હૈદરાબાદ: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અનેક રાજ્યોમાં ઘણા મોટા કિસ્સાઓ સામે આવ્યા છે. આ દરેક ઘટનાઓમાં ભારતીય તપાસ એજન્સીઓ દ્વારા રાજ્યોની અલગ અલગ કોર્ટમાં ખૂબ લાંબા પેજની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. ભારતમાં સૌથી વધુ ચર્ચિત કેસોમાં ગુજરાતનો રાજકોટ TRP ગેમઝોન હત્યાકાંડ બીજા નંબરે આવે છે. જેમાં 1 લાખ પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે.
ભારતીય તપાસ એજન્સીઓની ચાર્જશીટ: ભારતમાં તમિલનાડુ, દિલ્હી, ગુજરાત, હૈદરાબાદ, મુંબઈ, મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોની તાપસ એજન્સીઓ જેમ કે ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW), એન્ટિ ટેરેરીઝમ સ્કોવડ (ATS), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (GSSSB), સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેશન (CCS), દિલ્હી જલ બોર્ડ (DJB) વગેરે તપાસ એજન્સીઓ દ્વારા બહુ ગંભીર કેસોમાં આરોપીઑ વિરુદ્ધ ખૂબ લાંબી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. જેમાં તમિલનાડુની કોર્ટે 15 લાખ પાનાંની ચાર્જશીટ ફાઇલ કરી હતી.
ETV Bharat ના RKC વિભાગના સિનિયર અધિકારી રમેશજી દ્વારા કરવામાં આવેલ રિસર્ચમાં ભારતમાં અત્યાર સુધી કયા રાજ્યોમાં સૌથી વધુ કેટલા પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે, તેની સંપૂર્ણ વિગતો નીચે મુજબ આપવામાં આવી છે.
1. સાલેમ (તમિલનાડુ) કેસ: તારીખ 03/10/2023 ના રોજ ઇકોનોમિક ઓફેન્સ વિંગ (EOW) પોલીસે છેતરપિંડીના કેસમાં કોર્ટમાં 15 લાખ પાનાની ચાર્જશીટ દાખલ કરી. વિનસ્ટાર ઈન્ડિયા નામની સાલેમ સ્થિત કંપનીએ ઊંચા વ્યાજનું વચન આપીને થાપણદારો પાસેથી કરોડો રૂપિયા એકત્ર કર્યા હતા. પરંતુ તેણે તેના રોકાણકારોને પૈસા ચૂકવ્યા ન હતા. જેમાં 29 આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી.
2. રાજકોટમાં TRP ગેમિંગઝોન અગ્નિકાંડ: 24/6/2024 ના રોજ રાજકોટ સિટી પોલીસે બુધવારે રાજકોટમાં TRP ગેમિંગ ઝોન ફાયર કેસમાં રાજકોટના ચીફ ફાયર ઓફિસર ઇલેશ ખેર, ટાઉન પ્લાનર એમડી સાગઠીયા અને પાંચ ગેમિંગ ઝોનના માલિકો સહિત 15 આરોપીઓ સામે 1,00,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટના તેમની બેદરકારીના કારણે બની હતી. આ ઘટનાને ગુજરાત હાઈકોર્ટે "મેન મેડ ડિઝાસ્ટર" ગણાવી છે. જેમાં આ અગ્નિકાંડમાં 33 લોકો બળીને ખાક થાય હતા.
3. ભૂષણ સ્ટીલ કેસ: તારીખ 11/07/2019 ના રોજ SFIO (સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ) એ ભૂષણ સ્ટીલ કેસમાં 70,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં તપાસ એજન્સીએ શોધી કાઢ્યું છે કે, કંપની દ્વારા કોર્પોરેટ માળખાનો મોટો દુરુપયોગ કરવામાં આવ્યો છે, જેથી કરીને આ પ્રક્રિયા માત્ર કાગળ ઉપર જ સીમિત રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂષણ સ્ટીલે લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યું હતું અને રિઝોલ્યુશન પ્રક્રિયાના ભાગરૂપે બેંકોને રૂ. 20,000 કરોડથી વધુનું નુકસાન સહન કરવું પડ્યું હતું.
