આણંદ: અમૂલ ગુજરાતના મેનેજિંગ ડાયરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, અમૂલનું સંચાલન કરતા કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા યુએસમાં 108 વર્ષ જૂની ડેરી કોઓપરેટિવ - મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન સાથે જોડાણ કરવામાં આવ્યું છે.આ જાહેરાત ડેટ્રોઇટ ખાતે 20 માર્ચે તેમની વાર્ષિક બેઠકમાં કરવામાં આવી હતી. મને જણાવતા આનંદ થાય છે કે અમૂલ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં તેની તાજી દૂધની પ્રોડક્ટ્સ લૉન્ચ કરશે.
જયેન મહેતાએ ANIને જણાવ્યું હતું કે, આ પ્રથમ વખત છે કે અમૂલ તાજા ઉત્પાદનોની શ્રેણી ભારતની બહાર યુનાઈટેડ સ્ટેટ્સ જેવા માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે. આ એક મજબૂત ભારતીય અને એશિયન ડાયસ્પોરા છે. તેમણે જણાવ્યું હતું કે, અમૂલ તાજેતરમાં તેની સુવર્ણ જયંતિની ઉજવણી કરી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમના વિઝનને અનુરૂપ બ્રાન્ડનું વિસ્તરણ અને સૌથી મોટી ડેરી બનવાની અમૂલ આશા રાખે છે. અમૂલની ઉદ્યોગ સાહસિકતાએ તેને વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડ્સ પૈકીની એક બનાવી છે.
સુવર્ણ જયંતિની ઉજવણી દરમિયાન સભાને સંબોધતા વડાપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, 50 વર્ષ પહેલા ગુજરાતના ખેડૂતો દ્વારા રોપવામાં આવેલ એક છોડ આજે એક વિશાળ વૃક્ષ બની ગયું છે. અમૂલ ઉત્પાદનો વિશ્વના 50થી વધુ દેશોમાં નિકાસ કરવામાં આવે છે. અમૂલ હેઠળ 18,000 દૂધ સહકારી સમિતિઓ છે. 36,000 ખેડૂતો અને પશુપાલકોનું નેટવર્ક છે. અમૂલ દરરોજ 3.5 કરોડ લિટરથી વધુ દૂધનું પ્રોસેસિંગ કરે છે.
ભારતમાં ડેરી ક્ષેત્રની ઉત્ક્રાંતિ અને ઓપરેશન ફ્લડની શરૂઆતથી જ ડેરી સહકારી મંડળીઓ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ મંડળીઓ દેશની વિકાસગાથાનો એક અભિન્ન ભાગ છે કારણ કે, દેશ હવે દૂધનો સૌથી મોટો ઉત્પાદક છે. વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો લગભગ 21 ટકા છે. ઉલ્લેખનીય છે કે 1950 અને 1960ના દાયકામાં ભારતના ડેરી ક્ષેત્રની પરિસ્થિતિ બહુ જર્જરિત હતી કારણ કે, ભારત દૂધની ખાધ ધરાવતું રાષ્ટ્ર હતું અને આયાત પર વધુ નિર્ભર હતું.
1964માં તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની ગુજરાતના આણંદ જિલ્લાની મુલાકાત બાદ રાષ્ટ્રીય ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની રચના કરવામાં આવી. 1965માં સમગ્ર દેશમાં ડેરી સહકારી સંસ્થાઓની 'આણંદ પેટર્ન'ના નિર્માણને સમર્થન આપવાના આદેશ સાથે કરવામાં આવી હતી. ઓપરેશન ફ્લડ (OF)પ્રોગ્રામનું તબક્કાવાર અમલીકરણ થનાર હતું.
ભારતમાં "શ્વેત ક્રાંતિના પિતા" તરીકે પ્રખ્યાત વર્ગીસ કુરિયન NDDBના પ્રથમ અધ્યક્ષ હતા. તેમની ટીમે પ્રોજેક્ટના પ્રારંભમાં કામ કર્યુ હતું. સમગ્ર દેશમાં દૂધમાં આણંદ પેટર્ન સહકારી સંસ્થાઓની કલ્પના કરવામાં આવી હતી. જેમાં દૂધ સહકારી મંડળીઓ દ્વારા એકત્ર કરી શહેરોમાં પહોંચાડવામાં આવે તેવી પદ્ધતિ હતી. (ANI).