મુંબઈઃ શેરબજારમાં ફરીથી 3 દિવસનું મિનિ વેકેશન આવતા રોકાણકારોને બજાર ખુલવા માટે લાંબી રાહ જોવી પડશે. હોળી પછી ફરીથી લાંબું વીકએન્ડ શેરબજારમાં જોવા મળશે. ભારતીય સ્ટોક માર્કેટ, કોમોડિટી બજાર આવતીકાલે શુક્રવાર 29 માર્ચે ગુડ ફ્રાઈડેના પર્વ સંદર્ભે બંધ રહેશે. જ્યારે 30 અને 31 માર્ચ શનિવાર અને રવિવાર હોવાને કારણે, બજાર બંધ રહેશે.
1 એપ્રિલથી માર્કેટ રાબેતા મુજબઃ આ 3 રજાના કારણે રોકડ, ડેરિવેટિવ્ઝ, સીક્યોરિટી લેન્ડિંગ એન્ડ બોરોઈંગ (SLB), અને કોમોડિટી ફ્યુચર્સ સહિત વિવિધ ક્ષેત્રોમાં ટ્રેડિંગ પ્રવૃત્તિઓ બંધ રહેશે. BSE, NSE, કોમોડિટી એક્સચેન્જ MCX અને NCDEX અને બોન્ડ માર્કેટ સોમવાર, 1 એપ્રિલે ફરીથી રાબેતા મુજબ શરૂ થશે.
ગુડ ફ્રાઈડેને લીધે એક્સચેન્જ બંધઃ દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ જાહેરાત કરી છે કે તેમના ટ્રેડિંગ પ્લેટફોર્મ 29 માર્ચે કાર્યરત રહેશે નહીં. એ જ રીતે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) અને નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX) જે વિવિધ કોમોડિટીમાં ટ્રેડિંગની સુવિધા આપે છે તે પણ બંને સત્રો માટે બંધ રહેશે. ભારતમાં મુખ્ય ધાર્મિક અને રાષ્ટ્રીય રજાઓ દરમિયાન બજારો સમયાંતરે બંધ રહે છે તે સામાન્ય છે. આગામી ગુડ ફ્રાઈડે રજા ખ્રિસ્તી સમુદાય માટે એક મહત્વપૂર્ણ અવસર છે તેથી બજારના સહભાગીઓને તેમની વેપાર પ્રવૃત્તિઓ બંધ રાખવા મંજૂરી અપાઈ છે. ગુડ ફ્રાઈડે નિમિત્તે ત્રિપુરા, આસામ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને શ્રીનગર સિવાય અન્ય રાજ્યોમાં પણ બેન્કો બંધ રહેશે.