અમદાવાદ: આગામી લોકસભા ચૂંટણીને લઈ તા.7 મેના રોજ યોજાનાર લોકસભા ચૂંટણીના હવે માત્ર ત્રણ જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષોના રાષ્ટ્રીય નેતાઓ ચુંટણીસભા ગજવી રહ્યા છે. જેમાં શુક્રવારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લીકાર્જુન ખડગે ગુજરાતના અમદાવાદની મુલાકાતે હતા. અમદાવાદમાં કોગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે તેમણે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી,જેમાં તેમણે સત્તાધારી પાર્ટી બીજેપી પર આકરા પ્રહારો કર્યા હતા. આવો જાણીએ શું કહ્યુ ખડગેએ.
મલ્લિકાર્જુન ખડગેની પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દાઓ
- મોંઘવારી વધી છે, સરકાર જોડે કોઈ જવાબ નથી. સંસદ કે અન્ય કોઈ મંચ પર સરકાર સંવાદ માટે તૈયાર નથી. બેરોજગારીને લઈને યુવાનો પરેશાન છે. સરકારે 2 કરોડ નોકરીઓનો વાયદો પણ ખોટો કર્યો, 30 લાખથી વધુ મંજૂર સરકારી નોકરીઓમાં પણ ભરતી નથી થઈ.
- જવાહર લાલ નહેરુએ મોટા મોટા કારખાનાઓ અને મોટી કંપનીઓ લગાવી હતી. યુવાઓને નોકરી અને રોજગારી આપવાની શરૂઆત કરી હતી. દસ વર્ષમાં એક પણ મોટી કંપનીની સ્થાપના લોકો માટે થઇ નથી. ઈમોશનલ બનીને દસ વર્ષ તો નીકળ્યા છે, પરંતુ લોકો હવે સમજી ચુક્યા છે.
- મનરેગાનું કામ પણ કોંગ્રેસ સરકારે આપ્યું હતું. પરંતુ કોઇએ ગેરેન્ટી આપી નહિ સીધો પ્રોજેક્ટ જ ચાલુ કરી દીધો હતો. લોકોના હાથમાં પૈસા આવતા હતા અને લોકો ખર્ચ પણ કરતા હતા. ખાદ્ય સુરક્ષા યોજના પણ કોંગ્રેસ લાવ્યું હતું, જેને કોઈ બદલી શકે નહિ. સંસદમાં બદલાવ થઇ શકે પણ ફેરફાર ના થઇ શકે.
- કોંગ્રેસે વગર બોલે લોકોના કામ કર્યા છે અને વડાપ્રધાન મોદી ગેરન્ટી આપ્યા છતાં કોઈ વસ્તુઓ આપતા નથી. આસામના ચીફ મિનિસ્ટરના વિવાદિત નિવેદનો આવે છે. લોકોની સેવા કરવાનું કામ શુદ્રોનું છે આવા નિવેદનો આપે છે.
- બાબા સાહેબના બંધારણ માટે હમેશા અમે બંધાયેલા છીએ. વડાપ્રધાન સારા વકતા છે પરંતુ આડી અવળી વાતો કરે છે. દેશની એકતા માટે કોંગ્રેસના નેતાઓએ પોતાના જીવ આપ્યા છે
- અમારા મેનીફેસ્ટો પર તેઓ આક્ષેપ કરી રહયા છે પણ પોતાના મેનીફેસ્ટો પર તેઓ વાત જ નથી કરતા. ગાંધી પરિવાર કે ખડગે પરિવાર પર આક્ષેપ કરવા સિવાય કઈ જ કર્યું નથી. દસ વર્ષ મોકો મળ્યો તેમાં ફક્ત ભાષણ સુધાર્યા પણ લોકોની પરિસ્થિતિ ના સુધારી.
- આ ધરતીથી વિશ્વના લોકો પ્રેરણા ગાંધીજીથી લેતા હોય છે, ગુજરાતમાં બીજા નેતા બન્યા પણ કશું જ આપતા નથી. એક જ રાજ્યમાં બે લોકો હોય છે, એક વ્યક્તિ લોકોને બધું જ આપે છે. બીજી વ્યક્તિ છે જે લોકો માટે કશું જ નથી આપતા.
- એવો કોણ મોટો નેતા છે જે દસ લાખના સૂટ પહેરે છે. મહાત્મા ગાંધીજીના વિચાર લોકોને સારા બનાવવાના હતા જયારે આ વ્યક્તિની વિચારધારા કઈ અલગ જ છે. દેશ માટે તમે શું કર્યું એ જણાવો. તમારાથી કઈ નહિ થાય જેમણે કર્યું એની ભૂલો ના કાઢો.
- ઈન્દીરા ગાંધીજીના નામથી પકિસ્તાનના લોકો ડરતા હતા. અમે અમારો હિસાબ આપવા તૈય્યાર છીએ, તમે દસ વર્ષનો હિસાબ આપો. જૂઠ બોલવાની એક હદ હોય છે. જૂઠ પર જૂઠ બોલવુ એ દેશને નુકશાન છે.
- સંવિધાન બદલવાની વાત કોંગ્રેસે નથી કરી, ભાજપના પાર્ટીના વ્યક્તિએ સંવિધાન બદલવાની વાત કરી હતી. હોમ મિનિસ્ટર સુરક્ષાની જગ્યાએ ઇડી અને સીબીઆઈના ઉપયોગ પર વધુ ધ્યાન આપે છે .
- પીએમ મોદી 14 વખત હમણાં વિદેશમાં જઈને આવ્યા હતા પરંતુ મણિપુરમાં એક વાર પણ નથી ગયા. નગરપાલિકાના સભ્યોને પણ છોડતા નથી તેમને પણ કમળનો પટ્ટો પહેરાવી દે છે. તમે જે ખોટા કામ કર્યા છે તે માટે હવે આત્મવિશ્વાસ નથી રહ્યો.
- પરષોત્તમ રૂપાલા જેવા લોકોને વડાપ્રધાન સપોર્ટ કરે છે. કર્ણાટકમાં દુષ્કર્મીઓના પ્રચાર કરે છે. સાંસદને જીતાડવા માટે અપીલ પણ કરે છે
- આઈબી અને એજન્સીઓ શું ઊંઘી રહી છે કે, એક આરોપી જર્મની ભાગી જાય છે.
- વડાપ્રધાન મોદી જે કામ કર છે તેની વિચારધારા સામે અમે લડી રહયા છે. 23 ધારાસભ્યો, સાંસદોને ભાજપમાં લેવામાં આવ્યા છે. ઇડી અને સીબીઆઈમાં ફસાયેલા આ લોકોને લઇ લેવામાં આવ્યા. વોશિંગ મશીનમાં જાય તે બાદ આ લોકો ચોખ્ખા થઇ જાય છે.
- કેવડું મોટુ વોશિંગ મશીન છે કે, આખો ભ્રષ્ટાચારી માણસ સાફ થઇ જાય છે
- રાહુલ ગાંધીએ રાયબરેલીથી નામાંકન ભર્યું છે. આ મામલે તેમણે જણાવ્યું કે, આ સીટ માટે સોનિયા ગાંધીને અમે જ વિનંતી કરી હતી. આ રાજીવ ગાંધીના સમયની સીટ હતી. ભાજપ સરકાર પર કટાક્ષ કરતાં તમણે કહ્યું કે, ગાંધીનગર છોડીને વડાપ્રધાન મોદી વારાણસી કેમ ગયા તેનો જવાબ આપે.