4. PMC બેંક કૌભાંડ: 27.12.2019 ના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ HDILના પ્રમોટર્સ રાકેશ વાધવાન અને સારંગ વાધવાન સામે કરોડોના પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કોઓપરેટિવ (PMC) બેંક કૌભાંડના સંબંધમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સીસ વિંગ (EOW) એ આ કેસમાં પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. EOW એ રૂ. 6,300 કરોડના છેતરપિંડીના કેસમાં મુંબઈની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં પાંચ લોકો વિરુદ્ધ 32,959 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં બેંક ખાતાધારકો સહિત 340 સાક્ષીઓના નિવેદનો લખવામાં આવ્યા છે.
5. દિલ્હી રમખાણોનો કેસ: તારીખ 16.09.2020 ના રોજ દિલ્હી પોલીસે ઉત્તર-પૂર્વમાં ફાટી નીકળેલા રમખાણોના સંબંધમાં કડક ગેરકાનૂની પ્રવૃત્તિઓ અધિનિયમ (UAPA) અને IPC ની વિવિધ કલમો હેઠળ 15 લોકો વિરુદ્ધ દિલ્હી કોર્ટમાં ફેબ્રુઆરીમાં ચાર્જશીટ દાખલ કરી હતી. 17,500 પાનાની આ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. પોલીસે ચાર્જશીટમાં 747 સાક્ષીઓનો સમાવેશ કર્યો છે. આ ચાર્જશીટમાં ટેકનિકલ પુરાવા, વોટ્સએપ ચેટ્સ અને કોલ ડેટા રેકોર્ડ્સ (સીડીઆર) નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
6. GSSSB ભરતી પરીક્ષા પેપર લીક કેસ: તારીખ 09.03.2022 ના રોજ ગુજરાત પોલીસે ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન (GSSSB) ભરતી પરીક્ષા પેપર લીક કેસમાં 90 દિવસની સમયમર્યાદા પહેલા 9 માર્ચે પ્રાંતિજ કોર્ટમાં 56 આરોપીઓ સામે 14,000 પાનાનો આરોપ દાખલ કર્યો હતો. જે આરોપીઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા તેમને ડિફોલ્ટ જામીન ન મળે તે માટે પત્ર રજૂ કર્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ કેસમાં 33 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 23 ફરાર છે.
7. 26/11 મુંબઈ હુમલો: 25/02/2009ના રોજ મુંબઈ પોલીસે 26/11ના આતંકવાદી હુમલાના કેસમાં 11,000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી, જેમાં વિશેષ સરકારી વકીલ 'ઉજ્જવલ નિકમે' વિશ્વાસ વ્યક્ત કર્યો કે ટ્રાયલ ત્રણથી છ મહિનામાં પૂર્ણ થઈ જશે. સુરક્ષાના કારણોસર આર્થર રોડ જેલની અંદર સ્થાપિત સ્પેશિયલ સેશન્સ કોર્ટ દ્વારા કેસની સુનાવણી કરવામાં આવશે.
8. આ જ ઘટનામાં 16.10.2014 ના રોજ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે 26/11ના કથિત માસ્ટરમાઇન્ડ ઝબીઉદ્દીન અંસારી ઉર્ફે અબુ જુંદાલ વિરુદ્ધ મુંબઈની એસ્પ્લેનેડ કોર્ટમાં 13,000 થી વધુ પૃષ્ઠોમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે અને તેમાં 56 વોલ્યુમ છે. આ સાથે અબુ જુંદાલ આ હુમલાનો પહેલો કથિત ઓપરેટર બની ગયો છે જેની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
9. સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ: 05.03.2021 ના રોજ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ અભિનેતા સુશાંતથી ઉદભવેલા બોલિવૂડ-ડ્રગ્સ માફિયા તપાસ કેસમાં ફિલ્મ અભિનેત્રી રિયા ચક્રવર્તી, તેના ભાઈ શૌક અને અન્ય સહિત 33 આરોપીઓ વિરુદ્ધ લગભગ 12,000 પાનાના દસ્તાવેજો દાખલ કરવામાં આવ્યા હતા.
