આસામ : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રામાં વ્યસ્ત છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાહુલ ગાંધી આસામના નાગાંવ જિલ્લામાં શ્રી સંકરદેવના જન્મસ્થળ બોરદોવા સત્રની મુલાકાત લેશે.
આસામના લખીમપુર ખાતે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ અંગે મીડિયાને માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ ભારત જોડો ન્યાય યાત્રાનો નવમો દિવસ છે. રાહુલ ગાંધી સવારે 7 વાગ્યે નાગાંવ જિલ્લામાં શ્રી શ્રી સંકરદેવના જન્મસ્થળ બોરદોવા સત્ર ખાતે પહોંચશે. જ્યાં રાહુલ ગાંધી સંકરદેવને શ્રદ્ધાંજલિ આપશે.
દેશના સૌથી અગ્રણી સમાજ સુધારકોમાંથી એક એવા શ્રી સંકરદેવના જન્મસ્થળની રાહુલ ગાંધી મુલાકાત લેશે. આ અંગે વિગતો આપતા જયરામ રમેશે વધુમાં કહ્યું કે, સંકરદેવ આપણા દેશના મહાન ધાર્મિક ગુરુઓ અને સમાજ સુધારકોમાંના એક છે. 15મી અને 16મી સદી દરમિયાન તેમનું યોગદાન આજે પણ પ્રેરણાસ્ત્રોત છે. તેમના ઉપદેશો આજના સંદર્ભમાં નોંધપાત્ર છે.
કોંગ્રેસના અગ્રણી નેતાઓ તેમના ઘમંડને કારણે રામ મંદિરની વિરુદ્ધ છે તેવા આક્ષેપો પર પ્રતિઆક્ષેપ કરતા જયરામ રમેશે ઉમેર્યું હતું કે, આપણા દેશમાં એક જ વ્યક્તિ અહંકારી છે તે વડાપ્રધાન છે. વન નેશન વન ઇલેક્શન પર કોંગ્રેસના વિચાર અંગે જયરામ રમેશે કહ્યું કે, કોંગ્રેસ પ્રમુખે પંચને ત્રણ પાનાનો વિગતવાર પત્ર મોકલ્યો છે. જેમાં લખ્યું છે કે અમે વન નેશન વન ઈલેક્શનની વિરુદ્ધ કેમ છીએ. તે લોકશાહીની વિરુદ્ધ છે અને અમે તેનો પૂરી તાકાતથી વિરોધ કરીશું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરી સહિતના કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ અયોધ્યામાં યોજાનાર ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર કર્યો છે. આના જવાબમાં ભાજપે વિપક્ષી પાર્ટી પર નો-હોલ્ડ-બેરેડ હુમલો શરૂ કર્યો છે.