રાજગઢ: મધ્યપ્રદેશના રાજગઢમાં એક મોટી કરૂણાંતિકા સર્જાઈ છે. પીપલોદીમાં રવિવારે રાત્રે લગભગ 9 વાગ્યે જાનૈયા સવાર ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 13 લોકોના મોત થયા છે, જ્યારે 16 જેટલાં લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં ચાર બાળકોનો પણ સમાવેશ થાય છે. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જાણવા મળતી વિગત અનુસાર લગ્નની જાન રાજસ્થાનના મોતીપુરાથી કુલામપુર જઈ રહી હતી.
![ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-06-2024/21621125_b.jpg)
રાજસ્થાનથી આવી રહી હતી જાન: મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં રવિવારે મોડી સાંજે થયેલી એક ભયાનક દુર્ઘટનામાં 13 લોકોના મોત થયા છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર રાજસ્થાનના મોતીપુરા ગામથી ટ્રેક્ટર ટ્રોલીમાં રાજગઢના કુલમપુરા જઈ રહેલા 30 જેટલા જાનૈયાની ટ્રેકટર ટ્રોલી રાજગઢ જિલ્લાના પીપલોદી ચોકી પાસે પલટી ગઈ હતી. જેમાં ટ્રોલી નીચે દબાઈ જવાથી 13 લોકોના મોત થયા હતા, જેમાં 3 બાળકો પણ સામેલ હતા. ગંભીર રીતે ઘાયલ બે લોકોને ભોપાલ રિફર કરવામાં આવ્યા છે અને જિલ્લા હોસ્પિટલમાં 13 લોકોની સારવાર ચાલી રહી છે.
13 લોકોના મોત: દૂર્ઘટના બાદ જિલ્લા હોસ્પિટલમાં પણ અફરા-તફરીનો માહોલ સર્જાયો. કલેક્ટર અને એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઉપરોક્ત ઘટના અંગે માહિતી આપતા રાજગઢ કલેક્ટર હર્ષ દીક્ષિતે જણાવ્યું હતું કે રાજસ્થાનથી કેટલાક લોકો લગ્નની જાન લઈને આવી રહ્યા હતા. રાજગઢ અને રાજસ્થાનની સરહદ વચ્ચે ટ્રોલી પલટી ગઈ અને તેમાં દટાઈને 13 લોકોના મોત થયા. જિલ્લા હોસ્પિટલમાં 15 લોકોની સારવાર ચાલી રહી છે. બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને હોસ્પિટલમાં સ્થિર થયા બાદ તેમને ભોપાલ રિફર કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રોલીની નીચે દટાયેલા લોકોને બચાવવા માટે જેસીબી બોલાવવામાં આવી હતી, જેણે ટ્રોલી ઉપાડી લીધી હતી. ત્યારબાદ લોકોને બહાર કાઢી શકાયા.
![ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/03-06-2024/21621125_b.jpg)
રાજ્યમંત્રી ઘાયલોની હાલત જાણવા હોસ્પિટલ પહોંચ્યા: દૂર્ઘટના અંગેની જાણ થતાં જિલ્લા હોસ્પિટલમાં પહોંચેલા સ્વતંત્ર પ્રભારી રાજ્યમંત્રી નારાયણ સિંહ પંવારે મીડિયા સાથે વાત કરતાં ઘટના અને મૃતકોની પુષ્ટિ કરી અને જિલ્લા અને હોસ્પિટલ દ્વારા અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર કરેલી તબીબી ટીમની પ્રશંસા કરી. મૃતકોને શ્રદ્ધાંજલિ આપતાં તેમણે તેમના પરિવારજનોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી અને ઘાયલોની યોગ્ય સારવારની વ્યવસ્થા કરવાની પણ વાત કરી.
મુખ્યપ્રધાન મોહન યાદવે દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યુ: દુર્ઘટનાને લઈને મુખ્યપ્રધાન મોહન યાદવ અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દુ:ખ વ્યક્ત કર્યુ હતું અને પીડિતોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમએ 'X' પર લખ્યું કે રાજગઢ જિલ્લાના પીપલોદી રોડ પર ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાથી રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાંથી 13 લોકોના અકાળે મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. અમે રાજસ્થાન સરકારના સંપર્કમાં છીએ અને રાજસ્થાન પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રાજગઢની જિલ્લા હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલુ છે. તેમજ કેટલાક ગંભીર રીતે ઘાયલ દર્દીઓને ભોપાલ રીફર કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો શોક: રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને પીડિતોના પરિવાર પ્રત્યે શોક વ્યક્ત કર્યો હતો.