10. મુંબઈ ટ્રેન બ્લાસ્ટ: તારીખ 30.11.2006 ના રોજ આતંકવાદ વિરોધી ટુકડી (ATS) એ 11 જુલાઈના મુંબઈમાં થયેલ ટ્રેન બ્લાસ્ટ કેસમાં 13 આરોપીઓ સામે 10,000 પાનાની વિશાળ ચાર્જશીટ દાખલ કરી.બોમ્બે હાઈકોર્ટે આ કેસમાં દોષિતોને ખાતરી આપી છે કે તે ટૂંક સમયમાં નક્કી કરશે કે તેમની અપીલની સુનાવણી ક્યારે કરવી, જે નવ વર્ષથી પેન્ડિંગ છે.
11. તારીખ 20.05.2015 ના રોજ રાષ્ટ્રીય તપાસ એજન્સીએ મુંબઈની વિશેષ અદાલતમાં ISISના ભરતી આરિફ મજીદ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી. આ ચાર્જશીટ 8,000 પાનાની બનાવવામાં આવી હતી, જેમાં સાત વોલ્યુમ છે. અધિકારીના જણાવ્યા અનુસાર, ચાર્જશીટમાં સાક્ષીઓના નિવેદનો, ચેટ રૂમમાં આરીફ મજીદની વાતચીત અને તેના મોબાઈલ ફોનના રેકોર્ડનો સમાવેશ થાય છે.
12. દિલ્હી મની-લોન્ડરિંગ કેસ: 28.03.2024 ના રોજ દિલ્હી જલ બોર્ડ (DJB) માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હી જલ બોર્ડ (DJB) માં કથિત અનિયમિતતાઓની મની-લોન્ડરિંગ તપાસના સંબંધમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી છે. જે લગભગ 8,000 પાનાની પ્રોસિક્યુશન ફરિયાદ હતી. જેમાં જોડાણ ઉપરાંત 140 ઓપરેશનલ પૃષ્ઠોનો સમાવેશ થાય છે, આ ફરિયાદ ફેડરલ એજન્સી દ્વારા દિલ્હીની વિશેષ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટ સમક્ષ દાખલ કરવામાં આવી હતી.
13. લખીમપુર ખેરી હિંસા કેસ: 03/01/2022 ના રોજ ઓક્ટોબર 2021ના લખીમપુર ખેરી હિંસા કેસની તપાસ કરતી વિશેષ તપાસ ટીમ (SIT) એ લગભગ 5,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી. આ કેસમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય કુમાર મિશ્રા તેના પુત્ર આશિષ મિશ્રાને આરોપી બનાવવામાં આવ્યો છે.
14. ન્યૂઝક્લિક કેસ: 30/03/2024: દિલ્હી પોલીસની સ્પેશિયલ બ્રાન્ચે તેની પ્રથમ ચાર્જશીટ ફાઇલ કરી, જે લગભગ 8,000 પાનાની છે, જેમાં ન્યૂઝ પોર્ટલના સ્થાપક અને એડિટર-ઇન-ચીફ પુરકાયસ્થ અને PPK ન્યૂઝક્લિક સ્ટુડિયો પ્રાઇવેટ લિમિટેડ, જે પોર્ટલની માલિકી ધરાવે છે તે કંપનીને દોષિત જાહેર કર્યા છે.
15. કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ કેસ: 25.03.2022 ના રોજ હૈદરાબાદ પોલીસના સેન્ટ્રલ ક્રાઈમ સ્ટેશન (CCS) એ કાર્વી સ્ટોક બ્રોકિંગ લિમિટેડ (KSBL) દ્વારા રોકાણકારોને રૂ. 15 કરોડની છેતરપિંડી કરવાના કેસમાં 5,000 પાનાની ચાર્જશીટ દાખલ કરી. આ બીજો કેસ છે જેમાં CCS એ KSBL સામે ચાર્જશીટ દાખલ કરી છે.
