જૂનાગઢ: સોશિયલ મીડિયા થકી આજે પ્રત્યેક ગુજરાતીના દિલમાં વસેલા નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. સોશિયલ મીડિયામાં રમુજ ઉપજાવે તે પ્રકારના વિડીયો અને રીલ બનાવીને ખજૂરભાઈ ભારે વાહવાહી મેળવી ચૂક્યા છે, ત્યારે આજે આધુનિક સમયમાં રીલના જમાનામાં ગુજરાતની સંસ્કૃતિને શોભે અને સહપરિવાર સાથે બેસીને સાથે જોઈ શકાય તે પ્રકારના વિડીયો બનાવવા તેમણે સૌ કોઈને અપીલ કરી હતી.
ગુજરાતની સંસ્કૃતિ ઉજાગર થાય તેવી હોવી જોઈએ રીલ: ગુજરાતના પ્રત્યેક યુવાધનને રીલનું ઘેલું લગાડનાર અને સોશિયલ મીડિયાના માધ્યમ થકી પ્રત્યેક ગુજરાતીના દિલમાં ઘર કરી ચૂકેલા નિતીન જાની ઉર્ફે ખજૂરભાઈ આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. હાસ્ય સભર પ્રસંગોને રજૂ કરીને આજે નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ પ્રત્યેક ગુજરાતી માટે એક આદર્શ બની રહ્યા છે. પ્રસંગ કોઈ પણ હોય પરંતુ તેને હાસ્ય અને મનોરંજનની સાથે હળવા મૂડમાં રજૂ કરવાની એક અનોખી છટા અને આવડત ધરાવતા ખજૂરભાઈ સોશિયલ મીડિયા થકી આજે સફળતાના શિખરો સર કરી ચૂક્યા છે.
આજે જૂનાગઢ આવેલા ખજૂરભાઈએ ગુજરાતી સંસ્કૃતિ વધુ મજબૂત બને અને તે સફળતાપૂર્વક સોશિયલ મીડિયામાં પ્રસ્તુત થાય તે માટે તેમજ પ્રત્યેક પરિવાર સાથે બેસીને વીડિયો કે રીલ જોઈ શકે તે પ્રકારના વિડીયો બનાવવાની સલાહ તમામ ઈન્ફ્લુએન્સરને આપી હતી.
સંસદમાં જઈશ પછી અનુભવો કરીશ વ્યક્ત: વર્તમાન સમયમાં સંસદ અને રાજ્ય વિધાનસભાના ગૃહોમાં ભારે શોરબકોર અને ધમાલ થતાં હોય છે, પરંતુ ભૂતકાળમાં સંસ્કૃતિને મજબૂત બનાવતા હાસ્યસભર પ્રસંગો પાર્લામેન્ટમાં પણ બની ચૂક્યા છે.
આ વિશે પ્રશ્નો પૂછતા તેના જવાબમાં ખજૂરભાઈએ એકદમ સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે તેમને પાર્લામેન્ટ કે વિધાનસભાનો કોઈ અનુભવ નથી. તેમણે વધુમાં કહ્યું કે, 'હું ત્યાં જઈશ તો ચોક્કસ ગંભીર વાતાવરણની વચ્ચે પણ હળવું વાતાવરણ થાય અને તેમાં સકારાત્મક ચર્ચા થાય તે માટેનો પ્રયાસ કરીશ.'
વધુમાં ખજૂરભાઈએ પ્રત્યેક વ્યક્તિને તંદુરસ્ત રહેવા માટે સર્વોત્તમ ખોરાક ગ્રહણ કરવાની પણ આગ્રહ ભરી વિનંતી કરી હતી. આધુનિક સમયમાં પ્રત્યેક વ્યક્તિ જાણે અજાણે માનસિક તાણનો શિકાર બની જતો હોય છે. આવા સમયે સોશિયલ મીડિયામાં રીલ કે અન્ય વિડીયો મારફતે લોકો મનોરંજન પીરસી રહ્યા છે. પરંતુ તેમાં શુદ્ધતા, સાત્વિકતા અને સહપરિવાર સાથે જોઈ શકે તે પ્રકારનું કન્ટેન્ટ આપવાની ખજૂરભાઈએ વાત કરી હતી. જે માટે તેમણે સોશિયલ મીડિયામાં સક્રિય યુવાનોને આગ્રહ ભરી વિનંતી કરી હતી.
આ પણ વાંચો: