કરાચી : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તાજેતરમાં થયેલા આત્મઘાતી હુમલાએ દેશમાં કામ કરતા ચીની નાગરિકોના વિશ્વાસને હચમચાવી નાખ્યો છે. એક પાકિસ્તાની સુરક્ષા વિશ્લેષકે કહ્યું કે અહેવાલો સૂચવે છે કે કેટલાક લોકો સુરક્ષાની ચિંતાઓને કારણે દેશ છોડવાનું વિચારી રહ્યા છે.
સુરક્ષા પગલાંની માંગ : જો કે પાકિસ્તાન સરકારે વારંવાર ગુનેગારોને પકડી પીડિતોને ન્યાય અપાવવાનું વચન આપ્યું છે, વિશ્લેષકે કહ્યું કે તાજેતરની ઘટનાએ વિશ્વાસને હચમચાવી નાખ્યો છે. પાકિસ્તાની સુરક્ષા વિશ્લેષક મુહમ્મદ અમીર રાણા ડૉનમાં લખે છે, ચીનના સોશિયલ મીડિયા પર આની ખૂબ ચર્ચા થઈ રહી છે. લોકો પાકિસ્તાનમાં રહેતા ચીની નાગરિકોના જીવની સુરક્ષા માટે કડક સુરક્ષા પગલાંની માંગ કરી રહ્યા છે.
ઉઇગુર સમુદાય પ્રત્યે સહાનુભૂતિ : ખૈબર પખ્તુનખ્વામાં આતંકવાદી ઘટના બાદ, ચીની કંપનીઓએ ઓછામાં ઓછા ત્રણ મહત્વના હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પર કામ બંધ કરી દીધું છે: દાસુ ડેમ, દિયામેર-બાશા ડેમ અને તરબેલા 5મો એક્સટેન્શન ડેમ. પાકિસ્તાની સુરક્ષા વિશ્લેષકે જણાવ્યું હતું કે આ ક્ષેત્રના કેટલાક રહેવાસીઓ શિનજિયાંગમાં ઉઇગુર સમુદાય પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે અને અન્ય લોકો તેમના દેશમાં વિદેશીઓની હાજરીને નાપસંદ કરે છે.
ચીનીઓ વિશે બહુ સારી ધારણા નથી : તેમણે કહ્યું કે આ વિસ્તારમાં ચીનના નાગરિકો વિશે બહુ સારી ધારણા નથી. આનું ઉદાહરણ ગત વર્ષે દાસુ ડેમ સાઈટ પર ચીની અધિકારી સામે ઈશનિંદાના કેસમાં જોવા મળ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ઘટનાએ પ્રકાશ પાડ્યો છે કે તણાવ ગમે ત્યારે ભડકી શકે છે.