રૂદ્રપ્રયાગ (ઉત્તરાખંડ): બદ્રીનાથ હાઈવે પર એક મોટી માર્ગ દુર્ઘટના સર્જાય છે. એક ટેમ્પો ટ્રાવેલર વાહન કાબુ બહાર જઈને અલકનંદા નદીમાં ખાબક્યુ હતું. આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે અને લગભગ 7 લોકો ઘાયલ થયા છે. આ અકસ્માત બદ્રીનાથ હાઈવેના રેંટોલી પાસે થયો હતો. માહિતી મળતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. એસપી ડો. વિશાખા અશોક ભદાનેએ અકસ્માતની પુષ્ટિ કરી છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ પ્રશાસન, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડીડીઆરએફ અને અન્ય ટીમ ઘટનાસ્થળે બચાવ કાર્ય કરી રહી છે.
સીએમ પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સીએમ ધામીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે રુદ્રપ્રયાગમાં ટેમ્પો ટ્રાવેલરના અકસ્માત અંગે ખૂબ જ દર્દનાક સમાચાર મળ્યા છે. સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફની ટીમ રાહત અને બચાવ કામગીરીમાં લાગેલી છે. ઘાયલોને સારવાર માટે નજીકના મેડિકલ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. જિલ્લા મેજિસ્ટ્રેટને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોની આત્માને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને આ અપાર દુઃખ સહન કરવાની શક્તિ આપે.
નોંધનીય છે કે પહાડી વિસ્તારોમાં માર્ગ અકસ્માતો અટકવાનું નામ લઈ રહ્યા નથી. દરરોજ માર્ગ અકસ્માતમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા પૂરજોશમાં ચાલી રહી છે. ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, જેના કારણે રસ્તાઓ પર વાહનોનું દબાણ પણ ખૂબ વધારે છે. ચારધામ યાત્રા માટે પર્વતીય માર્ગોમાંથી પસાર થવું પડે છે, જ્યાં એક ભૂલ પણ ભારી પડી શકે છે.
નોંધનીય છે કે 12 જૂને ઉત્તરકાશીમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર એક પેસેન્જર બસ ખાઈમાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 3 મહિલાઓના મોત થયા હતા અને 24 લોકો ઘાયલ થયા હતા. બસ ખાડામાં ઝાડ પર ફસાઈ ગઈ, જેના કારણે અન્ય લોકોનો જીવ બચી ગયો. ત્યારે 9 જૂનના રોજ નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ ખાતે રાત્રે એક પીકઅપ વાહન ખાડામાં પડી ગયું હતું. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 13 લોકો ઘાયલ થયા હતા. જેની સુશીલા તિવારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.