જુનાગઢઃ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 111 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે જેમાં જુનાગઢ બેઠક પરથી ભાજપે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા ને ઉમેદવાર બનાવ્યા છે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપે તેની પાંચમી ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં જુનાગઢ બેઠકનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે વર્ષ 2014 અને 2019 માં જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા ચૂંટણી જીતીને સાંસદ બનવામાં સફળ રહ્યા હતા પરંતુ ત્રીજી વખત રાજેશ ચુડાસમા ને ટિકિટ મળશે કે કેમ તેને લઈને ઘેરું રહસ્ય સર્જાયું હતું કોળી બહુુલિક મતદારો ધરાવતી જુનાગઢ લોકસભા બેઠકમાં વર્તમાન સમયમાં ઉમેદવારોને બદલવાને લઈને ખાસ જૂનાગઢ બેઠક પર ભાજપે કોઈ રિસ્ક લેવાનું ટાળ્યુ જેને કારણે રાજેશ ચુડાસમા ને ત્રીજી વખત ઉમેદવાર જાહેર કરાયા છે
રાજેશ ચુડાસમા પર ત્રીજી વખત ભરોસોઃ વેરાવળના ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા કેસમાં રાજેશ ચુડાસમા અને તેના પિતા સામે ફરિયાદ દાખલ થઈ છે, ત્યારથી એવું માનવામાં આવતું હતું કે રાજેશ ચુડાસમાને રિપીટ કરવામાં નહીં આવે, પરંતુ અંત સુધીના સસ્પેન્સ બાદ આજે ભાજપે ફરી એક વખત જૂનાગઢ બેઠક પર રાજેશ ચુડાસમાનો કોઈ વિકલ્પ નહીં મળતા તેમને ઉમેદવાર જાહેર કર્યા છે. રાજેશ ચુડાસમા સહિત બીજા અનેક ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં સામેલ થવા માંગતા હતા. આ વખતે જૂનાગઢ બેઠક પરથી ભાજપના ઉમેદવાર બદલાશે તેવું રાજકીય પંડિતો પણ માની રહ્યા હતા,પરંતુ જે રીતે સાબરકાંઠા અને વડોદરા બેઠક પર ઉમેદવાર જાહેર થયા બાદ જે રીતે પાર્ટીમાં વિરોધનો સુર સામે આવ્યો છે. તે રીતે જુનાગઢ બેઠકમાં કોઈ વિરોધનો સુર સામે ન આવે તેને ધ્યાને લઈને પણ મોવડી મંડળ દ્વારા વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા ને પસંદ કરાયા હોય તેવી પૂરી શક્યતાઓ છે
2012 માં બન્યા ધારાસભ્યઃ વર્ષ 2012માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં માંગરોળ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ધારાસભાની ચૂંટણી જીતવામાં રાજેશ ચુડાસમા સફળ થયા હતા. ત્યારબાદ વર્ષ 2014 માં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપે જેતે સમયના માંગરોળના ધારાસભ્ય રાજેશ ચુડાસમાને જુનાગઢ લોકસભા બેઠક પર ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2019 માં પણ ઉમેદવાર જાહેર કરવાની લઈને છેક સુધી સસ્પેન્સ જોવા મળ્યું હતું તેમાં પણ રાજેશ ચુડાસમા ને ઉમેદવાર જાહેર કરાયા હતા. બિલકુલ તેવી જ રીતે વર્ષ 2024 માં પણ ભારે સસ્પેન્સની વચ્ચે ભાજપે ફરી એક વખત રાજેશ ચુડાસમા પર પસંદગી ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે 2014માં રાજેશ ચુડાસમા સાંસદ બનતા તેમણે માંગરોળ વિધાનસભા ખાલી કર્યા બાદ આ બેઠક પરથી ભાજપના ઉમેદવારનો પરાજય થયો હતો.