મુંબઈ : બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન ગણેશ ચતુર્થીની ઉજવણી કરવા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના મુંબઈ સ્થિત નિવાસસ્થાને પહોંચ્યા હતા. સલમાનની સાથે તેની બહેન અર્પિતા ખાન પણ હતી. અગાઉ સલમાન ખાને મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે પણ ગણેશ ઉત્સવમાં ભાગ લીધો હતો.
સલમાને કરી ગણેશજીની પૂજા : સીએમ શિંદેએ 15 સપ્ટેમ્બર, રવિવારના રોજ ઇન્સ્ટાગ્રામ પર સુપરસ્ટાર સાથે ગણેશ પૂજાની તસવીરો શેર કરી હતી. તસવીરોમાં સલમાન બ્લુ શર્ટ અને મેચિંગ જીન્સમાં જોઈ શકાય છે. તે મૂર્તિની સામે હાથ જોડીને પ્રાર્થના કરી રહ્યો છે. બીજી તસવીરમાં એકનાથ શિંદેએ સલમાનને ફૂલોનો ગુલદસ્તો અને રંગબેરંગી શાલ આપી હતી. અર્પિતાને પણ પુષ્પગુચ્છ અને શાલ અર્પણ કરવામાં આવી હતી.
સીએમ શિંદે સાથે ગણેશ પૂજા : અગાઉ, મૂર્તિ વિસર્જન સમારોહનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં અર્પિતા ખાન, તેના પતિ આયુષ શર્મા અને ભાઈઓ સોહેલ ખાન, અરબાઝ ખાન, અરહાન, નિર્વાણ અને અલીઝેહ અગ્નિહોત્રી સહિત સમગ્ર ખાન પરિવાર આ સમારોહ દરમિયાન ખુશીથી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. અર્પિતા અને આયુષે રવિવારે 8 સપ્ટેમ્બરે પોતાના ઘરે ગણેશ ચતુર્થીની ઉજવણીનું આયોજન કર્યું હતું.
એન્ટિલિયા ચા રાજા : સલમાન ખાને મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ગણેશ ઉત્સવમાં પણ ભાગ લીધો હતો. જ્યાં સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, સૈફ-કરીના, રિતેશ-જેનેલિયા, શ્રદ્ધા કપૂર જેવા સ્ટાર્સ પણ પહોંચ્યા હતા. દર વર્ષે મુકેશ અંબાણી એન્ટિલિયામાં તેમના ઘરમાં ગણેશજીની સ્થાપના કરે છે, જેને એન્ટિલિયા ચા રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે.
સલમાનના અપકમિંગ પ્રોજેક્ટ : વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે એ. આર. મુરુગાદોસની આગામી ફિલ્મ સિકંદરમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમના સિવાય કાજલ અગ્રવાલ અને રશ્મિકા મંદન્ના પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ સિવાય કાજલ અગ્રવાલ, સત્યરાજ, પ્રતીક બબ્બર અને શરમન જોશી જેવા કલાકારો પણ ફિલ્મમાં સામેલ છે. સિકંદર 2025ની ઈદ પર રિલીઝ થશે. બેબી જ્હોનમાં પણ સલમાન ખાન જોવા મળશે.