ગાંધીનગર: નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) માં સેક્રેટરી જનરલ તરીકે ભરત લાલનો કાર્યકાળ કરારના આધારે એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે. 24 જુનને સોમવારે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. નોટિફિકેશન અનુસાર કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ કોન્ટ્રાક્ટના આધારે ભરત લાલનો કાર્યકાળ 30 જૂન 2024થી વધુ એક વર્ષ માટે લંબાવવાની મંજૂરી આપી છે.
ભરત લાલને એક વર્ષનું એક્સટેન્શન: નિવૃત્ત ભારતીય વન સેવા (IFS) અધિકારી ભરત લાલને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) ભારતના સેક્રેટરી-જનરલ તરીકે એક વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિએ કરારના આધારે નિમણૂકને મંજૂરી આપી હતી. જો ભરત લાલના કાર્યકાળની વાત કરવામાં આવે તો ભારતીય વન સેવાના અધિકારી તરીકે તેમણે અનેક મહત્વપૂર્ણ વિભાગોમાં ફરજ બજાવી છે. લાલ જટિલ સમસ્યાઓ ઉકેલવા માટે ‘આઉટ ઓફ બોક્સ’ વિચારવામાં અને ઉકેલો શોધવામાં વિશ્વાસ રાખે છે. તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ઉચ્ચતમ સ્તરે નીતિ નિર્માણનો બહોળો અનુભવ ધરાવે છે.
ભરતલાલ ગુજરાત કેડરના 1988 બેચના અધિકારી: ગુજરાત કેડરના 1988, બેચના ભારતીય ફોરેસ્ટ ઓફિસર ભરત લાલે દિલ્હીમાં ગુજરાત સરકારના રેસિડેન્ટ કમિશનર તરીકે સેવા આપી હતી અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકના હોવાનું માનવામાં આવે છે. લાલ દેશના ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા, ભારતના લોકપાલમાં તેના સચિવ તરીકે જોડાયા હતા. ભરતલાલે વર્ષ 2001 થી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કામ કરવાનો વિશેષાધિકાર મેળવ્યો છે. માર્ચ 2020 થી, દેશમાં કોરોના વાયરસના કારણે કોવિડ -19 રોગચાળાનું સંચાલન કરતી કોર ટીમમાં પણ લાલે કામ કર્યું છે. ભૂતકાળમાં કેન્દ્ર સરકારે વરિષ્ઠ અમલદાર અને ગુજરાત કેડરના નિવૃત્ત IFS અધિકારી ભરત લાલને નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (NCGG)ના મહાનિર્દેશક તરીકે નિયુક્ત કર્યા હતા.
NCGG એ એક સ્વાયત સંસ્થા છે: નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (NCGG) એ ભારત સરકારના વહીવટી સુધારણા અને જાહેર ફરિયાદ વિભાગના નેજા હેઠળની એક સ્વાયત્ત સંસ્થા છે. તેનું મુખ્ય કાર્યાલય નવી દિલ્હી ખાતે અને શાખા કચેરી મસૂરી ખાતે આવેલ છે. NCGG ની સ્થાપના અભ્યાસ, તાલીમ, જ્ઞાનની વહેંચણી અને સારા વિચારોના પ્રચાર દ્વારા શાસનમાં સુધારા લાવવામાં મદદ કરવા માટે કરવામાં આવી છે. તે નીતિ સંબંધિત સંશોધન હાથ ધરવા અને કેસ અભ્યાસ તૈયાર કરવામાં મદદરૂપ થાય છે. ભારત અને અન્ય વિકાસશીલ દેશોના નાગરિક સેવકો માટે ક્યુરેટ તાલીમ અભ્યાસક્રમો, પ્રવર્તમાન જ્ઞાનની વહેંચણી માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સરકારમાં તેમના અમલીકરણ માટે સક્રિયપણે વિચાર અને વિકાસ કરવાનો તેમનો હેતુ છે.
ભરત લાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીક છે: ભરત લાલે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સ્ટાફમાં પણ કામ કર્યું છે. રામનાથ કોવિંદના સંયુક્ત સચિવના રૂપમાં કામ કરવાનો ભરત લાલને બે વર્ષનો અનુભવ છે. ભરત લાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખૂબ જ નજીકના અધિકારી માનવામાં આવે છે. તેઓ ગુજરાત ભવનના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ દિલ્હી આવતા હતા ત્યારે ભરત લાલ પડછાયાની માફક તેમની સાથે રહેતા હતા. સરકાર અને પક્ષના કામમાં પણ ભરત લાલ નરેન્દ્ર મોદી સાથે સતત જોવા મળતા હતા.
