Stock market Update : ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, બેન્કિંગ-ફાર્મા સેક્ટરમાં દબાણ - NSE Nifty
આજે 15 ફેબ્રુઆરી, ગુરુવારે ભારતીય શેરબજારની લીલા રંગમાં શરૂઆત થઈ છે. બજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty અનુક્રમે 293 અને 66 પોઈન્ટના વધારા સાથે ખુલ્યા છે. જોકે શરુઆતી કારોબારમાં જ જોરદાર એક્શન જોવા મળી રહ્યું છે. હાલ બજારમાં સુસ્ત ટ્રેડિંગ થઈ રહ્યું છે.
Published : Feb 15, 2024, 9:58 AM IST
મુંબઈ : 15 ફેબ્રુઆરી, ગુરૂવારના રોજ ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex 239 પોઈન્ટ અપ 72,061 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 66 પોઈન્ટના સુધારા સાથે 21,906 ના મથાળે ખુલ્યો હતો.
શેરબજારની મજબૂત શરૂઆત : 15 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ BSE Sensex ગત 71,822 ના બંધ સામે 239 પોઈન્ટના વધારા સાથે 72,061 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty ગત 21,840 ના બંધની સામે 66 પોઇન્ટનો સુધારો નોંધાવી 21,906 ના મથાળે ખુલ્યો હતો. ઉલ્લેખનિય છે કે, મજબૂત શરુઆત બાદ BSE Sensex અને NSE Nifty ગગડીને લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા છે.
આ સેક્ટરમાં રોનક : ભારતીય શેરબજારના ઓટો, IT, મેટલ, ફાર્મા, PSU બેંક અને રિયલ્ટી સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. આ ક્ષેત્રોમાં લેવાલી થઈ રહી છે. જ્યારે બેંક, નાણાકીય સેવાઓ, FMCG અને ખાનગી બેંકો જેવા ક્ષેત્રોમાં કરેક્શન છે.
ઐતિહાસિક નિર્ણય : 2 માર્ચ, શનિવારના રોજ ભારતીય શેરબજાર ચાલુ રહેશે. આપત્તિ પુનઃપ્રાપ્તિ (ડિઝાસ્ટર રિકવરી) સાઇટના પરીક્ષણ માટે ટ્રેડિંગ કરવાનો નિર્ણય લેવાયો છે. શનિવારના રોજ બે તબક્કામાં NSE, BSE નું લાઈવ ટ્રેડિંગ થશે. જેમાં પ્રથમ સત્રમાં સવારે 9:15 થી 10 વાગ્યા સુધી કારોબાર ચાલશે. બાદમાં બીજા સત્રની શરૂઆત સવારે 11:30 થી થશે અને બપોરે 12:30 સુધી ટ્રેડિંગ કરી શકાશે.
વૈશ્વિક બજાર : DOW 150 પોઈન્ટ ઉછળીને દિવસના ઊંચા સ્તરે બંધ રહ્યો હતો. IT સ્ટોકમાં જોરદાર એક્શન બાદ Nasdaq 1.3 ટકા વધ્યો હતો. સ્મોલ કેપ્સમાં ફરી તેજી નોંધાઈ હતી. જ્યારે રસેલ 2000 2.5 ટકા ઉછળ્યો હતો.