મૈસૂર: કર્ણાટકમાં મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) કેસમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને અન્ય ત્રણ વિરુદ્ધ મૈસૂર લોકાયુક્તમાં FIR દાખલ કરવામાં આવી છે. સુનાવણી દરમિયાન સ્પેશિયલ કોર્ટે મૈસૂર લોકાયુક્ત એસપીને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જમીન કૌભાંડ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
આ દરમિયાન કેસ નંબર 11/2024 હેઠળ મુખ્યમંત્રી અને અન્ય ત્રણ લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને લોકાયુક્ત અધિકારીઓએ એફઆઈઆરમાં સત્તાવાર એન્ટ્રી કરી છે.
CM સિદ્ધારમૈયાને A1, CMની પત્ની B.N. પાર્વતીને A2, સીએમ સિદ્ધારમૈયાના સાળા મલ્લિકાર્જુન સ્વામીને A3 અને જમીન વેચનાર દેવરાજુને A4 આરોપી બનાવવામાં આવ્યા છે. લોકાયુક્ત એસપી દ્વારા એફઆઈઆર નોંધવામાં આવી હતી.
તમને જણાવી દઈએ કે, કર્ણાટકની સ્પેશિયલ કોર્ટે બુધવારે મૈસૂર લોકાયુક્ત એસપીને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) જમીન કૌભાંડ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે મૈસુરની સ્નેહમાઈ કૃષ્ણાની અરજી પર સુનાવણી કરી હતી. જેમાં તેમણે કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા સામે આ મામલે તપાસના આદેશ આપવાની માંગ કરી હતી.
જાહેર પ્રતિનિધિઓની સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશ(જજ) સંતોષ ગજાનન ભટ્ટે અરજીની સુનાવણી કરી અને આ આદેશ આપ્યો. આ કેસના સંબંધમાં હાઈકોર્ટે આપેલા નિર્ણયની સમીક્ષા કર્યા બાદ આ આદેશ જારી કરવામાં આવ્યો છે.
શું છે MUDA કૌભાંડ?
આ વિવાદ વળતરની જમીનની ફાળવણીમાં કથિત અનિયમિતતાની આસપાસ ફરે છે. આ કૌભાંડ 3.2 એકર જમીન સાથે સંબંધિત છે, જે 2010માં સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને તેમના ભાઈ મલ્લિકાર્જુનસ્વામીએ ભેટમાં આપી હતી. MUDAએ જમીન સંપાદિત કર્યા પછી, પાર્વતીએ વળતરની માંગણી કરી અને આ પછી તેને 14 પ્લોટ ફાળવવામાં આવ્યા. એવું કહેવાય છે કે આ પ્લોટની કિંમત જમીનના મૂળ ટુકડા કરતાં ઘણી વધારે છે. વિરોધ પક્ષોનો દાવો છે કે આ કૌભાંડની કુલ કિંમત 3 હજાર કરોડથી 4 હજાર કરોડ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે.
આ પણ વાંચો: