હૈદરાબાદ : "પુષ્પા જુકેગા નહીં" સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની સુપર ડુપર હીટ ફિલ્મ પુષ્પા-2 ફિલ્મનો આ ડાયલોગ છે. પરંતુ હાલમાં અલ્લુ અર્જુનના ચાહકો માટે એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. સંધ્યા થિયેટર કેસમાં એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે.
એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ: પોલીસ અલ્લુ અર્જુનને ચિક્કાડપલ્લી પોલીસ સ્ટેશન લઈ જઈ રહી છે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-2 રિલીઝ દરમિયાન થયેલી ભાગદોડની ઘટનામાં એક મહિલાનું મોત થયુ હતુ. આ મામલે બાદમાં ફરિયાદ નોંધાતા હવે પોલીસ દ્વારા કાર્યવાહી કરી એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ કરવામાં આવી છે.
શું હતો સંધ્યા થિયેટર કેસ : અલ્લુ અર્જુનની નવી ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' ના પ્રીમિયર શો દરમિયાન હૈદરાબાદમાં એક થિયેટરની બહાર નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન એક મહિલા અને તેના બે પુત્રો આ નાસભાગનો ભોગ બન્યા હતા. આ નાસભાગમાં મહિલા ચાહકનું મોત નીપજ્યું હતું, જ્યારે બંને પુત્રો ઘાયલ થયા હતા.
મહિલાના મોત મામલે ફરિયાદ : 5 ડિસેમ્બરના રોજ મૃતક મહિલાના પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે, ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશને પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. તપાસ દરમિયાન પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે.