મુંબઈ : બજેટ અને મંથલી એક્સપાયરી પહેલા આજે ફરી એકવાર ભારતીય શેરબજાર ઉંધા માથે પટકાણુ છે. ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંક BSE Sensex અને NSE Nifty આજે અનુક્રમે 1050 અને 333 પોઈન્ટનો કડાકો બોલાવી નીચા મથાળે રેડ ઝોનમાં બંધ થયા હતા. આજે તમામ સૂચકાંક ભારે વધારા સાથે ખુલ્યા હતા. સૌથી વધુ વેચવાલી બેન્કિંગ, મેટલ, રિયલ્ટી અને મીડિયા સેક્ટરમાં નોંધાઈ હતી. NIFTY Bank ઇન્ડેક્સ પણ 1043 પોઈન્ટ એટલે કે 2.26 ટકા તૂટ્યો છે.
BSE Sensex : આજે 23 જાન્યુઆરી મંગળવારના રોજ BSE Sensex ગતરોજના 71,423 બંધની સામે 445 પોઈન્ટ ઉછળીને 71,868 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં જ 72,039 પોઈન્ટની ડે હાઈ બનાવી BSE Sensex સતત વેચવાલીના પગલે ગગડતો રહ્યો હતો. નબળા વલણના પરિણામે આશરે 1800 પોઈન્ટ તૂટીને 70,234 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે કોઈપણ સુધારો દાખવ્યા વગર BSE Sensex ઈન્ડેક્સ 1050 પોઈન્ટ તૂટીને 70,370 ના મથાળે બંધ રહ્યો હતો. જે 1.47 ટકાનો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 333 પોઈન્ટ (1.54%) ઘટીને 21,239 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 145 પોઈન્ટ વધીને 21,717 ના મથાળે ખુલ્યો હતો. ત્યારબાદ શરુઆતમાં NSE Nifty 21,750 પોઈન્ટની ડે હાઈ બનાવી હતી. પરંતુ ત્યારબાદ સતત વેચવાલીના પગલે 21,192 પોઈન્ટ સુધી ડાઉન ગયો હતો. દિવસ દરમિયાન વિદેશી ફંડના સેલિંગ પ્રેશર વચ્ચે ઈન્ડેક્સ સતત નીચે રહ્યો હતો.
NIFTY Bank : આજે NIFTY Bank ગતરોજના 46,058 બંધની સામે 437 પોઈન્ટ વધીને 46,495 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતી કારોબારમાં જ 46,580 પોઈન્ટની ડે હાઈ બનાવી NIFTY Bank નબળા વલણના પરિણામે ગગડતો રહી 44,886 પોઈન્ટ ડાઉન ગયો હતો. ટ્રેડિંગ સેશનના અંતે કોઈપણ સુધારો દાખવ્યા વગર NIFTY Bank ઈન્ડેક્સ 1043 પોઈન્ટ તૂટીને 45,015 ના મથાળે બંધ રહ્યો હતો. જે 2.26 ટકાનો ઘટાડો દર્શાવે છે.
આજના મોટા સમાચાર : સોના-ચાંદીના સ્ક્રૂ હૂક અને સિક્કા પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો થયો છે. સોના-ચાંદીના સ્ક્રુ હુક્સ અને સિક્કા પર ઈમ્પોર્ટ ડ્યુટી 12.5% થી વધીને 15.5% થઈ ગઈ છે. આ ફેરફાર 22 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે.
કોણ કેટલું પાણીમાં : આજે Sensex ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં સન ફાર્મા (4.05%), ભારતી એરટેલ (3.37%), ICICI બેંક (2.10%), પાવર ગ્રીડ કોર્પો (0.27%) અને બજાજ ફિનસર્વનો (0.13%) સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરોમાં ઇન્ડસઇન્ડ બેંક (-4.92%), એચયુએલ (-3.84%), SBI (-3.28%), એક્સિસ બેંક (-3.16%) અને એશિયન પેઇન્ટ્સનો (-2.94%) સમાવેશ થાય છે.
આજનો કારોબાર : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 322 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1875 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, ટાટા મોટર્સ, SBI અને ICICI બેંકના સ્ટોક રહ્યા હતા. આજે સૌથી વધુ વેચવાલી બેન્કિંગ, મેટલ, રિયલ્ટી અને મીડિયા સેક્ટરમાં નોંધાઈ હતી. જ્યારે ફાર્મા સેક્ટરમાં લેવાલી રહી હતી.
IPO અપડેટ : મેડી આસિસ્ટના (Medi Assist) IPO લિસ્ટિંગ થયા છે. જેમાં NSE પર રુ.418 ઈશ્યૂ કિંમત અને 10% પ્રીમિયમ સાથે રુ.460 પર લિસ્ટ થયા છે. જ્યારે BSE પર રુ.418 ઈશ્યૂ કિંમત અને 11.24% પ્રીમિયમ સાથે રુ. 465 પર લિસ્ટેડ થયા છે.