16. શ્રદ્ધા વોકર મર્ડર કેસ: 28.05.2024 ના રોજ દિલ્હી પોલીસે આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ કરવા માટે પૂરક ચાર્જશીટ દાખલ કરી છે, જેમાં તેના ઉપર લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યા અને તેના શરીરના ટુકડા કરવાનો આરોપ છે. તેમણે કહ્યું કે, મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અવિરલ શુક્લા સમક્ષ લગભગ 3,000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
17. મોરબી બ્રિજ ધરાશાયી કેસ: 27.01.2023 ના રોજ પોલીસના જણાવ્યા અનુસાર, લગભગ 9 લોકો વિરુદ્ધ 1,262 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. અને પોલીસે મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તો સહિત કુલ 367 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા છે.
18. 23.08.2023 ના રોજ ઓડિશા તકેદારી વિભાગે ભૂતપૂર્વ ભારતીય વન સેવા (IFS) અધિકારી અભય કાંત પાઠક અને તેમના પુત્ર આકાશ સામે રૂ. 14.25 કરોડની અપ્રમાણસર સંપત્તિ (DA) કેસમાં 5000 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.
ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી સૌથી ચર્ચિત કેસ અને તે અંગેની સૌથી લાંબી ચાર્જશીટ અંગેની વિગતો નીચે દર્શાવવામાં આવી છે. જેમાં સૌથી વધુ પાનાની ચાર્જશીટ 2 મહિના પહેલા ઘટિત રાજકોટ અગ્નિકાંડની ફાઇલ કરવામાં આવી છે.
1. ગોધરા ઘટના કેસ: SIT ફર્સ્ટ ક્લાસ રેલવે મેજિસ્ટ્રેટ પી.કે. જોશી સમક્ષ 500 થી વધુ પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં જણાવાયું છે કે, સાબરમતી એક્સપ્રેસના S-6 કોચ પર લગભગ 1540 અજાણ્યા લોકોના ટોળા દ્વારા ગોધરા રેલવે સ્ટેશન નજીક હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 59 લોકો માર્યા ગયા હતા.
2. બેસ્ટ બેકરી વડોદરા કેસઃ 25 જૂન 2002ના રોજ 21 આરોપીઓ સામે 1,100 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ આરોપોમાં રમખાણ, હત્યા અને હત્યાના પ્રયાસનો સમાવેશ આવ્યો હતો.
3. તક્ષશિલા આગનો મામલોઃ સુરતના સરથાણા વિસ્તારમાં 24મી મેના રોજ તક્ષશિલા આર્કેડના ઉપરના માળે આગ લાગી હતી અને તેનાથી બચવા માટે ઘણા વિદ્યાર્થીઓ બિલ્ડીંગ પરથી કૂદી પડ્યા હતા. જેમાં કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના 22 વિદ્યાર્થીઓના મોત થયા હતા. કમર્શિયલ કોમ્પ્લેક્સમાં આગના બે મહિના પછી, પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. 270 થી વધુ સાક્ષીઓના નિવેદનો સાથે 4,271 પાનાની ચાર્જશીટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સીજે રાઠોડની કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
આ દરેક કેસ અને ઘટના ઘણા વર્ષો પહેલા બનાઈ હતી, જેની રાજ્યોની કોર્ટે છેલ્લા 6 વર્ષોમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. ઉપર દર્શાવેલ ઘટનાઓ અંગે ભારતમાં સૌથી વધુ પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં પહેલા નંબરે તમિલનાડુ કેસમાં 15 લાખની પેજની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી અને બીજા નંબરે ગુજરાતમાં બનેલ રાજકોટ હત્યાકાંડ જેમાં 1 લાખ પેજની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી.