નવી દિલ્હી : દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ કરાયેલા મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલની વચગાળાના જામીન 1 જૂનના રોજ પૂરા થઈ રહ્યા છે. હવે 2 જૂને સીએમ કેજરીવાલને ફરી તિહાર જેલમાં જવું પડશે. જોકે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારના રોજ પોતાની તબિયતના કારણોસર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તાત્કાલિક વિચારણા કરવા અપીલ કરવામાં આવી હતી.
જામીનની મુદત વધારવા અરજી : મંગળવારના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલના વચગાળાના જામીન લંબાવવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ ફરી અરવિંદ કેજરીવાલ તરફથી વચગાળાના જામીનની મુદત વધારવા માટે અરજી કરવામાં આવી હતી. પરંતુ આજે બુધવારના રોજ સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન લંબાવવા માટે રજિસ્ટ્રારની અરજી સ્વીકારી ન હતી. તેમની અરજી ફગાવી દેવામાં આવી છે. હવે આ અંગે મુખ્ય ન્યાયાધીશ નિર્ણય કરશે.
સીએમ કેજરીવાલનું 7 કિલો વજન ઘટ્યું : મળતી માહિતી મુજબ ધરપકડ બાદ કેજરીવાલનું વજન 7 કિલો ઘટી ગયું છે. કેજરીવાલનું કીટોન લેવલ ઘણું ઊંચું છે. આ કોઈ ગંભીર રોગનું લક્ષણ હોઈ શકે છે. મેક્સના ડોકટરોએ કેજરીવાલને PET-CT સ્કેન અને અનેક ટેસ્ટ કરાવવાની જરૂરિયાત જણાવી છે. કેજરીવાલે તપાસ માટે 7 દિવસનો સમય માંગ્યો છે.
1 જૂને જામીન પૂર્ણ : તમને જણાવી દઈએ કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધીના વચગાળાના જામીન મળ્યા હતા, બાદમાં તેમને 2 જૂને તિહાર જેલમાં જવું પડશે. કેજરીવાલ હાલમાં ચૂંટણી પ્રચાર માટે પંજાબમાં છે અને 30 મેની રાત્રે દિલ્હી પરત ફરશે.