મુંબઈઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ડાયરેક્ટર અનંત મુકેશ અંબાણી અને બીપીના સીઇઓ મરે ઓકિનક્લોસે આજે આરઆઇએલ અને બીપી વચ્ચેના ફ્યુઅલ અને મોબિલિટી ક્ષેત્રના સંયુક્ત સાહસ જિયો-બીપીના 500મા જિયો-બીપી પલ્સ ઇવી ચાર્જિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કર્યું હતું. મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)માં આવેલા નીતા મુકેશ અંબાણી (Nita Mukesh Ambani) કલ્ચરલ સેન્ટર, જિયો વર્લ્ડ પ્લાઝા અને જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આવનારા મહેમાનોને આ ઇવી ચાર્જિંગ સ્ટેશનનો લાભ મળશે. આ ઉદ્દઘાટન સાથે ભારતમાં જિયો-બીપી પલ્સ ચાર્જિંગ પોઇન્ટની સંખ્યા 5000 થઈ છે.

દેશના સૌથી વિશ્વનીય ચાર્જીંગ નેટવર્ક તરીકેની તૈયારીનો દાવોઃ કંપનીના દાવા પ્રમાણે, જિયો-બીપી તેના ઇવી ચાર્જિંગ સ્ટેશનોના નેટવર્કને ઝડપી ગતિએ વિસ્તાર્યું છે, જેની સંખ્યા માત્ર એક વર્ષમાં 1,300થી વધીને 5,000 સુધી પહોંચી ગઈ છે. તેના 95% ઇવી ચાર્જિંગ નેટવર્કમાં ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનનો સમાવેશ થાય છે - જે આ ઉદ્યોગમાં સૌથી વધુ છે - કંપની પોતાને દેશના સૌથી વિશ્વસનીય ચાર્જિંગ નેટવર્ક તરીકે સ્થાપિત કરીને 96%ના અજોડ ઇન્ડસ્ટ્રી-લીડિંગ અપટાઇમ સાથે હાઇ-સ્પીડ ઇલેક્ટ્રોન પહોંચાડવા માટે તૈયાર હોવાનું પણ કહે છે.
કંપનીનું કહેવું છે કે, જિયો-બીપી આ ઉદ્યોગમાં પણ પ્રથમ છે જેણે અનન્ય સીવીપી દ્વારા સમર્થિત ટોપ રેટેડ 480 કેડબ્લ્યૂ ચાર્જર્સનો ઉપયોગ કર્યો છે, તેનાથી મોલ્સ, પબ્લિક પાર્કિંગ, કોર્પોરેટ પાર્ક, હોટેલ્સ અને મુખ્યમાર્ગોની સાઇડમાં કાર્યક્ષમ અને ઝડપી ચાર્જિંગ અનુભવ પૂરો પાડી શકાય છે. તેના ઝડપથી વિકસતા ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા રેન્જની ચિંતામાં ઘટાડો કરીને, ડીસી ફાસ્ટ ચાર્જર્સ સાથે ચાર્જિંગનો સમય ઓછો કરીને અને તેની અત્યાધુનિક જિયો-બીપી પલ્સ ચાર્જિંગ એપ્લિકેશન દ્વારા મુશ્કેલી વગરનો ચાર્જિંગનો અનુભવ આપીને જિયો-બીપીએ ભારતમાં ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની ઝડપ વધારવામાં અગ્રણી સ્થાન મેળવ્યું છે.

“જિયો-બીપી ભારતમાં ઇવી અપનાવવાને વેગ આપવા માટે અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે. ફાસ્ટ-ચાર્જિંગ સ્ટેશનના સૌથી મોટા નેટવર્ક શેર, ઇવી ચાર્જિંગ ઈન્ફ્રામાં સૌથી ઝડપી વૃદ્ધિ અને સર્વોચ્ચ વિશ્વસનીયતા સાથે જિયો-બીપી લાખો ભારતીયોને સારી રીતે પેકેજ્ડ, ડિજિટાઈઝ્ડ ચાર્જિંગ સોલ્યુશન ઑફર કરી રહ્યું છે,” તેમ અનંત એમ. અંબાણીએ આ પ્રારંભ પ્રસંગે જણાવ્યું હતું.
કંપનીના દાવા પ્રમાણે, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના સોલાર પાવર પ્લાન્ટ્સ દ્વારા સંચાલિત કંપનીના ગ્રીન ઈલેક્ટ્રોન્સ ક્ષેત્રે પ્રવેશ સાથે જિયો-બીપી ભારતમાં સસ્ટેનેબલ ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપવાના તેના વ્યાપક ધ્યેયમાં ઝડપી પ્રગતિ કરી રહ્યું છે.
“એક સંકલિત ઊર્જા કંપની બનવાની અમારી સફરમાં ઇવી ચાર્જિંગ બીપીના મુખ્ય પરિવર્તનશીલ વ્યવસાયોમાંનો એક છે. મુશ્કેલી વગરનો ગ્રાહક અનુભવ પૂરો પાડવા માટે અમે ક્ષમતા, ઝડપ અને વ્યૂહાત્મક સ્થાનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. બીપી અને આરઆઈએલની ક્ષમતાઓને સંયોજિત કરીને અમે ગ્રાહકો માટે એક યુનિક વેલ્યૂ પ્રપોઝીશન તૈયાર કરીને સગવડતા સાથે ઇવી ચાર્જિંગની સુવિધાઓ પૂરી પાડી રહ્યા છીએ," તેમ મરે ઓકિનક્લોસે એક નિવેદનમાં જણાવ્યું હતું.
કંપનીનું કહેવું છે કે, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાતત્યપૂર્ણ વૃદ્ધિ, ગ્રાહક અનુકૂલનમાં આગેવાની અને સાતત્ય પર ધ્યાન કેન્દ્રિત કરીને જિયો-બીપી ભારતમાં સૌથી વધુ ઝડપી, મોટાભાગે વ્યાપકપણે ઉપલબ્ધ અને સૌથી વિશ્વસનીય ઇવી ચાર્જિંગ ભાગીદાર તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવી રહ્યું છે.