મથુરાઃ યુપીના મથુરાના ફરાહ પોલીસ સ્ટેશન વિસ્તારના મહુઆન ગામમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. એક યુવતી 3 દિવસથી તેની યુવતી મિત્રના મૃતદેહ સાથે રહેતી હતી. તે દિવસભર તેણીના મૃતદેહ સાથે રૂમમાં રહેતી અને દુર્ગંધ દૂર કરવા માટે અત્તરનો છંટકાવ કરતી હતી.
જ્યારે પડોશીઓ દુર્ગંધ આવવા લાગી ત્યારે પડોશીઓને શંકા જતા તેમણે આ અંગે પોલીસને જાણ કરી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડી મૃતદેહને બહાર કાઢ્યો હતો. મહિલા ગંગા દેવીએ તેના પતિ પાસેથી છૂટાછેડા લીધા હતા. તે તેની મહિલા મિત્ર હેમાના ઘરે રહેતી હતી. હેમાનું કહેવું છે કે, ગંગાએ આત્મહત્યા કરી લીધી છે.
એસપી સિટી ડૉ. અરવિંદ કુમારે જણાવ્યું કે, મહુઆન ગામ ફરાહ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. ગ્રામજનો દ્વારા જાણ કરવામાં આવી હતી કે એક ઘર છે જેમાંથી દુર્ગંધ આવે છે. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસને ઘરમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
મૃતક મહિલા પરિવારથી દૂર તેની મહિલા મિત્ર સાથે રહેતી હતી. તેણે છૂટાછેડા લીધા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ અને પુરાવા એકત્ર કર્યા બાદ જે પણ હકીકત સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે વારાણસીમાં તાજેતરમાં જ આવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બે દીકરીઓએ પોતાની માતાના મૃતદેહને 1 વર્ષથી વધુ સમય સુધી ઘરમાં બંધ રાખ્યો હતો. જેમાં આ બંને દીકરીઓ રોજીંદુ જીવન જીવતી અને માતાના મૃતદેહને બધુ પુછી પુછીને કરતી હતી. પાડોશીઓ પુછતા ત્યારે દીકરીઓ માની તબિયત સારી નથી તેથી ઘરની બહાર નથી આવતી તેવું કહી દેતી હતી.