નવી દિલ્હી : સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં પૈસા જમા ન કરવા બદલ સહારા ગ્રૂપને સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, સહારા ગ્રૂપને પૂરતી તક મળવા છતાં કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. રોકાણકારોના નાણાં પરત કરવા માટે સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી. આ કેસમાં એક દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કેસની આગામી સુનાવણી ગુરુવારે નક્કી કરી છે.
સહારા ગ્રૂપને સુપ્રીમ ફટકાર : જસ્ટિસ સંજીવ ખન્નાની આગેવાની હેઠળ જસ્ટિસ એમએમ સુંદરેશ અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદી સહિત ત્રણ જજોની બેંચે કહ્યું કે, 10 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને સહારા ગ્રુપે કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. સેબી લગભગ 10,000 કરોડ રૂપિયાની માંગ કરી રહી છે. તમારે રકમ જમા કરાવી પડશે. અમે એક અલગ સ્કીમ ઈચ્છીએ છીએ, જેથી પ્રોપર્ટીનું વેચાણ પારદર્શક રીતે થઈ શકે. અમે આ પ્રક્રિયામાં સેબીને પણ સામેલ કરીશું.
સહારા ગ્રુપની દલીલ : સહારા ગ્રુપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ પ્રોપર્ટીના વેચાણ પર પ્રતિબંધના કારણે કોઈ તેને ખરીદવા આગળ નથી આવી રહ્યું. કંપનીને તેની સંપત્તિ વેચવાની તક આપવામાં આવી નથી. ખંડપીઠે કહ્યું હતું કે, 25,000 કરોડ જમા કરાવવાના આદેશ બાદ બાકીના 10,000 કરોડ રૂપિયા જમા કરાવવા માટે સહારા ગ્રુપને તેની સંપત્તિ વેચવા પર કોઈ પ્રતિબંધ નથી. એ કહેવું યોગ્ય નથી કે તમને મિલકત વેચવાની યોગ્ય તક આપવામાં આવી નથી.
બાકી રકમ 10,000 કરોડ : સેબીનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ પ્રતાપ વેણુગોપાલે બેન્ચ સમક્ષ દલીલ કરી હતી. વેણુગોપાલે કહ્યું કે કંપની બાકીની રકમ ક્યારે ચૂકવશે તે અંગે સંપૂર્ણ અસ્પષ્ટતા છે. ખંડપીઠે સહારા ગ્રૂપને રેકોર્ડ પર જણાવવા કહ્યું કે તે રૂ. 10,000 કરોડની બાકીની રકમ કેવી રીતે જમા કરવાનો પ્રસ્તાવ મૂકે છે અને કઈ સંપત્તિ વેચીને આ રકમ જમા કરવામાં આવશે.
સંપત્તિ વેચવા જણાવ્યું : સુપ્રીમ કોર્ટે કહ્યું કે સર્કલ રેટ કરતા ઓછી કિંમતે પ્રોપર્ટી વેચવી જોઈએ નહીં અને જો તેને સર્કલ રેટ કરતા ઓછી કિંમતે વેચવી હોય તો તેના માટે કોર્ટની પૂર્વ પરવાનગી લેવી પડશે. સુપ્રીમ કોર્ટે સહારા ગ્રૂપને સ્પષ્ટ કર્યું કે, સેબી લગભગ 10,000 કરોડ રૂપિયાની માંગ કરી રહી છે. કોર્ટે સહારા ગ્રૂપ પાસેથી સ્પષ્ટ યોજના પણ માંગી છે. જેથી મિલકતનું વેચાણ પારદર્શક રીતે થઈ શકે.
સિબ્બલે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી કે, તેઓ તેમના અસીલને પૈસા જમા કરાવવા માટે થોડો સમય આપે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં તેણે એમ્બી વેલી પ્રોજેક્ટ સહિત અનેક મિલકત વેચવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોઈપણ ખરીદનાર આગળ ન આવતા તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા.
સુપ્રીમ કોર્ટના શ્રેણીબદ્ધ નિર્દેશ :
ઓગસ્ટ 2012 માં સુપ્રીમ કોર્ટે શ્રેણીબદ્ધ નિર્દેશોમાં કહ્યું હતું કે, સહારા ગ્રુપની કંપની SIRECL અને SHICL દ્વારા વ્યક્તિગત રોકાણકારો અથવા રોકાણકારોના જૂથ પાસેથી વસૂલ કરેલ રકમ ત્રણ મહિનાની અંદર યોગદાનની રકમ પ્રાપ્ત થયાની તારીખથી ચુકવણીની તારીખ સુધી વાર્ષિક 15 ટકાના દરે સેબીને પરત કરશે.
સેબીએ કોર્ટને જણાવ્યું હતું કે, સહારા કંપનીઓએ અત્યાર સુધીમાં 15,455.70 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે, જેનું રોકાણ વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોની ફિક્સ ડિપોઝિટમાં કરવામાં આવ્યું છે. 30 સપ્ટેમ્બર, 2020 સુધીમાં સેબી-સહારા રિફંડ એકાઉન્ટમાં વ્યાજ સહિતની કુલ રકમ 22,589.01 કરોડ છે.