જૂનાગઢ: અંબાણી પરિવારના અનંત અને રાધિકા મર્ચન્ટના લગ્ન પૂર્વે પ્રી વેડિંગ સમારોહ જામનગરમાં શરૂ થયો હતો જે આજે ધીરુભાઈ અંબાણીના જન્મ સ્થળ ચોરવાડ સુધી પહોંચ્યો છે. અહીં કોકીલાબેન અંબાણીની સાથે લગ્નગ્રંથીથી જોડાવા જઈ રહેલા અનંત અને રાધિકા પણ સ્વયંમ હાજર હતા. ગ્રામમજનોને ભાવપૂર્વક ભોજન કરાવીને સમગ્ર અંબાણી પરિવારે ચોરવાડની જન્મભૂમિના વખાણ કર્યા હતા.
ધીરુભાઈ અને કોકીલાબેનના વિવાહનું સ્થળ એટલે ચોરવાડ: આજે પણ ચોરવાડ અંબાણી પરિવાર માટે ખાસ મહત્વ ધરાવે છે. આજથી 70 વર્ષ પૂર્વે 12મી માર્ચ 1954 ના દિવસે ધીરુભાઈ અંબાણી અને કોકીલાબેનના વિવાહ પણ ચોરવાડમાં થયા હતા. જોગાનુંજોગ આજે અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ પ્રસંગે ભોજન સમારંભ યોજાયો છે જેને કારણે આજે ખુદ કોકીલાબેન અંબાણી ચોરવાડમાં સ્વયં ઉપસ્થિત રહીને ગામ સમસ્તને અનંત અને રાધિકાના લગ્ન પ્રસંગે ભોજન સમારોહમાં આમંત્રિત કરીને ખૂબ જ હોશભેર તમામ લોકોને ભોજન કરાવીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
અનંત અંબાણીની ભાવુક સ્પીચ: પ્રી વેડિંગ જમણવારમાં ખાસ ચોરવાડ ખાતે પહોંચેલા રાધિકા અને અનંત અંબાણીની સાથે કોકીલાબેન અંબાણી અને જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા તેમજ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ હાજર જોવા મળ્યા હતા. આ પ્રસંગે અનંત અંબાણીએ ચોરવાડની યાદોને ખૂબ જ ભાવ સાથે વાગોળી હતી. અનંત અંબાણીએ તેમની સાથે રાધિકા મર્ચન્ટને સમસ્ત ગ્રામજનો આશીર્વાદ આપે અને તેની ઈચ્છા છે કે ચોરવાડની આ ભૂમિ આવનારા દિવસોમાં 10 ધીરુભાઈ અંબાણીને જન્મ આપે તેવી ઈચ્છા પણ અનંત અંબાણીએ આજે ગામ સમસ્ત રજૂ કરી હતી. તો કોકિલાબેન અંબાણીએ પણ ધીરુભાઈ સાથેના તેમના સંબંધો વાગોળ્યા હતા. જે અંબાણી પરિવાર માટે ચોરવાડ કેટલું મહત્વનું છે તે દર્શાવે છે વધુમાં કોકિલા બહેને ધીરુભાઈ અંબાણી સાથેના તેના જીવનના અનેક પ્રસંગો ચોરવાડ સાથે જોડાયેલા છે તેને ખાસ યાદ કરીને સમસ્ત ચોરવાડ પંથકની જનતાનો આભાર વ્યક્ત કરી આશીર્વાદ માગ્યા હતા.