નવી દિલ્હી : રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી એક્સાઇઝ કૌભાંડના આરોપી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલને તેમના મેડિકલ ચેકઅપ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાવા માટેની અરજી પર તિહાર જેલ પ્રશાસનને નોટિસ પાઠવી છે. આ મામલે આવતીકાલે એટલે કે 15 જૂને સુનાવણી થશે. વેકેશન જજ મુકેશકુમારે કેજરીવાલની નિયમિત જામીન અરજી પર 19 જૂને સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.
કેજરીવાલે દાખલ કરેલ બે અરજી :
આજે સુનાવણી દરમિયાન કેજરીવાલ તરફથી હાજર રહેલા એડવોકેટ એન હરિહરને કહ્યું કે, તેમણે કેજરીવાલની પત્નીને તેમના મેડિકલ ચેકઅપ દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કનેક્ટ રહેવાની મંજૂરી આપવા માટે અરજી દાખલ કરી છે. જ્યારે મેડિકલ બોર્ડ બેસે છે ત્યારે સુનીતા કેજરીવાલ પણ ઇનપુટ આપવા માંગે છે. તેના પર ED તરફથી હાજર રહેલા વકીલ ઝોહેબ હુસૈને કેજરીવાલની અરજીનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો.
ત્યારબાદ કોર્ટે કહ્યું કે, આરોપી ન્યાયિક કસ્ટડીમાં છે અને EDની કસ્ટડીમાં નથી. જો તેમને કોઈ રાહત જોઈતી હોય તો તેમાં ઈડીની કોઈ ભૂમિકા નથી. ત્યારે EDએ કહ્યું કે, અમે જેલ પાસેથી રિપોર્ટ માંગીએ છીએ. જેલ સુપ્રિટેન્ડેન્ટને પૂછવું જોઈએ કે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કનેક્ટ થવામાં શું સમસ્યા છે. ત્યારે કોર્ટે કહ્યું કે અમે જેલ પ્રશાસન પાસેથી જવાબ માંગીશું, પરંતુ આમાં તમારી કોઈ ભૂમિકા નથી.
ત્યારબાદ EDએ કહ્યું કે, કેજરીવાલ જે ખોરાક ખાઈ રહ્યા છે તે અંગે અમે ચિંતિત છીએ. કોર્ટે 22 એપ્રિલે મેડિકલ બોર્ડની રચના કરી હતી. EDએ કહ્યું કે જો અમને જવાબ આપવા માટે સમય આપવામાં આવે તો આસમાન નહીં પડે. અમે એક પક્ષકાર છીએ.
ત્યારબાદ કોર્ટે કહ્યું કે, અમે જેલ પ્રશાસન પાસેથી જવાબ માંગીશું. જે બાદ કોર્ટે તિહાર જેલ પ્રશાસનને આ અરજી પર આવતીકાલે એટલે કે 15મી જૂન સુધીમાં જવાબ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કેજરીવાલની રેગ્યુલર જામીન અરજી પર 19 જૂનના રોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે કોર્ટે અગાઉ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી ફગાવી હતી.