગી વિકાસ કરશે. કેતન પટેલે આ વર્ષે લોકસભા ચૂંટણી 2024 માં કોંગ્રેસ ડોર ટૂ ડૉર પ્રચાર સહિત સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે અને 20થી 25 હજારની લીડથી વિજય મેળવશે.
સતત ત્રીજી વખત કેતન પટેલને ટિકિટ: લોકસભા ચૂંટણી 2024ની ચૂંટણી માટે ભાજપે દમણ દિવની બેઠક માટે સતત 4થી વખત સીટીંગ સાંસદ લાલુભાઈ પટેલને ટીકીટ આપી છે. તો, કોંગ્રેસે સતત 3જી વખત કેતન ડાહ્યાભાઈ પટેલને મેદાને ઉતાર્યા છે. કેતન પટેલ આ પહેલા વર્ષ 2014 અને 2019માં લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે. આ બન્ને ચૂંટણીમાં તેમને ભાજપના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડ્યો છે.
હાલમાં 49 વર્ષના કેતન પટેલ દમણ દિવના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદે રહી ચૂક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી હાર્યા બાદ તે સતત નિષ્ક્રિય રહ્યા છે. હવે ફરી 2024ની ચૂંટણી આવતા જ તેઓ સક્રિય થયા છે. દમણ દિવમાં છેલ્લા પાંચ વર્ષથી કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. જેથી વર્ષ 2024ની ચૂંટણી લડવા તેમણે ઇનકાર કર્યો હોવાની વાત કહી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા પ્રિયંકા ગાંધી દમણ દીવથી ચૂંટણી લડશે તેવી વાતો ચાલી રહી હતી. જો કે આ ચર્ચાનો અંત આવતાં આખરે કોંગ્રેસ મોવડી મંડળે કેતન પટેલ પર જ કળશ ઢોળ્યો છે.
અગાઉની ચૂંટણની વિગતો: ગત 2 ટર્મની ચૂંટણીમાં તેમણે મેળવેલ મતોની વિગતો જોઈએ તો, વર્ષ 2014ની લોકસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલને 37738 મત મળ્યા હતાં. જ્યારે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલને 46960 મત મળ્યા હતાં. 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના કેતન પટેલની ભાજપના લાલુભાઈ પટેલ સામે 9222 મતથી હાર થઈ હતી.
વર્ષ 2019માં ફરી કોંગ્રેસે દમણ દિવ લોકસભા બેઠક માટે કેતન પટેલને ટિકિટ આપી હતી. 2019ની લોકસભા ચૂંટણીમાં કેતન પટેલને 27965 મત મળ્યા હતાં. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ હતો. ત્રીજા ઉમેદવાર અપક્ષ ઉમેદવાર હતાં. ઉમેશ પટેલ નામના આ અપક્ષ ઉમેદવારને 19939 મત મળ્યા હતા. આ ચૂંટણી જંગમાં ભાજપના લાલુભાઈ પટેલ 9942 મતની લીડથી વિજય થયા હતાં.