જુનાગઢ: જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા અને કોંગ્રેસે હીરાભાઈ જોટવાને ઉમેદવાર બનાવ્યા છે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી જ્ઞાતિ જાતિના સમીકરણો પર ફરી એક વખત આગળ વધતી જોવા મળી રહી છે. ભાજપે ઘેડિયા કોળી સમાજ માંથી આવતા અને લોકસભામાં સૌથી વધારે મતો ધરાવતી જ્ઞાતિના રાજેશ ચુડાસમાને ઉમેદવાર બનાવ્યા છે, તો કોંગ્રેસે આહિર જ્ઞાતિ માંથી આવેલા હીરાભાઈ જોટવાને તેમના ઉમેદવાર બનાવ્યા છે. વિકાસની વાતોની વચ્ચે ભાજપ અને કોંગ્રેસે તેમના બંને ઉમેદવારોની જાહેરાત જ્ઞાતિ જાતિનું સમીકરણ સાધીને કઈ રીતે જુનાગઢ લોકસભા બેઠક જીતી શકાય તેને ધ્યાને રાખીને ઉમેદવારોની પસંદગી કરી છે.
જુનાગઢ બેઠક પર જ્ઞાતિ જાતિ સમીકરણ: જુનાગઢ લોકસભા બેઠક પર 18,30,275 મતદારો નોંધાયેલા છે, જેમાં 2,96,501 મતદારો સાથે કોળી જ્ઞાતિના મતદારો સૌથી વધારે નોંધાયા છે 02,4638ની આસપાસ લેઉવા પાટીદાર 01,96900ની આસપાસ મુસ્લિમ 1,67,055 ની આસપાસ દલિત 1,42,982ની આજુબાજુ આહિર અને 10,4582 જેટલા મતદારો કારડીયા રાજપુત સમાજ માંથી આવે છે. આ જ્ઞાતિના મતદારો જુનાગઢ લોકસભા બેઠક પર કોઈ પણ ઉમેદવારને ચૂંટણી જીતાડી કે હરાવી શકે છે, જેને ધ્યાને રાખીને જ ભાજપ અને કોંગ્રેસે તેમના ઉમેદવારોની પસંદગી કરી છે.
જુનાગઢ લોકસભાના સાંસદો: વર્ષ 1962 થી લઈને 2019 સુધી જુનાગઢ લોકસભા માટે 18 ચૂંટણીઓ થઈ છે જેમાં જુનાગઢ બેઠક પરથી કડવા અને લેઉવા પાટીદાર વણિક લોહાણા આહિર અને કારડીયા રાજપુત સમાજના ઉમેદવારો ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે પાછલી બે ચૂંટણી થી કોળી ઉમેદવાર જૂનાગઢ લોકસભા બેઠક જીતતા આવ્યા છે પ્રથમ ચૂંટણીમાં ચિત્રરંજન રાજા વિજેતા બન્યા હતા ત્યારબાદ વી જે શાહ નાનજીભાઈ વેકરીયા નરેન્દ્ર નથવાણી મો.લા પટેલ ગોવિંદ શેખડા ભાવનાબેન ચીખલીયા જશુભાઈ બારડ અને દિનુ સોલંકી જુનાગઢના સાંસદ બની ચૂક્યા છે જે પૈકી આજે દિનુ સોલંકી અને રાજેશ ચુડાસમા જ હયાત સાંસદ છે.
ભાજપની ચૂંટણી રણનીતિ: છેલ્લી બે ચૂંટણી થી ભાજપ જૂનાગઢ લોકસભા બેઠક પર બહુમતી ધરાવતા કોળી જ્ઞાતિના રાજેશ ચુડાસમા ને ઉમેદવાર બનાવ્યા છે, ભાજપની ચૂંટણી રણનીતિ કોળી પટેલ દલિત અને અન્ય જ્ઞાતિના મતદારોનું સમીકરણ સાધીને ચૂંટણીમાં વિજય મેળવવા માટેનું ગણિત માંડ્યું છે જેને કારણે ભાજપે ત્રીજી વખત વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા પર પસંદગીની કળશ ઢોળ્યો છે, આ સિવાય ભાજપ બ્રાહ્મણ પ્રજાપતિ લોહાણા અને ખારવા સમાજને તેની તરફી કરીને જુનાગઢ લોકસભા બેઠક જીતવા માટે રણનીતિ બનાવી છે.
કોંગ્રેસનું ઓબીસી કાર્ડ: પાછલી બે ચૂંટણીથી કોંગ્રેસ કોળી જ્ઞાતિના પુંજાભાઈ વંશને ઉમેદવાર બનાવતી હતી આ વખતે કોંગ્રેસે ઉમેદવાર બદલીને ઓબીસી કાર્ડને મજબૂત રીતે આગળ વધાવ્યું છે, કોળી સિવાય અન્ય ઓબીસી જ્ઞાતિ કે જેમાંથી ઉમેદવાર હીરાભાઈ જોટવા ખુદ આવે છે તેવા આહિર કારડીયા રાજપુત મુસ્લિમ દલિત અને જુનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર સૌથી વધારે પાટીદાર મતો અંકે કરીને કોંગ્રેસે ચૂંટણી જીતવાની રણનીતિ બનાવી છે. કોંગ્રેસની આ રણનીતિ વર્ષ 2004 માં સફળ પણ રહી હતી જેમાં કોંગ્રેસના આહિર આગેવાન જશુભાઈ બારડે ભાજપના પાટીદાર ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભાવનાબેન ચીખલીયાને જુનાગઢ લોકસભા બેઠક પર પરાજય આપીને ચૂંટણી જીતવામાં સફળતા મેળવી હતી.
કડવા અને લેઉવા પાટીદારો પણ મહત્વના: જુનાગઢ લોકસભા બેઠક પર 20,4,638 જેટલા લેઉવા પાટીદાર અને 97,000 હજારની આસપાસ કડવા પાટીદાર મતદારો પણ નોંધાયા છે, આ બંને પાટીદારોના મતોનો સરવાળો 3,01,638 જેટલો અંદાજિત થાય છે. આ પરીસ્થિતિમા પાટીદારોના મતો જૂનાગઢ લોકસભા બેઠક પર કોળી જ્ઞાતિ કરતા પણ વધુ થાય છે. આવી પરિસ્થિતિમાં ભાજપ કે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવારે ચૂંટણી જીતવા માટે પાટીદાર મતોને સાધવા અનિવાર્ય બને છે જે તરફ પાટીદાર મતદારોનો જુકાવ જોવા મળશે તે ઉમેદવાર ચૂંટણી જીતવામાં સફળ બનશે જેને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પાટીદાર મતદાનનો વિશ્વાસ જીતવા માટે હાલ ખૂબ જ ગંભીરતાથી ચૂંટણી પ્રચાર પણ કરી રહી છે.