નવી દિલ્હી : ડોપ ટેસ્ટનો ઇનકાર કરવા બદલ NADA દ્વારા સસ્પેન્ડ કરવાના નિર્ણય બાદ રેસલિંગની વર્લ્ડ ગવર્નિંગ બોડી UWW દ્વારા બજરંગ પુનિયાને આ વર્ષના અંત સુધી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જોકે, એક આશ્ચર્યજનક નિર્ણયમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને (SAI) NADA ના આદેશ અંગેની જાણકારી હોવા છતાં વિદેશમાં બજરંગ પુનિયાની તાલીમ માટે લગભગ રૂ. 9 લાખ મંજૂર કર્યા છે.
બજરંગ પુનિયા સસ્પેન્ડ : દેશના સૌથી સફળ કુસ્તીબાજોમાંથી એક બજરંગ પુનિયાને 18 એપ્રિલના રોજ નોટિસ મળ્યા બાદ NADA દ્વારા 23 એપ્રિલે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. બજરંગ પુનિયાને 31 ડિસેમ્બર, 2024 સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
મેં SAI ને મંજૂરી માટે એક પ્રસ્તાવ આપ્યો છે. મને પણ આશ્ચર્ય છે કે SAI એ મને મંજૂરી આપી છે. મેં વાસ્તવમાં મારી યોજનાઓ રદ કરી દીધી છે, હું હવે તાલીમ માટે ક્યાંય નથી જઈ રહ્યો. મારા વકીલે NADA માં જવાબ દાખલ કર્યો છે. -- બજરંગ પુનિયા (ભારતીય કુસ્તીબાજ)
બજરંગ પુનિયાનો ખુલાસો : પોતાના બચાવમાં બજરંગ પુનિયાએ કહ્યું કે, તેણે ક્યારેય પરીક્ષણ માટે તેના નમૂના આપવાનો ઇનકાર કર્યો નથી, પરંતુ ડોપ નિયંત્રણ અધિકારીને માત્ર સમાપ્ત થયેલી કીટની હાજરી વિશે જાણ કરવા કહ્યું હતું, જે તેના નમૂના લેવા માટે લાવવામાં આવી હતી. બજરંગે જણાવ્યું કે, મને સસ્પેન્શન અંગે UWW તરફથી કોઈ માહિતી મળી નથી.
વિદેશમાં તાલીમ માટે 9 લાખ મંજૂર : રસપ્રદ વાત એ છે કે, મિશન ઓલિમ્પિક સેલને (MOC) 25 એપ્રિલની મીટિંગમાં જણાવવામાં આવ્યું હતું કે બજરંગને 28 મેથી રશિયાના દાગેસ્તાનમાં તાલીમ આપવાના તેના પ્રસ્તાવ માટે 8,82,000 રૂપિયાથી વધુ આપવામાં આવશે. બજરંગનો પ્રારંભિક પ્રસ્તાવ 24 એપ્રિલથી 35 દિવસની ટ્રેનિંગ ટૂરનો હતો, પરંતુ હવે તેના પર સસ્પેન્સ સર્જાયું છે.