નવી દિલ્હી : કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી આજે 14 ફેબ્રુઆરી, બુધવારે વહેલી સવારે તેમના નિવાસસ્થાનથી રાજસ્થાન રવાના થયાં હતાં અને બપોરે જયપુર પહોંચી ગયાં હતા. જયાં તેમણે ઉમેદવારીપત્ર સુપરત કરી દીધું છે. નોંધનીય છે કે, તેઓ રાજસ્થાનમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે.. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સંસદના ઉપલા ગૃહમાં રાજસ્થાનનું પ્રતિનિધિત્વ કરશે.
સોનિયા ગાંધી નામાંકન ભરશે : રાજ્યસભાની ચૂંટણી 27 ફેબ્રુઆરીએ યોજાવાની છે. વર્ષ 1998 થી 2022 દરમિયાન લગભગ 22 વર્ષ સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહેલા સોનિયા ગાંધી પાંચ વખત લોકસભાના સાંસદ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જયપુરમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતી વખતે તેમના પુત્ર રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેમની સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.
રાયબરેલી બેઠક : રાજસ્થાનમાંથી છેલ્લી વખત રાજ્યસભામાં ચૂંટાયેલા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આ વર્ષે એપ્રિલમાં નિવૃત્ત થવાના છે. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પણ રાજ્યસભાના સભ્ય રહી ચૂક્યા છે. સોનિયા ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીથી વારંવાર લોકસભામાં ચૂંટાયા છે.
રાજ્યસભા ચૂંટણી : આ વર્ષે એપ્રિલ-મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા જ રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ દ્વારા હજુ 15 રાજ્યોની 56 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. ચૂંટણી પંચે ગયા મહિને રાજ્યસભાની 56 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણીનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી છે અને મતદાન 27 ફેબ્રુઆરીએ થશે.