જયપુર : આ વખતે દેશના 75માં ગણતંત્ર દિવસના અવસર પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ હશે. દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાગ લેતાં પહેલાં મેક્રોં જયપુરની મુલાકાતે જશે. અહીં રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી દીયાકુમારીના નિવાસસ્થાન સિટી પેલેસમાં શાહી શૈલીમાં ડિનરનું આયોજન કરવામાં આવી શકે છે.
મેક્રોન ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં પણ જયપુરના ગૌરવશાળી ઈતિહાસને જાણવાના ઉદ્દેશ્ય સાથે આમેર ફોર્ટ, હવા મહેલ અને જંતર મંતરની મુલાકાત લેશે. એવી પણ શક્યતા છે કે એરપોર્ટ પર સ્વાગત બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ પીએમ નરેન્દ્ર મોદી સાથે રોડ શો પણ કરી શકે છે.
જયપુરમાં તૈયારીઓ પૂરજોશમાં : આ વીવીઆઈપી ગતિવિધિને લઈને જયપુરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જયપુર જિલ્લા કલેક્ટર પ્રકાશ રાજપુરોહિત અને હેરિટેજ કોર્પોરેશનના કમિશનર અભિષેક સુરાના સહિત ઘણા અધિકારીઓએ શુક્રવારે પરકોટા વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં સ્વચ્છતા, રખડતા નિરાધાર પ્રાણીઓ અને ગેરકાયદે અતિક્રમણ અંગે યોગ્ય સૂચનાઓ આપી હતી. જંતરમંતરની મુલાકાત વખતે તેમણે ત્યાં સ્થાપિત પ્રાચીન સાધનો વિશે પણ માહિતી એકત્ર કરી હતી જે ફ્રાન્સના રાષ્ટ્રપતિની મુલાકાત સમયે જણાવવામાં આવશે.
જયપુરમાં તંત્રની તડામાર તૈયારીઓ : હેરિટેજ કોર્પોરેશનના કમિશનર અભિષેક સુરાનાએ જણાવ્યું હતું કે હેરિટેજ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં એક વીવીઆઈપી મુલાકાત લેવા જઈ રહ્યાં છે. જેમાં પરકોટાના મુખ્ય માર્ગ સાથે હવા મહેલ, જંતર મંતર અને આમેરનો સમાવેશ થશે. આવા સંજોગોમાં સ્વચ્છતા, ફૂટપાથ-ડિવાઈડ અને રોડના કામની જવાબદારી પણ નિભાવવાની હોય છે, આ સંદર્ભે મુલાકાત લેવાઈ છે. 22મી જાન્યુઆરીએ એક ભવ્ય કાર્યક્રમ પણ યોજાનાર છે અને તે પછી 25મીએ આ વીવીઆઈપીની મુલાકાત છે, 26મીએ પ્રજાસત્તાક દિવસ છે. સુરાનાએ કહ્યું કે આવી સ્થિતિમાં આગામી 7 દિવસ પડકારજનક રહેશે. કેટલીક જગ્યાએ વિજિલન્સને સાથે રાખીને ગેરકાયદે અતિક્રમણ અટકાવવામાં આવ્યું છે તો કેટલીક જગ્યાઓ તોડી પણ પાડવામાં આવી છે.સાથે જ તેમણે કહ્યું કે આગળ 'જાગો જયપુર ઝગમગ જયપુર' નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત સ્વચ્છતા વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન જોવા મળશે.