નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે NEET પરીક્ષા 2024માં કથિત ગેરરીતીના કેસની સુનાવણી કરી છે. આ દરમિયાન કોર્ટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) પાસેથી જવાબ માંગ્યો હતો. સર્વોચ્ચ અદાલતે કૌભાંડની તપાસ માટે અરજી પર NTA અને કેન્દ્રને નોટિસ જારી કરી હતી. કોર્ટે ટિપ્પણી કરી હતી કે અનિયમિતતાની ફરિયાદો પર ધ્યાન આપવું જરૂરી છે કારણ કે આ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલો મામલો છે. કોર્ટ અપેક્ષા રાખે છે કે NTA યોગ્ય સમયે યોગ્ય પગલાં લેશે.
અરજીકર્તા વતી માંગ કરવામાં આવી હતી કે NTA દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી કાર્યવાહીની માહિતી આપવી જોઈએ. તેના પર કોર્ટે કહ્યું કે આ માંગણીઓ પર 8 જુલાઈએ વિચાર કરવામાં આવશે. આ કેસની આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે. સર્વોચ્ચ અદાલતની બેન્ચે કહ્યું કે કોઈની તરફથી સહેજ પણ બેદરકારી પર સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પ્રક્રિયા રોકવાની અરજીકર્તાઓની માંગને ફગાવી દીધી હતી. NEET પરીક્ષા 2024માં કથિત ગેરરીતીને લઈને સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે NEET પરીક્ષા 2024ને રદ્દ કરવાની અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધની માગણી કરતી અરજીઓ પર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને નોટિસ પાઠવી હતી. અરજીમાં NEET પરીક્ષા 2024માં થયેલા કથિત ગોટાળાની તપાસ SIT દ્વારા કરાવવાની માંગ કરવામાં આવી હતી.
આ મુદ્દે દેશવ્યાપી આંદોલન ચાલી રહ્યું છે. આજે વિદ્યાર્થીઓએ હૈદરાબાદમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. NEET પરીક્ષા 2024ના પરિણામના વિવાદ સામે વિદ્યાર્થી સંઘ દ્વારા હિમાયત નગરથી એક વિરોધ રેલીનું પણ આયોજન કર્યુ હતું.
રાજીધાની દિલ્હીમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે પ્રદર્શન કરવામાં આવ્યું હતું.