અમરેલી: જિલ્લામાં હવે મહિલાઓ પુરુષોના ખભેથી ખભો મીલાવીને કામ કરી રહી છે. સાથે જ કેટલીક મહિલાઓ આત્મનિર્ભર બની રહી છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકાની મહિલાએ ત્રણ ગાયથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો અને આજે તેઓ પાસે ચાર ગીર ગાય છે અને હજારો રૂપિયાની આવક મેળવી રહ્યા છે.
ભૂમિબેન મૌલિકભાઈ કોટડીયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, તેમની ઉંમર 28 વર્ષની છે અને તેમણે MA B.Ed અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે પોતાના ફાર્મ ખાતે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો અને ગીર ગાય થકી હજારો રૂપિયાની આવક મેળવતા થયા છે. તેઓ કહે છે કે, 'ગીર ગાય રાખવી એ ખૂબ જ જરૂરી છે.' તેઓ તેમની ગીર ગાયની સાર સંભાળ રાખી, ઉછેર કરી ગીર ગાયના દૂધમાંથી તેમજ છાણમાંથી આવક મેળવી રહ્યા છે.
ભૂમિબેને જણાવ્યું કે, તેઓ ગીર ગાયના ગૌમૂત્રનું વેચાણ કરે છે. પાંચ રૂપિયાનું એક લીટર ગૌમુત્રનું વેચાણ થાય છે. સાથે જ ગીર ગાયના છાણમાંથી અલગ અલગ વેરાઈટી બનાવવામાં આવે છે. આ ઉપરાંત સુશોભિત અને પ્રદર્શિત વસ્તુઓ બનાવી અને વેચાણ કરવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં જુનવાણી સમયમાં તોરણ અને ઝુંમર બનાવવામાં આવતા હતા. આ ઝુંમર અને તોરણ હવે ગાયના ગોબરમાંથી તૈયાર કરવામાં આવે છે અને જેનું વેચાણ કરવામાં આવે છે.
ગાયના ગોબરમાંથી ધુપતી પણ બનાવવામાં આવે છે. સાથે જ ગણપતિ મહારાજ પણ બનાવવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે. હાથમાં પહેરવાના કાંડા, ગળામાં પહેરવાની માળા તેમજ તોરણ લટકણીયા અને કિચન બનાવવામાં આવે છે. આ તમામ વસ્તુઓનું વેચાણ અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઈ, વડોદરામાં આવે છે. આ વેચાણ દ્વારા તેઓ મહિને 10,000 રૂપિયા સુધીનું મહેનતાણું મેળવે છે.
તમને જણાવી દઈએ કે, ગાયના ગોબરમાંથી રેડીએશન ચિપ પણ બનાવવામાં આવે છે. આ ચિપ મોબાઇલ પાછળ લગાવવાથી રેડીએશન ઓછું આવે છે અને મોટી સંખ્યામાં લોકો આ રેડીએશન ચિપની ખરીદી કરે છે. સાથે જ ગાયના છાણનો ઉપયોગ અળસિયાના ખાતર બનાવવામાં કરવામાં આવે છે, જે એક કિલોનો ભાવ 50 થી 100 રૂપિયા મળી રહે છે.
આ પણ વાંચો: