રાજસ્થાન : નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામનું (JEE MAIN 2024) પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષા આપનાર કુલ કેન્ડીડેટમાંથી 17.68 ટકા એટલે કે 2,50,284 વિદ્યાર્થીઓને જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ એડવાન્સ્ડ (JEE MAIN Advanced) માટે ક્વોલિફાય જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામનું એનાલીસીસ કરતા જાણવા મળ્યું કે પરિણામ સાથે જાહેર કરેલી યાદીમાં 100 પર્સન્ટાઈલ માર્કસ મેળવનાર 56 વિદ્યાર્થી છે, જેમાં બે છોકરીઓનો પણ સમાવેશ થાય છે.
મહિલા ટોપર્સ : શિક્ષણ નિષ્ણાંત દેવ શર્માએ જણાવ્યું કે, જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામ 2024 ના જાન્યુઆરીના પ્રયાસમાં એક પણ વિદ્યાર્થિની 100 પર્સન્ટાઇલ ગ્રુપમાં સામેલ નથી. જ્યારે જાન્યુઆરી એટેમ્પ્ટમાં આ યાદીમાં 23 કેન્ડીડેટ હતા. આ વર્ષે એપ્રિલના એટેમ્પટમાં 33 કેન્ડિડેટ 100 પર્સેન્ટાઈલ લઈ આવ્યા છે, કર્ણાટકની સાન્યા જૈન અને દિલ્હીની સનાયા સિન્હા તેમાં સામેલ છે.
કુલ પરીક્ષાર્થીઓની સંખ્યા : વર્ષ 2024માં પરીક્ષા આપનાર મહિલા ઉમેદવારોની સંખ્યા 4.30 લાખ છે, જ્યારે પુરુષ ઉમેદવારોની સંખ્યા બમણા કરતાં પણ વધુ એટલે કે લગભગ 9.85 લાખ છે. પરિણામમાં 54 પુરુષ ઉમેદવારો 100 પર્સેન્ટાઇલ ક્લબમાં સામેલ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ ઓલ ઇન્ડિયા રેન્ક સીધો જાહેર કર્યો નથી. વિદ્યાર્થીઓનો રેન્ક પરિણામની સાથે તેમના સ્કોર કાર્ડમાં જાહેર કરવામાં આવ્યો છે, જેને સાર્વજનિક કરવામાં આવ્યો નથી.
- 100 પરસેન્ટાઇલ ક્લબમાં 56 વિદ્યાર્થી
તેલંગાણાના કેન્ડિડેટ અવ્વલ : JEE MAIN 2024 ના પરિણામ અનુસાર જો 100 પર્સેન્ટાઈલ મેળવનાર કેન્ડિડેટની સંખ્યા ધરાવતા રાજ્યોની ગણતરી કરવામાં આવે તો સૌથી વધુ 15 વિદ્યાર્થીઓ તેલંગાણાના છે. ટોપર્સ આપનાર વિદ્યાર્થીઓમાં તેલંગાણા સૌથી આગળ રહ્યું છે. વર્ષ 2023 ની પરીક્ષાના પરિણામમાં પણ તેલંગાણામાંથી 11 ટોપર વિદ્યાર્થી હતા. આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર બીજા સ્થાને છે, જ્યાંથી 7-7 કેન્ડિડેટોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. આ યાદીમાં 6 ઉમેદવારો સાથે દિલ્હી ત્રીજા સ્થાને છે.
અન્ય રાજ્યોની સ્થિતિ : રાજસ્થાન બીજા સ્થાનથી ચોથા સ્થાને સરકી ગયું છે, જોકે ટોપર કેન્ડિડેટની સંખ્યામાં કોઈ ફરક પડ્યો નથી. ગત વર્ષે રાજસ્થાનના પાંચ ટોપર્સ હતા, આ વર્ષે પણ પાંચ ટોપર છે. કર્ણાટકમાંથી ત્રણ કેન્ડિડેટ તથા ગુજરાત, તામિલનાડુ, હરિયાણા અને પંજાબમાંથી બે-બે વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ચંદીગઢ અને ઝારખંડમાંથી એક-એક સ્ટેટ ટોપર છે.
