નવી દિલ્હી: અદાણી-હિંડનબર્ગ કેસમાં ચુકાદાની સમીક્ષાની માંગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે સોમવારે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, 3 જાન્યુઆરીના નિર્ણય અંગેના રેકોર્ડમાં કોઈ ભૂલ નથી. આ મામલામાં 3 જાન્યુઆરીએ આપેલા નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રૂપ દ્વારા શેરના ભાવની હેરાફેરીના આરોપોની તપાસ SIT અથવા CBIને ટ્રાન્સફર કરવાનો ઈનકાર કર્યો હતો.
અરજદારે રિવ્યુ પિટિશનમાં દલીલ કરી હતી કે જ્યાં સુધી સેબીની તપાસના તારણો સાર્વજનિક રીતે જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી કોઈ નિયમનકારી નિષ્ફળતા ન હોવાનું તારણ કાઢી શકાય નહીં. સર્વોચ્ચ અદાલતે 8 મેના રોજ પસાર કરાયેલા અને તાજેતરમાં અપલોડ કરાયેલા આદેશમાં જણાવ્યું હતું કે, 'રિવ્યુ પિટિશનનો અભ્યાસ કર્યા પછી, રેકોર્ડ પર કોઈ ભૂલ દેખાતી નથી. સુપ્રીમ કોર્ટના નિયમો, 2013 ના ઓર્ડર XLVII નિયમ 1 હેઠળ સમીક્ષા માટે કોઈ કેસ નથી. તેથી રિવ્યુ પિટિશન ફગાવી દેવામાં આવે છે.
અરજદારે દલીલ કરી હતી કે પર્યાપ્ત કારણો છે જેના માટે સુપ્રીમ કોર્ટ દ્વારા 3 જાન્યુઆરીએ આપેલા આદેશની સમીક્ષા કરવાની જરૂર છે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે આદેશમાં સ્પષ્ટ ભૂલો છે અને સેબીની નિયમનકારી નિષ્ફળતાઓને અવગણવામાં આવી છે. અરજીમાં દલીલ કરવામાં આવી હતી કે સેબીએ આરોપો બાદ હાથ ધરાયેલી 24 તપાસની સ્થિતિ વિશે કોર્ટને અપડેટ કર્યું હતું, પરંતુ તારણો અથવા પગલાંની વિગતો જાહેર કરવામાં આવી ન હતી.
સર્વોચ્ચ અદાલતે 3 જાન્યુઆરીએ કહ્યું હતું કે સેબીએ અદાણી જૂથ પર લાગેલા આરોપોની 24માંથી 22 તપાસ પૂર્ણ કરી છે. કોર્ટ સમક્ષ સેબીનું પ્રતિનિધિત્વ કરનારા સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા આપવામાં આવેલી ખાતરી પર સર્વોચ્ચ અદાલતે બજાર નિયમનકારને 2 પેન્ડિંગ તપાસને પ્રાધાન્યરૂપે ત્રણ મહિનામાં ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. જાન્યુઆરી 2023 માં, યુએસ સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચએ અદાણી જૂથ પર છેતરપિંડી અને શેરના ભાવમાં હેરાફેરીનો આરોપ મૂક્યો હતો.