નવી દિલ્હીઃ વક્ફ બોર્ડને લઈને દેશભરમાં ચાલી રહેલા ઘમાસાણ વચ્ચે વધુ એક ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. વક્ફ બોર્ડે રાષ્ટ્રીય રાજધાનીના છ મંદિરો પર પોતાનો દાવો કર્યો છે. દિલ્હી લઘુમતી પંચે તેના ફેક્ટ ફાઈન્ડિંગ રિપોર્ટમાં દાવો કર્યો છે કે અહીં વક્ફ બોર્ડની જમીન પર 6 મંદિરો બનાવવામાં આવ્યા છે. જો કે, આ મંદિરોના વહીવટીતંત્રે આ દાવાઓને નકારી કાઢ્યા છે.
વક્ફ બોર્ડે જે રિપોર્ટમાં દિલ્હીના 6 મંદિરો પર આ ખુલાસો કર્યો છે તે વર્ષ 2019માં આવ્યો હતો. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે દિલ્હીના ઘણા મંદિરો વક્ફ બોર્ડની જમીન પર બનેલા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તમામ મંદિરો વક્ફ બોર્ડની રચના પહેલા અસ્તિત્વમાં હતા.
બિહારના ગામ પર પણ દાવો કર્યો
આપને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે, જ્યારે વક્ફ બોર્ડે હિંદુ જમીન પર પોતાનો દાવો રજૂ કર્યો હોય. આ અગાઉ, બિહારમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં વક્ફ બોર્ડે 90 ટકા હિંદુ વસ્તીવાળા આખા ગામ પર પોતાનો દાવો કર્યો હતો અને પટનાથી 30 કિલોમીટર દૂર આવેલા ગોવિંદપુર ગામને પોતાનું હોવાનો દાવો કર્યો હતો. અહીંની કુલ વસ્તી 5 હજાર છે અને તેમાંથી 95 ટકા હિંદુ સમુદાયની છે.
વકફ બોર્ડની કેટલી જમીન છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશભરમાં વક્ફ પાસે 2006માં પ્રોપર્ટી 1.2 લાખ એકરની સંપત્તી હતી, જે 2009માં વધીને 4 લાખ એકર થઈ ગઈ. જ્યારે 2024 માં આ મિલકત વધીને 9.4 લાખ એકર થઈ ગઈ છે.
વક્ફ બોર્ડમાં સુધારો
તાજેતરમાં, મોદી સરકાર દ્વારા વક્ફ બોર્ડ સંબંધિત બે સંશોધન બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેને ગૃહમાં ચર્ચા કર્યા પછી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવામાં આવ્યા હતા. બિલને લઈને અત્યાર સુધીમાં ચાર જેપીસીની બેઠકો થઈ ચૂકી છે.
દરમિયાન, જેપીસીએ ઈમેલ અને લેખિત પત્ર દ્વારા વકફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ 2024 પર સામાન્ય લોકો પાસેથી સૂચનો પણ માંગ્યા હતા. કમિટીના સત્તાવાર સ્ત્રોત અનુસાર, 18 સપ્ટેમ્બર, 2024 સુધી, સમિતિને વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ પર 91,78,419 ઈ-મેઈલ મળ્યા હતા.