જલ જીવન મિશન'ના સ્થાપક મિશન ડિરેક્ટર તરીકે કામ કર્યું: ભરત લાલ મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના વતની છે. તેઓ ગુજરાત કેડરના ભારતીય વન સેવાના ઉચ્ચ અધિકારી રહી ચૂક્યા છે. વન વિભાગના અધિકારી હોવા છતાં ભરત લાલે વિવિધ વિભાગોમાં ખૂબ જ નોંધપાત્ર કામ કર્યો છે. નરેન્દ્ર મોદીના આવ્યા બાદ ભરત લાલ સતત તેમની ગુડ બુકમાં રહ્યા છે. ગુજરાતમાં વોટર મેનેજમેન્ટ મોડેલ પાછળ ભરત લાલનું મહત્વનું યોગદાન માનવામાં આવે છે. ભરત લાલની મદદથી 'વાસ્મો' જેવી સંસ્થાની ભાગીદારીથી ગુજરાતમાં પાણીની વ્યવસ્થા ઊભી થઈ છે. 2024 સુધીમાં દેશના દરેક ઘર અને જાહેર સંસ્થાઓમાં સ્વચ્છ નળનું પાણી સુનિશ્ચિત કરવા માટે ઓગસ્ટ, 2019 માં શરૂ થયેલ ફ્લેગશિપ પ્રોગ્રામ, 'જલ જીવન મિશન'ના સ્થાપક મિશન ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું.
પાણી વ્યવસ્થાપન પર કામ શરુ કર્યુ: ભરતલાલે કારકિર્દીની શરૂઆતથી જ પાણી વ્યવસ્થાપન પર કામ કરવાનું શરૂ કર્યું હતું. ખૂબ લાંબા સમય સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેમાં પીવાના પાણી અને સ્વચ્છતા ક્ષેત્રે કામ કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા 1999માં પાણી અને સ્વચ્છતા ક્ષેત્રમાં સારુ કરવામાં આવેલા સુધારાઓમાં લાલે મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ 'સેક્ટર રિફોર્મ્સ' કાર્યક્રમમાં સામેલ હતા. યોજનાઓમાં વિકેન્દ્રિત, માંગ, સંચાલિત અને સમુદાય સંચાલિત પાણી પુરવઠા, સ્વચ્છતા અને જળ સંસાધન વ્યવસ્થાપન કાર્યક્રમો ઘડવામાં, આયોજન અને અમલીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
ભરત લાલે 2002માં વાસ્મોની સ્થાપના કરી: ગુજરાતમાં ભૂકંપ પછી દરેક ઘરમાં પીવાના નળના પાણીની સુવિધા આપવા અને સ્વચ્છતામાં સુધારો કરવા માટે 2002 માં વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) ની સ્થાપના કરી હતી. જેને વડાપ્રધાન સિવિલ સર્વિસિસ એવોર્ડ, કોમનવેલ્થ એસોસિએશન ફોર પબ્લિક એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ (CAPAM) એવોર્ડ અને WASMOને સંયુક્ત રાષ્ટ્રનો જાહેર સેવા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ગુજરાત જેવા દુષ્કાળગ્રસ્ત અને રણપ્રદેશમાં પીવાના પાણીની ઉપલબ્ધતા હવે કોઈ સમસ્યા નથી.
ગુજરાતમાં પાણીની સમસ્યા દૂર કરવામાં યોગદાન: ગુજરાતની પાણીની સમસ્યા દૂર કરવામાં મહત્વનું યોગદાન ભરત લાલે આપ્યું છે. આ અનુભવના આધારે, ભારત સરકારે 2019 માં 51 બિલિયન યુએસ ડોલરનો કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેનું નામ છે, જલ જીવન મિશન, હર ઘર જલ, નલ સે જલ એવી યોજનાઓ દ્વારા દરેક ગ્રામીણ પરિવારને નિયમિત અને શુદ્ધ પાણીનો પર્યાપ્ત જથ્થો મળી રહે તે નિશ્ચિત કરવામાં આવ્યું હતું. આ યોજનાએ દેશના સામાજિક-આર્થિક વિકાસમાં પાણીની અછતને મર્યાદિત પરિબળ ન બનવા દેવી અને ગરીબી દૂર કરવા માટે ઉચ્ચ આર્થિક વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ કરી છે.