હૈદરાબાદ: ભારતીય શાસ્ત્રીય સંગીતમાં સિતારને ગાતી કરવાનું શ્રેય ઉસ્તાદ વિલાયત ખાંના હિસ્સે જાય છે. ઉસ્તાદ વિલાયત ખાંનો જન્મ 28 ઓગસ્ટ 1928ના રોજ ગૌરીપુર, મૈમનસિંહ તત્કાલીન પૂર્વ બંગાળ કે જે હાલ બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે ત્યાં થયો હતો. બ્રિટિશ ભારતના સમયમાં જન્મેલા ઉસ્તાદ વિલાયત ખાંએ ભારતીય શાસ્ત્રીય સંગીતમાં સિતારના સુરોમાં ગાયકી રજૂ કરીને અદ્દભુત યોગદાન આપ્યું છે. ઈમદાદખાની-ઇટાવા ઘરાનામાં જન્મેલા ઉસ્તાદ તેમના સમયના મહાન સિતારવાદક તરીકે ગણાય છે.
ગાયકી આંગ વિકસાવવાનો શ્રેય ખાં સાહેબને: વિલાયત ખાંને તેમના પિતા, દાદા અને ભાઈ સાથે મળીને સિતાર વગાડવાનો અને ગાયકી અંગ વિકસાવવાનો શ્રેય આપવામાં આવે છે. તેમના દાદા ઈમદાદ ખાન એટલા ઉચ્ચ પ્રતિષ્ઠિત સિતારવાદક હતા કે ઈટાવા ઘરાનાનું નામ તેમના નામ પરથી ઈમદાદખાની ઘરાના રાખવામાં આવ્યું હતું. તેમને તેમના જન્મદિવસે યાદ કરીને કેનેડા સ્થિત ભારતીય સિતારવાદક અને સિતારગુરુ શરનજીત સિંહ માંડ કહે છે કે, "તેઓનો જન્મદિવસ એ સિતારનો ઉત્સવ છે."
વિલાયત ખાન અને સંગીત પ્રેમ: ઉસ્તાદ ઇનાયત હુસૈન ખાંના પુત્ર ઉસ્તાદ વિલાયત ખાંને નાનપણથી જ સંગીતમાં ખૂબ રસ હતો. તેમને ગાયક બનવાની ખૂબ ઈચ્છા હતી. પરતું ઈમદાદખાની-ઇટાવા ઘરાનામાં સિતાર વાદકોનો ઇતિહાસ હોવાથી ત્યાં જન્મેલા ઉસ્તાદ વિલાયત ખાંને ગાવા કરતાં સિતાર શીખવા તેમજ પોતાના ઘરાનાની પરંપરાને સાચવવાની જવાબદારી પર તેમની માતા દ્વારા વધારે ભાર આપવામાં આવ્યો હતો. સંગીત ક્ષેત્રે વિશ્વને વિલાયત ખાં જેવા એક શ્રેષ્ઠ સિતારવાદક મળ્યા એમાં તેમની માતાના અથાક અકથ્ય પરિશ્રમનો પણ મહત્વનો ફાળો છે!
ઉસ્તાદની અનોખી તાલીમ: ઉસ્તાદ વિલાયત ખાં માત્ર આઠ વર્ષના હતા જ્યારે તેમણે મેગાફોન નામક કંપની માટે પ્રથમ વાર રેકોર્ડિંગ કર્યું હતું. તેના બે વર્ષ બાદ તેમના પિતા (ગુરુ)નું અવસાન થયું જેનાથી તેમના જીવનમાં એક મોટી ખોટ ઊભી થઈ હતી એમ તેઓએ કરણ થાપર સાથેના એક વાર્તાલાપમાં જણાવ્યું હતું. પિતાના અવસાન બાદ તેમની માતા, બશીરન બેગમ, કાકા વાહિદ ખાન અને ઝિંદો હુસૈન ખાં અને દાદા બંદે હુસૈન ખાંએ તેમને સિતારની તાલીમ આપી હતી. વાતચીત દરમિયાન ખાને વધુમાં જણાવતા કહ્યું હતું કે, તે દિવસમાં 8-14 કલાકની વચ્ચે કોઈ પણ સમયે તાલીમ લેતા હતા.
ઉસ્તાદ વિલાયત ખાં ભારતીય સંગીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર સિતારવાદક છે. તેઓ તેમના શિમલાના ઘરમાં કલાકો સુધી રિયાઝ કરતા હતા. ઉપરાંત જ્યાં સુધી તેમના દિવસનો નિર્ધારિત રિયાઝ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેઓ ઘરની બહાર ન નીકળતા તેમજ કોઇ પરિવારજનો સાથે પણ વાતચીત ન કરતા.
