વ્યારા: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા તાપી જિલ્લાના વ્યારા ખાતે પહોંચી હતી, તેમણે વ્યારામાં એક કોર્નર પબ્લિક મિટિંગ કરી હતી. જેમાં તેમણે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી પર નિશાન સાધ્યું હતું, તેમણે જનજાતિ ગણના અને આર્થિક સર્વેની પણ માંગ કરી હતી આમ વિવિધ મુદ્દે પીએમ મોદી અને અમિત શાહને નિશાને લીધા હતા, ત્યાર બાદ તેમણે યાત્રા ટૂંકાવી સુરત એરપોર્ટ ખાતે રવાના થયા હતા.
કોંગ્રેસ નેતાઓની પ્રેસ કોન્ફરન્સ: કોંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશ સહિત જીગ્નેશ મેવાણી, મનીષ દોષીએ ત્યાર બાદ એક પત્રકાર પરિષદ યોજી યાત્રાનો ઉદેશ્ય જણાવ્યો હતો. આદિવાસી વિસ્તારમાં ફરી રહેલી ન્યાય યાત્રા આદિવાસીઓ માટે કઈ રીતે ફળદાયી રહશે તે વિશે કોંગ્રેસના નેતાઓએ પ્રકાશ પાડ્યો બતો. આ દરમિયાન ભરૂચ લોકસભા મતવિસ્તારમાં આપને ફળવાયેલ બેઠક મુદ્દે અહમદ પટેલ પરિવારમાં પ્રસરી રહેલ નારાજગી મુદ્દે પૂછતાં તેમણે જણાવ્યું કે આ બાબતે મને પણ દુઃખ છે.
જીજ્ઞેશ મેવાણીના સરકાર પર પ્રહાર: જીગ્નેશ મેવાણીએ આદીવાસી અને દલિતો પર થતાં અત્યાચારોને લઈને સરકારને આડેહાથ લીધી હતી. મેવાણીએ જણાવ્યું હતું કે, વાલ્મીકિ સમાજના લોકો સફાય સાથે સંકળાયેલા છે અને તેમને ગટરમાં ઉતારવામાં આવે છે, તેમાં કેટલાક લોકોના મોત પણ નીપજ્યા છે. સાથે સાથે મનરેગા યોજના કોંગ્રેસ લાવી હતી તેની ખરાબમાં ખરાબ પરિસ્થિતિ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં જોવા મળે છે. પૈસા એક્ટનો કાયદો માત્ર કાગળ પર રહી ગયો હોય તેવું લાગી રહ્યું છે, આમ જીગ્નેશ મેવાણીએ ભાજપ સરકારને વિવિધ મુદ્દે ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.