NTA સત્તાવાર યાદી : નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 79 કેન્ડિડેટની યાદી બહાર પાડી છે, જેમને સ્ટેટ ટોપર્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. દેશના 28 રાજ્યો, 8 કેન્દ્રશાસિત પ્રદેશ અને ભારતની બહારના વિદેશી પરીક્ષા કેન્દ્રોનો આઉટ ઓફ ઇન્ડિયા તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. જે અનુસાર 37 રાજ્યોના ટોપર્સમાં 79 વિદ્યાર્થીઓ છે. જ્યારે આ યાદીમાં ફક્ત 15 રાજ્યોમાંથી 56 ઉમેદવાર એવા છે જેમણે 100 પર્સેન્ટાઈલ મેળવ્યો છે.
આ રાજ્યોના એકપણ ટોપર નહીં અરુણાચલ પ્રદેશ, આસામ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, ગોવા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તરાખંડ, લદ્દાખ, લક્ષદ્વીપ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, પોંડિચેરી, સિક્કિમ, ત્રિપુરા અને ભારત બહારના દેશોમાં પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓ પણ 100 પર્સન્ટાઈલ મેળવી શક્યા નથી.
મહારાષ્ટ્ર અને દિલ્હીએ માર્યો જંપ : ગત વર્ષે ઉત્તરપ્રદેશના ચાર વિદ્યાર્થીઓએ 100 પર્સેન્ટાઇલ મેળવ્યો હતો, આ વર્ષે સંખ્યા ઘટીને માત્ર એક રહી છે. મહારાષ્ટ્રમાંથી ગત વર્ષે 100 પર્સેન્ટાઈલ મેળવનાર બે કેન્ડીડેટ હતા, જે સંખ્યા આ વર્ષે સાત પર પહોંચી ગઈ છે. આ રીતે જ ગત વર્ષે દિલ્હીમાં માત્ર બે કેન્ડીડેટ હતા, આ વર્ષે છ વિદ્યાર્થી ટોપર્સની યાદીમાં છે.
કોઈની એન્ટ્રી-કોઈ આઉટ : ગત વર્ષે 100 પર્સેન્ટાઈલ મેળવનાર કેન્ડીડેટની યાદીમાં પંજાબમાંથી એક પણ કેન્ડીડેટ નહોતો, જ્યારે આ વખતે બે કેન્ડીડેટનો સમાવેશ થયો છે. ગત વર્ષે આ યાદીમાં સામેલ પશ્ચિમ બંગાળ, કેરળ, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાંથી એક પણ સ્ટેટ ટોપર આ વર્ષના 100 પર્સન્ટાઈલ ક્લબમાં સ્થાન મેળવી શક્યા નથી.
કેટેગરી વાઈઝ ટોપર્સ : જો કેટેગરી વાઈઝ ટોપર્સ વિશે વાત કરીએ તો મહિલા કેટેગરીમાં 2 ટોપર્સ 100 પર્સન્ટાઈલ ધરાવે છે. સ્ટેટ ટોપર્સની યાદીમાં માત્ર દિલ્હી અને કર્ણાટકની મહિલા કેન્ડીડેટ જ સ્થાન મેળવી શક્યા છે. આ સિવાય જનરલ કેટેગરીમાં ટોપર્સની સંખ્યા 40, EWS કેટેગરીમાં 6, OBC ના 10 કેન્ડીડેટ 100 પર્સન્ટાઈલ ક્લબમાં સામેલ છે. જ્યારે SC અને ST કેટેગરીમાંથી એક પણ કેન્ડીડેટ 100 પર્સન્ટાઈલ મેળવી શક્યા નથી, બંને ટોપર્સ 99.99 પર્સન્ટાઇલ સાથે છે.
સ્ટેટ અને કેન્દ્રશાસિત પ્રદેશ વાઈઝ ટોપર્સ : 100 પર્સન્ટાઈલ કલ્બમાં તેલંગાણાના 15, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રના 7-7, દિલ્હીના 6, રાજસ્થાનના 5, કર્ણાટકના 3 કેન્ડીડેટે સ્થાન મેળવ્યું છે. જ્યારે ગુજરાત, હરિયાણા, તમિલનાડુ અને પંજાબમાંથી 2-2 તથા ઉત્તરપ્રદેશ, ચંદીગઢ, બિહાર, ઝારખંડ અને આઉટ ઓફ ઈન્ડિયાના 1-1 કેન્ડીડેટ સામેલ છે.