જુનાગઢઃ કોંગ્રેસે આજે લોકસભા ચૂંટણી 2024ને લઈને વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતમાં લોકસભાની વધુ ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જે પૈકી વડોદરા, સુરેન્દ્રનગર અને જૂનાગઢ લોકસભા બેઠક પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્યારે જુનાગઢ બેઠક પરથી વર્તમાન કોંગ્રેસના ઉપપ્રમુખ અને પીઢ કોંગ્રેસી અને આહીર અગ્રણી હીરાભાઈ જોટવાની પસંદગી કરી છે. છેલ્લાં ઘણા દિવસોથી હીરાભાઈ જોટવાનું નામ એકમાત્ર ઉમેદવાર તરીકે જુનાગઢ લોકસભા બેઠક પરથી કોંગ્રેસમાં ચર્ચાતુ હતું જેને આજે કોંગ્રેસ હાઈ કમાન્ડે સત્તાવાર જાહેર કર્યુ છે અને જુનાગઢ બેઠક પરથી તેમને ઉમેદવાર બનાવ્યા છે
કોણ છે હીરાભાઈ જોટવાઃ શાંતિપુરામાં જન્મેલા હીરાભાઈ જોટવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી સ્નાતકની પદવી ધરાવે છે, તેઓ ખેતી અને ઉદ્યોગ સાથે પણ સંકળાયેલા છે. હીરાભાઈ જોટવા સુપાસી ખાતે શૈક્ષણિક સંકુલમાં ચેરમેન તરીકે પણ કામ કરી રહ્યા છે. આ સિવાય ખોરાસાની શૈક્ષણિક સંસ્થા પણ તેમની દેખરેખ નીચે ચાલી રહી છે. શિક્ષણની સાથે ખેતી અને ઉદ્યોગ વેપાર સાથે જોડાયેલા હીરાભાઈ જોટવા વર્ષ 2023 સુધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ડેલિકેટ તરીકે પણ કામ કરવાનો અનુભવ ધરાવે છે. વર્ષ 2023માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કેશોદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમનો 4208 મતે પરાજય થયો હતો. આ ઉપરાંત તેઓ એક વર્ષ સુધી રાજકોટ લોકસભા બેઠકના ઇન્ચાર્જ હોવાની સાથે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇન્ચાર્જ તરીકેની પણ સેવાઓ આપી છે. વર્ષ 2019 થી લઈને 2022 સુધી હીરાભાઈ જોટવા એ પ્રદેશ કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી તરીકે પણ કામ કર્યું છે. જ્યારે 2018 થી 2019 એક વર્ષ સુધી તેવો ગીર સોમનાથ જિલ્લાના કાર્યકારી કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ સફળતાપૂર્વક કામગીરી નીભાવી ચુક્યા છે
15 વર્ષ બાદ ફરી એકવાર આહિર ઉમેદવારઃ 15 વર્ષ બાદ ફરી એક વખત કોંગ્રેસે જૂનાગઢ લોકસભા બેઠક પર આહિર ઉમેદવારની પસંદગી કરી છે, વર્ષ 2009માં કોંગ્રેસે જશુભાઈ બારડની જુનાગઢ લોકસભા બેઠક પરથી પસંદગી કરી હતી જેમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા જશુભાઈ બારડનો ભાજપના ભાવનાબેન ચીખલીયા સામે વિજય થયો હતો, ત્યારે ફરી એક વખત 15 વર્ષના સમયગાળા બાદ કોંગ્રેસે જુનાગઢ બેઠક પરથી આહીર અગ્રણી હીરાભાઈ જોટવાને જુનાગઢ લોકસભા બેઠક પરથી ઉમેદવાર જાહેર કર્યા છે. જેને લઈને હવે જુનાગઢ લોકસભા બેઠકનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. ભાજપના રાજેશ ચુડાસમાની સામે કોંગ્રેસના હીરાભાઈ જોટવાની રાજકીય ટક્કર જુનાગઢ લોકસભા બેઠકને વધુ રોમાંચિત બનાવશે.