હરિયાણા - અંબાલા : હરિયાણાના અંબાલામાં એક માર્ગ અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી અમૃતસર નેશનલ હાઈવે પર એક મિની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 7 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી એક જ પરિવારના લગભગ 30 લોકો મિની બસમાં માતા વૈષ્ણો દેવી જઈ રહ્યા હતા. અંબાલા પહોંચતા જ તેઓની કાર એક ટ્રક સાથે અથડાઈ હતી.
અંબાલામાં માર્ગ અકસ્માત : આ અક્સમાતમાં બાળકો સહિત 7ના મોત થયાનું કહેવાય છે અને અકસ્માતમાં લગભગ 20 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલ અને અંબાલા છાવણીની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે.
પરિવાર યુપીથી વૈષ્ણોદેવી જઈ રહ્યો હતો : અકસ્માતમાં બચી ગયેલા પરિવારના સભ્યોએ જણાવ્યું કે એક જ પરિવારના લગભગ 30 લોકો મિની બસમાં યુપીના બુલંદશહેરથી વૈષ્ણોદેવી જવા નીકળ્યા હતા. જ્યારે તેમની બસ અંબાલા પહોંચી, ત્યારે તેમની મિની બસની આગળ ચાલતા ટ્રકે અચાનક બ્રેક લગાવી અને તેમની કાર પાછળથી આવતી ટ્રક સાથે અથડાઈ. ટક્કર એટલી જોરદાર હતી કે મિની બસના ટુકડા થઈ ગયા હતા.
ટ્રક ચાલક ફરાર : અકસ્માત એટલો ભયાનક હતો કે પરિવારના 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 4 લોકો હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. તપાસ અધિકારી દિલીપે જણાવ્યું કે આરોપી ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર છે. જેની ટ્રક જપ્ત કરવામાં આવી છે. હાલ ટ્રક ચાલકની શોધખોળ ચાલુ છે. આ સિવાય સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં આ અકસ્માતમાં 7 લોકોએ જીવ ગુમાવ્યા છે. કેટલાકની હાલત ગંભીર છે. જેમને રીફર કરવામાં આવશે.