ઉત્તરાખંડ: લાંબા સમયથી રાહ જોયા બાદ ઉત્તરાખંડમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. ઉત્તરકાશીથી પિથોરાગઢ સુધી હિમવર્ષા થઈ છે. સિઝનની પહેલી હિમવર્ષાથી લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. હિમવર્ષાના કારણે હોટલના ધંધાર્થીઓની સાથે ટુરીઝમના ધંધાર્થીઓના ચહેરા પણ ખીલી ઉઠ્યા છે.
ઉત્તરાખંડમાં સિઝનની પહેલી હિમવર્ષા: લાંબી રાહ જોયા બાદ ડિસેમ્બરના બીજા સપ્તાહમાં ઉત્તરાખંડમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. ઉત્તરકાશી, ટિહરી, દેહરાદૂન, રુદ્રપ્રયાગ, ચમોલી અને પિથોરાગઢમાં ઉંચી ટેકરીઓ પર હિમવર્ષા થઈ છે. આ મહિને સતત હિમવર્ષા થવાની ધારણા છે.
ચાર ધામમાં હિમવર્ષા: ઉત્તરકાશી જિલ્લામાં પણ આ સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. ચારધામ યાત્રાના બે સ્થળો ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં રવિવારે જ હિમવર્ષા થઈ હતી. આ સાથે ઉત્તરકાશી જિલ્લાના ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં પણ હિમવર્ષા થઈ હતી. હર્ષિલ ખીણ પણ બરફની ચાદરથી ઢંકાયેલી છે. તમને જણાવી દઈએ કે, ગંગોત્રીનું મહત્તમ તાપમાન -3° સેલ્સિયસ છે અને લઘુત્તમ તાપમાન -12° સેલ્સિયસ છે. ચારધામોમાં યમુનોત્રી ધામ સૌથી ઠંડું છે. અહીં મહત્તમ તાપમાન -8° સેલ્સિયસ છે અને લઘુત્તમ તાપમાન -15° સેલ્સિયસ છે.
કુદરતે શણગાર્યું બદ્રી-કેદાર: બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં પણ સોમવારે સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી. બરફમાંથી બંને ધામનો નજારો જોવા લાયક બની ગયો છે. બદ્રીનાથ ધામમાં ઠંડીની સ્થિતિ એવી છે કે, બંનેનું તાપમાન માઈનસ થઈ ગયું છે. બદ્રીનાથ ધામનું મહત્તમ તાપમાન -6° સેલ્સિયસ થયું છે જ્યારે લઘુત્તમ તાપમાન -14° સેલ્સિયસ થઈ ગયું છે. આવી સ્થિતિમાં અહીં બધું જ જામી ગયું છે. કેદારનાથ ધામનું મહત્તમ તાપમાન -6° સેલ્સિયસ નોંધાયું છે અને લઘુત્તમ તાપમાન -14° સેલ્સિયસ નોંધાયું છે.
ચોપટામાં પણ થઈ હિમવર્ષા: રૂદ્રપ્રયાગ જિલ્લાના ચોપટા-દુગલબિટ્ટામાં પણ સિઝનની પહેલી હિમવર્ષા થઈ છે. મીની સ્વિટ્ઝર્લેન્ડ તરીકે પ્રખ્યાત પર્યટન સ્થળ ચોપટા-દુગલબિટ્ટામાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હિમવર્ષા બાદ અહીં પ્રવાસીનું પ્રમાણ વધે તેમ જણાઈ આવે છે. હિમાલયના વિસ્તારોમાં હિમવર્ષા બાદ નીચલા વિસ્તારોમાં તીવ્ર ઠંડી પડી રહી છે. ચોપટાનું લીલું બગ્યાલ હવે હિમવર્ષા પછી સફેદ દેખાઈ રહ્યું છે. પ્રવાસન સ્થળોએ હિમવર્ષાના કારણે સ્થાનિક વેપારીઓના ચહેરા પર ચમક આવી ગઈ છે.
