લખનઉ : દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સભ્ય સ્વાતિ માલીવાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવકુમાર પર મારપીટનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પાર્ટીએ સ્પષ્ટતા આપી અને કહ્યું કે, વિભવકુમાર વિરુદ્ધ ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે.
બુધવારે મોડી રાત્રે લખનઉમાં ઈન્ડિયા ગઠબંધનના સમર્થનમાં પ્રેસ કોન્ફરન્સ કરવા માટે અરવિંદ કેજરીવાલ લખનઉ એરપોર્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન વિભવકુમાર પણ અરવિંદ કેજરીવાલ સાથે જોવા મળ્યા હતા, જેના કારણે ફરી એકવાર તેમના પર રાજકારણ ગરમાયું છે.
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના પીએ વિભવકુમાર લખનઉ આવ્યા ત્યારે વિવાદ ફરી વિવાદ શરૂ થયો. ત્યારબાદ આમ આદમી પાર્ટીના ઉત્તરપ્રદેશ પ્રભારી અને રાજ્યસભાના સભ્ય સંજયસિંહ આગળ આવ્યા અને આ સમગ્ર મામલામાં પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
આ સંદર્ભમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજયસિંહે જણાવ્યું હતું કે, પાર્ટી તેમના સંબંધમાં પહેલાથી જ પોતાનું સત્તાવાર વલણ રજૂ કરી ચૂકી છે. પહેલા એ જણાવો કે સ્વાતિ માલીવાલ પર ભાજપે શું કર્યું છે. સંજયસિંહે સ્પષ્ટ કહ્યું કે, સ્વાતિ માલીવાલ સાથે બનેલી ઘટના અંગે પાર્ટી પહેલા જ પોતાની સ્પષ્ટતા આપી ચૂકી છે. પરંતુ મણિપુરના મુદ્દે વડાપ્રધાન મૌન કેમ છે.
સમાજવાદી પાર્ટીના કાર્યાલયમાં ઈન્ડીયા ગઠબંધનની પ્રેસ કોન્ફરન્સ બાદ સંજયસિંહે વિભવકુમારને લઈને મીડિયાના સવાલોના જવાબ આપતા કહ્યું કે, સ્વાતિ માલીવાલ મહિલા કુસ્તીબાજોના મુદ્દે દિલ્હીમાં વિરોધ સ્થળ પર પહોંચી હતી. જ્યારે સ્વાતિ માલીવાલ ન્યાય મેળવવા માટે કુસ્તીબાજોને સમર્થન આપી રહી હતી, ત્યારે તેમની સાથે જે રીતે ગેરવર્તન કરવામાં આવ્યું હતું તેના પર ભાજપ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી હતી, પહેલા તેમણે આનો જવાબ આપવો જોઈએ.