મંડી: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશીથી ઉમેદવારી પત્ર ભર્યું. તે જ સમયે, કંગના રનૌતે પણ હિમાચલ પ્રદેશમાં છોટી કાશી તરીકે ઓળખાતી મંડીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. હિમાચલ પ્રદેશમાં લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. હિમાચલમાં આજે નોમિનેશન પ્રક્રિયાનો છેલ્લો દિવસ છે. મંડી સંસદીય ક્ષેત્રના બીજેપી ઉમેદવાર કંગના રનૌતે ડીસી મંડીના કાર્યાલયમાં જઈને ઉમેદવારી નોંધાવી હતી.
કંગનાના રોડ શોમાં લોકોની ભારે ભીડ ઉમટી: નોમિનેશન દરમિયાન, કંગના રનૌત સાથે, તેની માતા આશા રનૌત, પૂર્વ સીએમ અને વિપક્ષના નેતા જયરામ ઠાકુર, ભાજપના પ્રદેશ અધ્યક્ષ રાજીવ બિંદલ પણ હાજર હતા. આ પહેલા કંગના રનૌતે એક રોડ શોમાં પણ ભાગ લીધો હતો, જે દરમિયાન તેની સાથે બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સૌદાન સિંહ, પૂર્વ સીએમ જયરામ ઠાકુર અને પ્રદેશ અધ્યક્ષ રાજીવ બિંદલ ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મંડી લોકસભા મતવિસ્તાર હેઠળ આવતા ભાજપના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા. કંગનાના રોડ શોમાં લોકોની ભારે ભીડ ઉમટી હતી. આ રોડ શો દ્વારા ભાજપે મંડી સીટ પર પોતાની તાકાત બતાવવાનો પ્રયાસ કર્યો છે.
કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ મંડીથી ઉમેદવાર: ઉલ્લેખનીય છે કે, ભાજપે કંગના રનૌતને ઉમેદવાર બનાવીને મંડી લોકસભા સીટને દેશભરમાં પ્રખ્યાત કરી હતી. કોંગ્રેસે કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહને પણ મંડી સીટ પરથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જેઓએ ઉમેદવારી નોંધાવી છે. હિમાચલ પ્રદેશમાં લોકસભાની ચાર બેઠકો છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે હિમાચલ પ્રદેશની શિમલા, હમીરપુર, મંડી અને કાંગડાની ચારેય બેઠકો જીતી હતી. જો કે, મંડીના તત્કાલિન ભાજપના સાંસદ રામ સ્વરૂપ શર્માના અવસાન બાદ 2021માં યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક જીતી હતી. હાલમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંહ મંડીથી સાંસદ છે. પ્રતિભા સિંહ 6 વખતના હિમાચલના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પત્ની અને વિક્રમાદિત્યની માતા છે.