જૂનાગઢ: શિયાળાની ઋતુને તંદુરસ્તી માટે સર્વ શ્રેષ્ઠ ઋતુ માનવામાં આવે છે. શિયાળા દરમિયાન વસાણા આરોગવાની આપણી પ્રાચીન પરંપરા આજે પણ આધુનિક યુગમાં જોવા મળે છે. પરંતુ કેટલાક વર્ષોથી શિયાળા દરમિયાન લીલા શાકભાજીના તાજા રસ પીવાની પણ એક નવી પરંપરા શરૂ થઈ છે. શિયાળાના સમય દરમિયાન લીલા શાકભાજીનો તાજો રસ શરીર માટે ખૂબ જ ગુણકારી હોવાનું આયુર્વેદિક તબીબો જણાવી રહ્યા છે.
શિયાળો અને શાકભાજીના રસનું સેવન
શિયાળાની ઋતુને તંદુરસ્તી માટે સર્વ શ્રેષ્ઠ ઋતુ માનવામાં આવે છે. પ્રાચીન સમયથી શિયાળાની ઋતુ દરમિયાન કસરત અને વસાણા ખાવાની પણ એક વિશેષ પરંપરા જોવા મળતી હતી. શિયાળાના દિવસો દરમિયાન આમળા અને આમળામાંથી બનેલી ચીજ વસ્તુઓ આરોગવાની પણ એક વિશેષ પરંપરા હતી, જે આજે આધુનિક યુગમાં જોવા મળે છે. પરંતુ સતત બદલાઈ રહેલી દિનચર્યા અને ભાગદોડ ભર્યા જીવનમાં પ્રત્યેક વ્યક્તિ શરીરને પોષણ યુક્ત શાકભાજી કે તેના રસો જરૂરિયાત કરતા ઓછા પ્રમાણમાં આપી રહ્યા છે. જેને કારણે શિયાળાની ઋતુ દરમિયાન શરીરને જે ફાયદાકારક તત્વો મળવા જોઈએ તેમાં થોડે ઘણે અંશે ઉણપ જોવા મળતી હતી. પરંતુ હવે આધુનિક સમયમાં સવારના સમયે શાકભાજીના તાજા રસના વેચાણનું ચલણ પણ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. લોકો પોતાના ઘરે શાકભાજીના રસો બનાવવાની ઝંઝટ કરવા માગતા નથી જેને કારણે જૂનાગઢમાં શિયાળાના દિવસો દરમિયાન વહેલી સવારે શાકભાજીના રસોના વેચાણનું પ્રમાણ પણ વધી રહ્યું છે.
શાકભાજીના રસના સેવન માટે મળસકાનો સમય યોગ્ય
જુનાગઢ આયુર્વેદિક મેડિકલ કોલેજના ડીન વૈદ્ય સિદ્ધેશ પંડ્યાએ શિયાળા દરમિયાન શાકભાજીના રસ પીવાને લઈને તેના ફાયદા વિશે વિગતો આપી હતી. શિયાળા દરમિયાન વસાણાની સાથે આમળા અને ગાજર, પાલક, બીટ, આદુ, લીલી હળદર, સરગવો, દુધી, કાકડી અને ગળો જેવા શાકભાજીના રસોનું પ્રમાણસર સેવન કરીને કોઈપણ વ્યક્તિ શિયાળામાં તંદુરસ્તીને વધારી શકે છે. લીલા શાકભાજીના રસોને પીવાનો સમય મળસકાને (વહેલી સવારે) સૌથી વધારે યોગ્ય માનવામાં આવ્યો છે. પરંતુ લોકો આજે વહેલા જાગતા નથી જેથી વહેલી સવારના 8:00 વાગ્યા સુધીમાં ખાલી પેટે તમામ શાકભાજી અને આમળાના રસનું સેવન કરવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ માટે શિયાળો અને શાકભાજીના રસ તંદુરસ્તી માટે ખૂબ સારા માનવામાં આવે છે.
શાકભાજીમાં રહેલા પોષક તત્વો
તેમણે કહ્યું કે, શિયાળા દરમિયાન શાકભાજીના તાજા રસ પીવાથી કોઈપણ વ્યક્તિ પોતાના પાચનતંત્રને સુધારી શકે છે સાથે સાથે લોહીની શુદ્ધિ અને લોહીના વિકારને રોકવામાં પણ તાજા રસ મદદરૂપ બની શકે છે. લીલા શાકભાજીનો તાજો રસ શરીરને પૌષ્ટિક ઘટકોની ખોટ પડવા દેતો નથી. જેને કારણે વહેલી સવારે પ્રતિ દિન તાજા શાકભાજીનો રસ પીવાથી કોઈપણ વ્યક્તિની તબિયતમાં સુધારો થાય છે અને સમગ્ર શરીરમાં શક્તિનું વર્ધન થાય છે. લીલા શાકભાજીને ચામડી અને સૌંદર્ય માટે પણ ખૂબ જ ગુણકારક માનવામાં આવે છે. દુધીનો રસ નિયમિત પીવાથી કોઈપણ વ્યક્તિ સ્વાસ્થ્યની કોઈ સમસ્યાથી પીડાતા હોય તેને રાહત મળે છે તે જ રીતે આમળાનો રસ પીવાથી પણ અનેક ફાયદાઓ જોવા મળે છે. આમળાના રસમાં વિટામિન, મિનરલ્સ અને એન્ટી ઓક્સિડન્ટનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. જેથી તે શરીરને અન્ય ફાયદો આપવાની સાથે આંખોની રોશની વધારવામાં તેમજ ગળાની સમસ્યામાંથી મુક્તિ અપાવે છે. સાથે સાથે આમળા શરીરની રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. સરગવાને આજે સમગ્ર વિશ્વ પૌષ્ટિક ખોરાક તરીકે પણ માનવામાં આવે છે જેથી સરગવાનો રસ આજે સંપૂર્ણ ખોરાક તરીકે આગળ વધી રહ્યો છે. જેમાં પણ વિટામીન્સ, મિન્સરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તેવી જ રીતે લીલી હળદર, બીટ, આદુ, પાલક, મેથી, કોથમીર સહિત લીલા શાકભાજીના રસનું સેવન શિયાળા દરમિયાન ખૂબ જ મહત્વનું અને શરીરને પોષણ આપનારુ માનવામાં આવે છે.
સવારના બે કલાકમાં 2000 ની કમાણી
જૂનાગઢના બે યુવાનો વહેલી સવારે 6:30 થી 8:30 દરમ્યાન બે કલાકના સમયગાળા દરમિયાન જૂનાગઢની મોતીબાગ નજીક લીલા શાકભાજીના તાજા જ્યુસનો સ્ટોલ લગાવે છે. બે કલાક દરમિયાન 50 થી લઈને 100 જેટલા લોકો પ્રતિ દિવસ લીલા શાકભાજીનો રસ પીવા માટે આવે છે. પ્રત્યેક 200ml ના એક ગ્લાસ નું મૂલ્ય 20 રૂપિયા રાખવામાં આવ્યું છે જેથી આ યુવાનો પ્રતિ દિવસે એક હજાર રૂપિયાની આસપાસના લીલા શાકભાજીના રસનું વેચાણ કરીને પોતાનુ જીવન નિર્વાહન પણ કરે છે.
આ પણ વાંચો: