સુરત : નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભાની ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કરવાના હતા, ત્યારે સુરતના હીરા ઉદ્યોગપતિઓને તેમની પાસે ઘણી માંગણીઓ કરી હતી. સુરતના હીરા ઉદ્યોગની અનેક માંગણીઓ પૈકી બજેટમાં એક પણ માંગણી પુરી કરવામાં આવી નથી. સુરતના હીરા ઉદ્યોગ અને જ્વેલરી ઉદ્યોગને ભારે નિરાશા સાંપડી છે.
કેન્દ્રના બજેટથી ઉદ્યોગપતીઓ નિરાશ થયા : ઇન્ડિયન બુલિયન એસોસિએશનના ગુજરાતના પ્રમુખ નૈનેશ પચ્ચીગર એ જણાવ્યું કે, જ્વેલરી ઉદ્યોગ ને આશા હતી કે તેમને કસ્ટમ ડ્યુટી માં રાહત આપવામાં આવશે અને હીરા ઉદ્યોગને પણ ઘણી આશા હતી. પરંતુ આ બજેટમાં એક પણ આશા પુરી થઈ નથી જેના કારણે અમે નિરાશ છીએ. લોકસભાની ચૂંટણી પહેલાં બજેટ હતું પરંતુ અમારી એક પણ આશા પૂરી થઈ નથી. હવે અમને આશા છે કે જ્યારે સરકાર બનશે ત્યારે અમારા ઉદ્યોગ પર ધ્યાન આપવામાં આવશે.
બજેટ પહેલા અનેક માંગણી રજૂ કરવામાં આવી હતી : જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના વેસ્ટર્ન ઝોન પ્રેસિડેન્ટ વિજય મંગુકિયા એ જણાવ્યું હતું કે, આજે રજુ થયેલ બજેટ ને બજેટ કહી શકાય નહીં. અમે નાણા મંત્રાલયને ઘણી માંગણીઓ જણાવી હતી, પરંતુ અમારા ઉદ્યોગ બજેટ માં ઉલ્લેખ નથી. હવે અમે આશા રાખીએ છીએ કે જ્યારે નવી સરકાર ચૂંટાઈને આવે ત્યારે અમે આ માંગણીઓ સાથે નવી માંગણીઓ પણ મુકીશું અને સરકાર અમારી માંગણીઓ પૂર્ણ કરશે તેવી આશા છે.