નવી દિલ્હી : બ્રિટને ભારતમાં તેના નવા હાઈ કમિશનર તરીકે લિંડી કેમરુનની નિમણૂક કરી છે. કેમેરુન આઉટગોઇંગ એલેક્સ એલિસનું સ્થાન લેશે. ભારતમાં બ્રિટિશ દૂતાવાસે ગુરુવાને જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એલેક્સ એલિસના સ્થાને લિંડી કેમરુનને રિપબ્લિક ઓફ ઈન્ડિયામાં બ્રિટનના હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. એલિસને બીજી કેટલીક રાજદ્વારી જવાબદારી સોંપવામાં આવશે.
નવી દિલ્હીમાં બ્રિટિશ હાઈ કમિશન દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર કેમરુન આ મહિને ચાર્જ સંભાળશે. કેમેરુન 2020 થી યુકે નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટરના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે બ્રિટનના ઉત્તરી આયર્લેન્ડ ઓફિસના ડિરેક્ટર જનરલ તરીકે પણ સેવા આપી હતી. તેમની નિમણૂક એવા સમયે થઈ છે જ્યારે બ્રિટન અને ભારત લાંબા સમયથી પેન્ડિંગ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટેની વાતચીતમાં વ્યસ્ત છે.
-
Immensely proud to be appointed the next British High Commisssioner to India. Huge thanks to @AlexWEllis for leaving such a great legacy. So looking forward to working with the amazing @UKinIndia team. I can’t wait to get started! https://t.co/JSo07xXwxI
— Lindy Cameron (@Lindy_Cameron) April 11, 2024
કોણ છે લિંડી કેમેરૂન ?
લિંડી કેમેરૂન CB OBE બ્રિટિશ સિવિલ સર્વન્ટ છે. તેઓ 2020 થી 2024 સુધી નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટરમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર હતા. તે અગાઉ આફ્રિકા, એશિયા અને મધ્ય પૂર્વમાં ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના કાર્યક્રમો માટે વિભાગના ડિરેક્ટર જનરલ હતા. તેમને આંતરરાષ્ટ્રીય વિકાસમાં તેમની સેવાઓ માટે 2020 બર્થડે સન્માનમાં ઓર્ડર ઓફ ધ બાથથી નવાજવામાં આવ્યા હતા.
કેમેરુને વર્ષ 2019-2020 સુધી ઉત્તરી આયર્લૅન્ડ ઓફિસના ડિરેક્ટર જનરલ તરીકે સેવા આપી હતી. આ સિવાય 2014-2015 સુધી તેમણે ડાયરેક્ટર મિડલ ઈસ્ટ, હ્યુમેનિટેરિયન, કોન્ફ્લિક્ટ અને સિક્યુરિટીનું કામ સંભાળ્યું હતું. તેઓ 2012-2014 સુધી સંયુક્ત MoD-FCO-DFID માં ડિરેક્ટર હતા. વર્ષ 2011-2012 માં તેમણે મધ્ય પૂર્વ અને ઉત્તર આફ્રિકા, રોયલ કોલેજ ઓફ ડિફેન્સ સ્ટડીઝ, સંરક્ષણ મંત્રાલયના ડેપ્યુટી ડિરેક્ટર તરીકે પણ સેવા આપી હતી.
કેમેરૂને 2009-2010 માં હેલમંડમાં પ્રાંતીય પુનઃનિર્માણ ટીમના વડા અને દક્ષિણ અફઘાનિસ્તાનમાં FCO ના વરિષ્ઠ પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી. તેઓ 2008-2009 સુધી કેબિનેટ ઓફિસના ડેપ્યુટી ડાયરેક્ટર પણ હતા. તેમણે કાબુલ અને બગદાદમાં પોસ્ટિંગ સહિત વિવિધ નેતૃત્વ ભૂમિકાઓમાં સેવા આપી હતી. વર્ષ 1998-2007 સુધી તેમણે હનોઈ અને લાગોસમાં પોસ્ટિંગ અને બાલ્કન્સમાં ફિલ્ડ વર્ક સહિત સરકારી સલાહકાર ભૂમિકા સંભાળી હતી.