નવી દિલ્હી : કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચા ઘણા સમયથી ચાલી રહી હતી. આ ચર્ચાએ જોર પકડ્યું જ્યારે બુધવારે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યા. બંને રેસલર્સ અને રાહુલ ગાંધી વચ્ચેની મુલાકાતની તસવીરો સામે આવી છે. તસવીરમાં કુસ્તીબાજ બજરંગ પુનિયા અને કુસ્તીબાજ વિનેશ ફોગાટ રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા હતા.
વિનેશ-બજરંગ કોંગ્રેસમાં જોડાશે : વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા આજે કોંગ્રેસમાં જોડાશે. આ અંગે વધુ માહિતી આપતા હરિયાણા કોંગ્રેસના પ્રવક્તા કેવલ ઢીંગરાએ જણાવ્યું હતું કે, "આજે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને કોંગ્રેસમાં જોડાશે.પક્ષનું કેન્દ્રીય નેતૃત્વ નક્કી કરશે કે, જીતવાની સંભાવના જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને તેઓ ચૂંટણી લડશે કે કેમ."
#WATCH | Chandigarh: Haryana Congress Spokesperson Kewal Dhingra says, " today they (bajrang punia and vinesh phogat) will be joining congress at the residence of congress president mallikarjun kharge. the central and state leadership of bjp stood with brij bhushan sharan singh.… pic.twitter.com/Olf4RUyb31
— ANI (@ANI) September 6, 2024
કઈ બેઠક પર ટિકિટ મળશે ? એવા અહેવાલ છે કે, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ કોંગ્રેસમાં જોડાશે, આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે હાજર રહેશે. એવા સમાચાર છે કે કોંગ્રેસ વિનેશ ફોગટને ચરખી દાદરી અથવા જુલાનાથી ઉમેદવાર બનાવી શકે છે. જ્યારે કોંગ્રેસ બજરંગ પુનિયાને બાદલીથી ટિકિટ આપી શકે છે. એવા પણ સમાચાર છે કે, કોંગ્રેસ સોનીપત જિલ્લામાં એક સીટ બજરંગને આપી શકે છે.
કુસ્તીબાજો કોંગ્રેસમાં જોડાવાની ચર્ચા : પેરિસ ઓલિમ્પિકમાં વજનના વિવાદ બાદ વિનેશ ફોગાટે નિવૃત્તિની જાહેરાત કરી, ત્યારે કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર સિંહ હુડ્ડા તેની સાથે જોવા મળ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ પણ કહ્યું હતું કે, જો તેમની પાસે પૂરતી સંખ્યા હોત તો તેઓ વિનેશ ફોગટને રાજ્યસભામાં મોકલી દેતા. સંખ્યાના અભાવને કારણે કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે કોઈ ઉમેદવાર ઉભા રાખ્યા નથી.
હરિયાણામાં 5 ઓક્ટોબરે મતદાન : હવે હરિયાણા વિધાનસભા ચૂંટણી લડાઈમાં બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટને કોંગ્રેસ મેદાનમાં ઉતારશે. તમને જણાવી દઈએ કે હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 5 ઓક્ટોબરના રોજ મતદાન થશે. જેનું પરિણામ 8 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.