તમિલનાડુ : ડિંડીગુલ જિલ્લાની એક પ્રસિદ્ધ ખાનગી હોસ્પિટલમાં લાગેલી આગમાં એક માસૂમ બાળક સહિત સાત લોકોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ગુરુવારે રાત્રે ડિંડીગુલ-ત્રિચી રોડ પર સ્થિત એક પ્રખ્યાત ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી.
તમિલનાડુની ખાનગી હોસ્પિટલમાં આગ : તમિલનાડુના ડિંડીગુલ જિલ્લાની એક ખાનગી હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે આગ લાગી હતી. આ અંગે માહિતી મળતા જ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા. તેમજ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આગ ઓલવવા માટે ચારથી વધુ ફાયર ફાયટરની ગાડી તૈનાત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
ત્રણ મહિલાઓ સહિત સાત લોકોના મૃત્યુ : પ્રારંભિક અહેવાલ અનુસાર આગની દુર્ઘટનામાં એક બાળક, ત્રણ પુરૂષો અને ત્રણ મહિલાઓ સહિત સાત લોકોના મૃત્યુ થયા છે. સાથે જ અન્ય કેટલાકને ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્ય પણ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આગ અકસ્માતનું કારણ હજુ જાણવા મળ્યુ નથી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.
બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી : આ હોસ્પિટલમાં અસ્થિભંગની સારવાર કરવામાં આવે છે. અહીં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં લઈ જવા માટે દસથી વધુ એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય ફાયર વિભાગ, સામાન્ય લોકો, પોલીસ અને ડોક્ટર્સ લિફ્ટમાં ફસાયેલા લોકોને બચાવવામાં અને ડિંડીગુલ સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોકલવામાં વ્યસ્ત છે.