વલસાડઃ વલસાડ-ડાંગ 126 લોકસભા બેઠક ઉપર જ્ઞાતિ આધારિત સમીકરણને લઈને સૌથી વધુ મતદારો ધોડીયા પટેલ જ્ઞાતિમાંથી આવતા હોય કોંગ્રેસ દ્વારા જ્ઞાતિ આધારિત અને આદિવાસી સમાજના પ્રશ્નોને રજૂ કરનારા તેમજ પૈખેડ ડેમ જેવા અનેક સળગતા પ્રશ્નો સામે જંગી રેલી કાઢનારા આદિવાસી નેતા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને લોકસભાની બેઠક માટે ઉમેદવાર તરીકેનું નામ જાહેર કર્યું છે. નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલની કોંગ્રેસ દ્વારા વલસાડ લોકસભા માટે ટિકિટની જાહેરાત કરતા અનંત પટેલ સહિત તેમના આદિવાસી સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે. શિક્ષકની નોકરી છોડી રાજકારણમાં ઝંપલાવનાર અનંત પટેલ છેલ્લા બે ટર્મથી વાંસદા વિધાનસભામાં જીત મેળવતા આવ્યા છે અને હવે ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસ દ્વારા વલસાડ લોકસભા માટે તેમની પસંદગી કરતા આદિવાસી મુદ્દાને કેન્દ્રમાં રાખી ચૂંટણીનું બ્યુગલ વગાડ્યું છે.
કોણ છે અનંત પટેલઃ ડોડીયા પટેલ જ્ઞાતિમાંથી આવતા અનંત પટેલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ.એ બી.એડની પદવી પ્રાપ્ત કરી ચૂકેલા છે, જેથી શિક્ષણ વિભાગની સાથે તેઓ ખૂબ સારી રીતે જોડાયેલા છે. પોતે શિક્ષિત હોવાથી તેમના વિસ્તારના આદિવાસી સમાજના પ્રશ્નો રજૂ કરવા માટે તેમજ એક ધારાસભ્ય તરીકે તેઓ વલસાડ અને ડાંગમાં સારી એવી પકડ ધરાવે છે
રાજકીય કારકિર્દીઃ વર્ષ 2004 માં તેઓ કોંગ્રેસ પાર્ટી સાથે જનમિત્ર તરીકે જોડાયા હતા. ત્યાર બાદ વર્ષ 2007 થી 2012 સુધી તેઓ ઉનાઈ ગામના સરપંચ તરીકે રહ્યા હતા, સાથે સાથે આ સમય દરમિયાન તેઓ સરપંચ મંડળના મહામંત્રીનું પદ પણ ભોગવ્યું હતું. વર્ષ 2009માં તેઓ વાંસદા વિધાનસભા ક્ષેત્રમાં યુથ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા વર્ષ 2012માં તેઓ વલસાડ લોકસભાના યુથ કોંગ્રેસના મહામંત્રી તરીકે પણ નિમવામાં આવ્યા હતા. વર્ષ 2013 થી 2016 દરમિયાન વાંસદા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે. વર્ષ 2016માં વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ પણ તેઓ રહી ચૂક્યા છે.
વર્ષ 2017માં તેઓ ધારાસભ્ય બન્યાઃ વર્ષ 2017માં તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણીમાં તેઓ વાંસદા બેઠક ઉપરથી વિજય થયા હતા અને તે સમયે તેમને 18,293 મતોની લીડ મળી હતી. જે બાદ ફરીથી વર્ષ 2022 માં તેઓ ધારાસભ્ય બન્યા હતા તે સમયે તેમને કુલ 35 0 33 ના મતોની લીડ મળી હતી. આમ તેઓ બે ટર્મ ધારાસભ્યનું પદ ભોગવી ચુક્યા છે, જ્યારે હાલ ફરીથી તેમને લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આદિવાસી સમાજના પ્રશ્નો ઉઠાવ્યાઃ વાંસદાના ધારાસભ્ય અનંતભાઈ પટેલે અત્યાર સુધીમાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસીઓની જમીન એ પછી રીવર લિંક પ્રોજેક્ટ હોય કે, પછી પૈખેડ ડેમ પ્રોજેક્ટ એ તમામ માટે તેમણે અવાજ ઉઠાવ્યો હતો અને સરકાર સામે બાંયો ચડાવી વિવિધ રેલીઓ યોજી હતી, જે બાદ તેઓ ગુજરાતમાં લાઈમલાઈટમાં આવ્યા હતા.
આદિવાસી સમાજમાં પ્રભુત્વ આનંદ પટેલ આદિવાસી સમાજમાંથી આવતા હોવાને લઈને આદિવાસી સમાજની લોકલ બોલીઓ તેઓ બહુ આસાનીથી બોલી શકે છે, જેથી તેઓ મતદારોને રીઝવવા માટે પોતાની લોક બોલીમાં પોતાના ભાષણો કરતા હોય જેથી કરીને મતદારો તેમને પોતાના સમાજના જ માનતા હોય છે, એટલે કે એક આત્મીય લાગણી તેઓને થતી હોય છે જેથી આ ચૂંટણીમાં તેઓ તેનો ભરપૂર લાભ ઉઠાવશે સાથે સાથે તેઓ હિન્દી અંગ્રેજી પણ બહુ સારી રીતે બોલી શકે છે. હાલ તો આદિવાસી સમાજમાં એટલે કે દક્ષિણ ગુજરાતમાં એમાં પણ વલસાડ ડાંગ બેઠક ઉપર સૌથી વધુ વોટ ધોડિયા પટેલ જ્ઞાતિના છે, જેને લઈને કોંગ્રેસે જ્ઞાતિ આધારિત સમીકરણ જોતા અનંત પટેલ નામના મજબુત ચહેરાને લોકસભાની ચૂંટણી આગળ કર્યો છે.