'ધ સિક્થ સ્ટ્રીંગ ઓફ વિલાયત ખાં': લેખિકા નમિતા દેવીદયાલ કે જેમણે 'ધ સિક્થ સ્ટ્રીંગ ઓફ વિલાયત ખાન' નામનું પુસ્તક લખ્યું છે તેમાં તેમણે વિલાયત ખાંના જીવનના અનેક પ્રસંગો વિષે વિગતે વાત કરી છે. પુસ્તકમાં તેમણે લખ્યું છે કે “વિલાયત ખાને માત્ર સિતાર વગાડી ન હતી પણ તેઓએ સિતાર પાસે ગવડાવ્યું છે."
રવિ શંકર અને વિલાયત ખાનની હરીફાઈ: સિતારવાદક રવિ શંકર અને વિલાયત ખાનની હરીફાઈ વિશે લેખિકાએ જણાવ્યું છે કે, આ વારંવાર કહેવાતી વાર્તા 1952 માં એક કોન્સર્ટ સાથે સંબંધિત છે, જેને ઝંકાર કોન્સર્ટ કહેવામાં આવે છે. દેવીદયાલના પુસ્તક મુજબ, ખાન "રવિ શંકર સાથે હરિફાઇ કરવા સ્ટેજ પર ઉતાર્યા હતા. બે અદ્દભુત સિતારવાદકોની હરિફાઈ વચ્ચે વિલાયત ખાંને ડી ફેક્ટો વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.”
લેખિકા નમિતા દેવીદયાલ જણાવે છે કે, 'ખાનને રવિશંકર માટે ઊંડો આદર અને પ્રેમ હતો અને તેમને એ સમય યાદ હતો જ્યારે રવિ શંકરે વારાણસીમાં તેમના ઘરે ખાં સાહેબને આમંત્રણ આપ્યું હતું અને તેમની સારી રીતે કાળજી લીધી હતી.'
ખાને સિતારમાંથી એક સ્ટ્રિંગ કાઢી નાખી: 'ધ સિક્સ્થ સ્ટ્રિંગ ઑફ વિલાયત ખાં' પુસ્તકમાં જણાવ્યા અનુસાર ખાં સાહેબે કોલકાતાના એક સિતાર કારીગર પાસે સિતારમાં અમુક ફેરફારો કરાવીને સિતારને નવા સ્વરૂપે રિસર્ચ કરીને બનવડાવી હતી. સીતારમાં સાત સૂરો માટે સાત સ્ટ્રિંગ હોય છે. પરતું તેમણે સિતારમાંથી એક સ્ટ્રિંગ કાઢીને છ સ્ટ્રિંગસ ગોઠવી હતી અને એટલે જ એ છ સ્ટ્રિંગ વાળી સિતારને વિલાયતખાની સિતાર તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનાથી તેમણે અદ્દભુત ગાયકી અંગ રજૂ કરીને સૌને સંગીત જગતમાં પોતાની આગવી ઓળખ બનાવી!
બૉલીવુડ ગીતોમાં ઉસ્તાદનું સિતાર સંગીત: ખાં સાહેબે જલસાઘર (1958), ધ ગુરુ (1969), અને કાદંબરી (1976) સહિત અનેક ભારતીય ફિલ્મો માટે સંગીત આપ્યું છે. તેઓએ 2004માં 75 વર્ષની ઉંમરે પોતાનું છેલ્લું પરફોર્મન્સ આપ્યું હતું, અને 13 માર્ચ 2004ના રોજ તેઓનું મુંબઇમાં અવસાન થયું હતું.
ખાને કર્યો પદ્મભૂષણનો અસ્વીકાર: હાલના સમયમાં પુરસ્કારો પાછા આપવાનો ટ્રેન્ડ ચાલે છે પરંતુ સંગીત અને સિતારમાં યોગદાન માટે વિલાયત ખાં સાહેબને અનુક્રમે 1964 અને 1968માં પદ્મશ્રી અને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા, તેમણે અલગ અલગ કારણોસર તેમને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
એવું તો શું કારણ હતું પદ્મભૂષણના અસ્વીકારનો: પછીથી તેમણે જાહેર કર્યું હતું કે, સમિતિ તેમની પ્રતિભાને માપવા માટે સંગીતની દૃષ્ટિએ અક્ષમ છે, તે કોઈ પણ એવો એવોર્ડ સ્વીકારવા માંગતા ન હતા જે અન્ય સંગીતકારને પહેલા મળ્યો હોય અને તેઓ તેમના કરતાં ઉચ્ચ કક્ષાના હોય. ઉપરાંત તેમણે 2000માં પદ્મ વિભૂષણ તેમજ સંગીત નાટક અકાદમીના પુરસસકારને પણ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
સિતાર સમ્રાટ ઉસ્તાદ વિલાયત ખાન: મહાન સંગીતકાર, એક યુગના નિર્માતા, એક સ્વપ્નદ્રષ્ટા ઉસ્તાદ વિલાયત ખાનનું સંગીતના ક્ષેત્રમાં યોગદાન અદ્વિતીય છે. તેમની જાણીતી સિતાર શૈલીને ખૂબ જ આદર સાથે યાદ કરવામાં આવે છે. આધુનિક સિતારના આર્કિટેક્ટ તરીકે તેમને યાદ કરવામાં આવે છે.