વાઘોડિયા: વાઘોડિયા વિધાનસભાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ઉમેદવાર તરીકે નામ જાહેરાત કરતા તેમના સમર્થકો શુભેચ્છા આપવા માટે તેઓના કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. કાર્યાલયમાં મોટી સંખ્યામાં જનમેદની વચ્ચે "ભારત માતાકી જયના "નારા લગાવ્યા હતા. સૌ કાર્યકરોએ જંગી મતથી જીત મળશે તેવી આશા વ્યક્ત કરાવી હતી.
ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં નારાજગી: જાણવા મળતી માહિતી મુજબ વાઘોડિયા બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી ભાજપામાં જોડાયા ત્યારથી જ વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપના મોટા ભાગના પાચાના હોદ્દેદારો અને કાર્યકરોમાં નારાજગી વ્યાપી ગઈ છે. આજે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર તરીકે જાહેર કરતા વર્ષો જૂના ભાજપાના હોદ્દેદારો અને કાર્યકરો નારાજ થઇ ગયા હતા. જોકે, નારાજ હોદ્દેદારો અને કાર્યકરો જાહેરમાં વિરોધ કરી શકે તેવી તાકાત નથી. પરંતુ હવે જોવાનું એ રહ્યું કે, ભારતીય જનતા પાર્ટી માંથી નામ જાહેર થયા બાદ જંગી બહુમતીથી જીત મળે છે કે નહીં ?
આયાતી ઉમેદવારની પસંદગી: રાજીનામું આપ્યું હતું વાઘોડિયા વિધાનસભાની ગત ચૂંટણીમાં ભાજપા અને કોંગ્રેસ સામે અપક્ષ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાઈ આવ્યા હતા. અપક્ષ ચૂંટાયા બાદ તેઓએ થોડાક સમય પહેલાં ગઠબંધન બાદ અપક્ષ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું અને ભાજપામાં જોડાયા હતા. અપક્ષ ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યા બાદ વાઘોડિયા વિધાનસભાની ખાલી પડેલી બેઠક ઉપર આગામી 7 મેના રોજ લોકસભાની સાથે પેટા ચૂંટણી થવા જઈ રહી છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વાઘોડિયાની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આયાતી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. જેને લઇને સક્રિય કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી છે.
પ્રચંડ જીતનો દાવો: વિજય હાંસલ થશે એવી આશા: વાઘોડિયા વિધાનસભા બેઠક માટે પસંદગી કરાતા ધર્મન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું ભાજપા મોવડી મંડળનો આભાર માનું છું. અપક્ષ ધારાસભ્ય તરીકેના કાર્યકાળ દરમિયાન નાના-મોટા અનેક વિકાસલક્ષી કામ કર્યા છે. વાઘોડિયા તાલુકાનો વિકાસ ઝડપી થાય તે માટે જ ભાજપામાં જોડાયો છું. ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મને ટિકિટ આપીને વિશ્વાસ મૂક્યો છે. ત્યારે હવે ડબલ તાકાતથી ચૂંટણીમાં ઉતરીશ અને જંગી બહુમતી સાથે વિજય હાંસલ કરીશ. મારા સામે કોઇ પણ ઉમેદવાર આવે મને ચિંતા નથી. કારણ કે હવે મારી પાસે ડબલ એન્જિનની તાકાત છે.