ધનોલ્ટીમાં સિઝનની પહેલી હિમવર્ષા: ટિહરી જિલ્લાના ધનૌલ્ટીમાં પણ હિમવર્ષા થઈ છે. જો કે, જે હિમવર્ષા માટે ધનોલ્ટી જાણીતી છે તે હજુ સુધી થઈ નથી. આમ છતાં સિઝનની પહેલી હિમવર્ષાથી લોકો ખુશ છે.
હિમવર્ષાથી પહાડોની રાણી પણ ખીલી ઉઠી: દેહરાદૂન જિલ્લાના મસૂરીમાં પણ સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ છે. મસૂરીની આસપાસના વિસ્તારોમાં જેમ કે લાલ ટિબ્બા, કેમલ બેક રોડ, અટલ ગાર્ડન વગેરેમાં હિમવર્ષાથી હિલ્સની રાણીની સુંદરતા વધી છે. મસૂરી આવતા પ્રવાસીઓ બરફ પડવાની મજા માણી રહ્યા છે. અહીંના હોટેલીયર્સ અને ટુરિઝમ બિઝનેસમેનને આશા છે કે ફેબ્રુઆરી સુધી સારી હિમવર્ષા ચાલુ રહેશે, જેના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મસૂરી આવશે.
ચકરાતામાં ભારે હિમવર્ષા: દેહરાદૂન જિલ્લામાં ચકરાતા અને તેના શિખરો પર પણ બરફ પડ્યો છે. અહીં લોકો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયાથી હિમવર્ષાની અપેક્ષા રાખી રહ્યા હતા. મોડેથી થયેલ હિમવર્ષા બાદ લોકોમાં ખુશનો માહોલ સર્જાયો છે. પર્યટન સ્થળ ચકરાતા હિમવર્ષા દરમિયાન પ્રખ્યાત બને છે. પ્રવાસીઓ અહીં ફરવા આવવા માટે હોટલ અને ટ્રાવેલ બિઝનેસમેનને ફોન કરીને હિમવર્ષા વિશે પૂછે છે.
મુન્સિયારી અને આદિ કૈલાશ પણ બરફથી ઢંકાઈ ગયા: કુમાઉ ડિવિઝનમાં પણ સિઝનનો પ્રથમ બરફ પડયો છે. પિથોરાગઢ જિલ્લાના મુન્સિયારી અને આદિ કૈલાશમાં રવિવારે મોડી રાતથી સતત હિમવર્ષા થઈ રહી છે. મુન્સિયારીની મુલાકાતે આવેલા પ્રવાસીઓ બરફવર્ષાનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. હિમવર્ષાને કારણે થલ મુન્સિયારી મોટર રોડ બંધ થઈ ગયો છે.
આદિ કૈલાશનું બંને તાપમાન માઈનસમાં: પિથોરાગઢના ડીએમ વિનોદ ગોસ્વામીએ હિમવર્ષા અને ઠંડીને ધ્યાનમાં રાખીને અધિકારીઓને બચાવ માટે જરૂરી માર્ગદર્શિકા આપી છે. આદિ કૈલાશમાં તાપમાન પહેલાથી જ માઈનસમાં હતું. હવે હિમવર્ષાની વાત કરીએ તો કૈલાસનું મહત્તમ તાપમાન -21 ° સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન -31 ° સેલ્સિયસ નોંધાયું છે.
ચૌબટિયામાં બરફ પડ્યો: અલ્મોડા જિલ્લાના પર્યટન શહેર રાનીખેતમાં હવામાનનો મૂડ અચાનક બદલાઈ ગયો હતો. છાવણી વિસ્તાર ચૌબટિયામાં બપોરના સમયે મોસમની પહેલી હિમવર્ષા થઈ હતી. દુનાગીરી, પાંડવખોલી અને ભટકોટની ઊંચી ટેકરીઓમાં પણ હિમવર્ષા થઈ હતી. રાણીખેત નગરમાં પણ હળવો વરસાદ પડ્યો હતો. ચૌબટીયામાં સિઝનની પહેલી હિમવર્ષાથી લોકો ખુશ થઈ ગયા છે. હિમવર્ષાથી ખેડૂતોમાં પણ ખુશનો માહોલ છે.
આ પણ વાંચો: