વડોદરા: શહેરમાં લાલબાગ બ્રિજ નજીક ક્રિસમસ નિમિત્તે મેળો યોજાયો હતો. પરંતુ આ મેળામાં દુર્ઘટના બનતા બનતા રહી ગઈ હતી. મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ચાલું રાઈડે ખુલી ગયો હતો. પરિણામે રાઈડમાં બેસેલા બાળકો દૂર ફંગોળાયા હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
રાત્રીના સમયે બાળકો મેળામાં રાઈડની મજા લેતા હતા. આ દરમિયાન બાળકો જે રાઇડમાં બેસેલા હતા તે રાઈડના દરવાજા ખુલતા અફરાતફરી મચી ગઈ હતી. સલામતીના અભાવે રાઈડના દરવાજા ખુલી ગયા હોવાની વાતો વહેતી થઈ છે. જાણવા જેવી બાબત એ છે કે, ઘટના બાદ રાઈડ સંચાલક સ્થળ ઉપરથી પલાયન થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે: સલામતીના અભાવે એક રાઈડનું લોક ખુલી જતા બાળકો ફંગોળાઈ ગયા હતા. ધટનાની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસના ઉચ્ચ અધિકારીઓએ આ અંગે જણાવ્યું કે, 'હેલિકોપ્ટર રાઈડના લોક ખુલી જતા 2 થી 3 દરવાજા ખુલી ગયા હતા. રાઈડ ઓપરેટર સામે કાર્યવાહી કરાશે. સંચાલકની બેદરકારી સામે આવી છે. હાલ મેળો બંધ કરાવવામાં આવ્યો છે. હવે લાયસન્સની ચકાસણી બાદ જ રાઈડ શરૂ થશે.'
તાત્કાલિક અસરથી આનંદ મેળો બંધ કરવાની ફરજ: દુર્ઘટના સર્જાતાં સંચાલક દ્વારા તાત્કાલિક રાઈડ બંધ કરી દેવાઈ હતી. આ ઘટનાના પગલે ઉપસ્થિત વાલીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ તંત્ર પણ દોડતું થયું છે. વહિવટી તંત્ર દ્વારા તાત્કાલિક આનંદ મેળો બંધ કરાવવામાં આવ્યો છે.
વડોદરામાં વારંવાર દુર્ઘટના સજાતા તંત્રની ચૂપકીદી: તમને જણાવી દઈએ કે, 18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા શહેરની સનરાઇઝ શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો પિકનિક માણવા માટે હરણી તળાવમાં ગયા હતા. જ્યાં દુર્ઘટના સર્જાતાં 12 બાળકો અને 2 શિક્ષકો મોતને ભેટ્યા હતા. આ ઘટના મામલે વહીવટી તંત્ર આજ દિન સુધી ચૂપકીદી સેવી રહ્યું છે અને દિવસને દિવસે નવા બનાવો બની રહ્યા છે. પરંતુ વહીવટી તંત્રની "જેસે થે " જેવી પરિસ્થિતિને પગલ શહેરીજનોએ ભારે આક્રોશ ઠરાવ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ એવી પણ વાતો થઈ રહી છે કે, વહીવટી તંત્રે કોઈપણ ચકાસણી વગર મેળા અને રાઈડને મંજૂરી આપી દેવામાં આવી છે.
આ પણ વાંચો: